|| સમગ્ર સૃષ્ટિનો ક્રમ વૃદ્ધિનો છે ||
|| સમગ્ર સૃષ્ટિનો ક્રમ વૃદ્ધિનો છે ||
આ જગતમાં જન્મ પામનાર દરેક વ્યક્તિનો જીવનક્રમ બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એવો જ હોય છે. વ્યક્તિ નાની ઉંમરે ગુજરી જાય અને ગરીબ-મધ્યમ વર્ગ કે શ્રીમંત વર્ગનો ભેદ હોય એ બાબતો જુદી છે. બાકી બધાનું જીવન આ જ ક્રમમાં આગળ વધે છે. આવી જ રીતે દરેક વનસ્પતિ અને પશુ-પંખીનો પણ પોતપોતાનો જીવનક્રમ હોય છે. આ સમગ્ર સૃષ્ટિનો એક નિશ્ચિત ક્રમ છે. એ છે વૃદ્ધિનો ક્રમ. આ જગતમાં અસ્તિત્વમાન દરેક વસ્તુની પાછળ કોઈક ને કોઈક હેતુ અને તર્ક રહેલો છે.
સ્વામી વિવેકાનંદે સરસ સંદેશ આપ્યો છે. એમણે કહ્યું છે, જ્યારે ભક્તિ ખોરાકમાં ભળે ત્યારે ખોરાક પ્રસાદ બને છે, જ્યારે એ પાણીમાં ભળે છે ત્યારે એ અમૃત બને છે. જ્યારે ભક્તિ પ્રવાસમાં ભળે છે ત્યારે પ્રવાસ તીર્થ બની જાય છે અને સંગીતમાં ભળે ત્યારે સંગીત કીર્તન બની જાય છે. ઘરમાં ભક્તિનો પ્રવેશ થવાથી ઘર મંદિર બની જાય છે અને કોઈ પણ પ્રવૃત્તિમાં એનો પ્રવેશ થાય ત્યારે એ સેવા બની જાય છે. આ દૃષ્ટિને સકારાત્મક દૃષ્ટિ કહી શકાય.
હું દૃઢપણે માનું છું કે કૃષ્ણ અને જરૂરિયાતમંદ મનુષ્યો પ્રત્યેની મારી ભક્તિ અને સમર્પણને કારણે જ મને સારા મનુષ્ય તરીકે જીવવાની પ્રેરણા મળે છે.
ભગવદ્ ગીતા અને કૃષ્ણલીલા ગ્રંથોમાં પણ ઊંડો અર્થ સમાયેલો છે. એનું પઠન અને અભ્યાસ કરવાથી આપણે જીવનના અર્થ અને મર્મ પામી શકીએ છીએ.
આ વાત કરતાં કરતાં મને ગૂગલ મૅપની એક ખાસિયત યાદ આવે છે. તમે અનુભવ્યું હશે કે ગૂગલ કોઈ માર્ગ બતાવે અને તમે બીજા માર્ગે ચડી જાઓ ત્યારે એમાંથી ક્યારેય ઉંચા અવાજે તમને ઠપકો મળતો નથી. ગૂગલ ક્યારેય કહેતું નથી કે "અરે મૂર્ખ, તારે આની પહેલાંના ક્રોસિંગ વખતે ડાબે જવાની જરૂર હતી. તને ખબર નથી પડતી કે હવે તારે બહુ લાંબો રસ્તો લેવો પડશે અને મીટિંગમાં પહોંચવામાં ઘણું મોડું થઈ જશે. તને આટલો સરસ રસ્તો બતાવ્યો હતો. આટલી સ્પષ્ટ સૂચનાઓનું પાલન કરવાનું તને ફાવતું ન હોય તો ગાડી શું કામ ચલાવે છે!!!" ધારો કે ગૂગલ મૅપમાંથી આવું બોલાવા લાગે તો કોઈ માણસ બીજાઓના દેખતાં ગૂગલ મૅપ વાપરે ખરો?
વાસ્તવમાં ગૂગલ તમને નવો વૈકલ્પિક રસ્તો બતાવવા માંડે છે. એનો ઉદ્દેશ્ય તમને સાચા મુકામ પર પહોંચાડવાનો છે, તમને ક્યાંય માઠું લાગે નહીં એ વાતની કાળજી એ રાખે છે.
અગાઉ આપણે તર્કની વાત કરી. જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ તર્ક હોતો નથી. માતાપિતાનો સંતાનો પ્રત્યેનો પ્રેમ કોઈ તર્કના આધારે હોતો નથી. કોઈ માણસ પોતાના વ્યવસાય પ્રત્યે વફાદાર હોય અથવા તો કોઈ ભાવિક ભક્તિરસમાં તરબોળ બની જાય કે પછી કોઈ સૈનિક દેશદાઝને લીધે પોતાના જીવની કુરબાની આપવા તૈયાર થઈ જાય ત્યારે કોઈ તર્ક કરતાં પ્રેમ વધારે બળવત્તર હોય છે.
તર્ક કહે છે કે તમે જ્ઞાન બીજાઓને વહેંચવામાં આવે ત્યારે જ એ વધુ ઉપયોગી બને છે. સ્મિત વેરનાર માણસના જીવનમાં સકારાત્મકતા આવે છે.
મારી પાસે જ્યારે બોલવામાં થોથવાતા લોકો ઉપચાર માટે આવે છે ત્યારે હું એમને તર્કબદ્ધ રીતે એ સમજાવું છું કે એમની તકલીફ માટે શારીરિક ખામી કરતાં માનસિક ખામી વધારે કારણભૂત છે. એમના મનમાં રહેલો ડર બોલવામાં મુશ્કેલી ઊભી કરે છે. ડરની જ વાત નીકળી છે તો કહી દઉં કે હું પણ એક સમયે ડરતી હતી. ગુજરાતી માધ્યમની શાળામાં ભણી હોવાથી મને ઘણી વખત વિચાર આવતો કે શું હું બીજાઓની જેમ પ્રગતિ કરી શકીશ? એક વ્યવસાયી તરીકે પણ મને વિચાર આવતો કે શું હું બીજાઓની જેમ પ્રભાવી વ્યવસાયી બની શકીશ? પછીથી મેં જ્યારે તર્કબદ્ધ વિચાર શરૂ કર્યો ત્યારે મારા બધા પ્રશ્નો ઓગળી ગયા. પોતે જોયેલું સ્વપ્ન સાકાર કરવાનું બધાના માટે શક્ય છે અને કોઈ પણ ઉંમરે એ શક્ય છે; ફક્ત મહેનત કરવાની જરૂર હોય છે.
મેં અનુભવે જાણ્યું છે કે જીવનમાં કંઈ પણ પામવા માટે પ્રેમ, કરુણા, સમર્પણ અને પ્રામાણિકતા આવશ્યક છે.
જીવનનો તર્ક કહે છે કે તમે દરરોજ જે નાનું નાનું કામ કરો છો એ જ વખત જતાં મોટું પરિવર્તન લાવે છે. કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એના જેવી આ વાત છે.
આપણે આ દુનિયામાં જો કોઈ વસ્તુ મૂકીને જવાના હોઈએ તો એ છે આપણી યાદ. પૈસા માટે તો દરેક માણસ કામ કરે છે, પરંતુ પૈસાથી સુખ, મનની શાંતિ, પ્રામાણિકતા, પ્રેમ, ચારિત્ર્ય, આરોગ્ય, આદર, નૈતિકતા, વિશ્વાસ, ધીરજ, સામાન્ય બુદ્ધિ અને ગૌરવ એ બધું ખરીદી શકાતું નથી. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. આથી બીજાઓને ઉપયોગી થાય એવું જીવન જીવી જવામાં જ સાર છે.
---------------------
Comments
Post a Comment