ધગશ અને સાતત્યનું મિશ્રણ એટલે સફળતા
ધગશ અને સાતત્યનું મિશ્રણ એટલે સફળતા
જ્યારે પણ શહીદોની વાત આવે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એમની દેશભક્તિ બીજા બધા કરતાં ચડિયાતી હોય છે. એટલું જ નહીં, એમનું ધ્યેય પણ સ્પષ્ટ હોય છે. તેઓ જે કામ કરે તે ધગશથી કરતા હોય છે. દેશદાઝને લીધે તેમણે પોતાના જીવ ખોયા હોય છે. તેઓ ક્યારેય દેશ પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી, ફક્ત દેશને આપવામાં માને છે.
તમે જોયું હશે કે પર્વત પરથી આવતું ઝરણું સતત નીચે વહેતાં વહેતાં મોટું થઈને નદી બની જાય છે અને છેવટે સમુદ્રમાં ભળે છે. એ પ્રવાહમાં એક સાતત્ય હોય છે અને મુશ્કેલીઓમાંથી પસાર થવાની હિંમત હોય છે. તેથી જ એને સમુદ્રમાં ભળવા મળે છે. આ એની સફળતા જ હોય છે. આમ, સૈનિકો અને કુદરત બન્ને પાસેથી આપણે ધગશ અને સાતત્ય શીખવા મળે છે.
કૃષ્ણના મુખે લાગતાં પહેલાં વાંસળીના લાકડાએ કપાવું પડે છે અને છિદ્રો પડાવવાં પડે છે. તકલીફમાંથી પસાર થયા બાદ એમાંથી મધુર સૂર પ્રગટ થાય છે. ભગવાન કૃષ્ણને જે રીતે કષ્ટ સહન કરીને બનેલી વાંસળી વહાલી છે એ જ રીતે કષ્ટ સહન કરીને આગળ વધેલા મનુષ્યો પણ વહાલા છે.
હું જેટલા સફળ માણસોને મળી છું એ બધામાં મેં નમ્રતા, ધગશ અને સાતત્યપૂર્ણ મહેનતના ગુણ જોયા છે. તેઓ સવારે વહેલા ઉઠીને શારીરિક શ્રમ કરે છે, આધ્યાત્મિકતાને અપનાવે છે અને પોતાના દરેક કામમાં ચોકસાઈ રાખે છે. હું એક દિવસ એમડીએચ મસાલાના ખ્યાતનામ સ્થાપક ધરમપાલ ગુલાટીને મળી હતી. તેઓ 90 વર્ષની ઉંમર બાદ પણ એક યુવાનને શરમાવે એટલી સક્રિયતા ધરાવતા હતા. સફળતા કોઈ જાદુ નથી, પણ સાતત્ય અને ધગશનું મિશ્રણ છે.
મેં મારી કારકિર્દીનો પ્રારંભ 21 વર્ષની ઉંમરે કર્યો હતો. શરૂઆતમાં મેં બે જગ્યાએ ઇન્ટર્ન તરીકે કામ કર્યું. મને નવું નવું શીખવાની ધગશ હોવાથી હું મારા વરિષ્ઠોને ઘણા પ્રશ્નો પૂછ્યા કરતી. દરરોજ તેમણે મારા ઢગલાબંધ સવાલોના જવાબ આપવા પડતા. મેં એક જગ્યાએ શરૂઆતનાં સાત વર્ષ કામ કર્યું. ત્યાર બાદ બીજી જગ્યાએ અત્યાર સુધીમાં મારાં ત્રીસ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે. હવે મેં પોતાની ક્લિનિક પણ શરૂ કરી દીધી છે. મારા ઘણા દરદીઓ મારા મિત્ર સમાન બની ગયા છે. ઈશ્વરની કૃપાથી આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છું. તેની પાછળ મારી ધગશ અને સાતત્ય જ છે. શ્રવણમંદ બાળકો સાથે કામ કરીને મને સતત પ્રેરણા મળતી રહે છે.
મેં જોયું છે કે લોકો સાથેના સારા સંબંધોનું ઘણું મહત્ત્વ છે. પરિવારમાં એકબીજાની લાગણીઓને માન આપીને અને પરસ્પરના મતમતાંતરને સ્વીકારીને રહેનારા લોકોનાં જીવન જ સુખી હોય છે. આ જ વાત સફળ કંપનીઓને પણ લાગુ પડે છે.
તમે મુંબઈના એક પ્રખ્યાત ખાણીપીણીનાં સ્થળોનું ઉદાહરણ લો તો તમને જાણવા મળશે કે તેઓ પોતાના માલની ગુણવત્તા જાળવીને જ ખ્યાતનામ બન્યા છે, પછી એ પાઉંભાજીવાળા હોય, પાઉંવડાંવાળા હોય, આઇસક્રીમવાળા હોય કે ડોસાવાળા હોય. ઘરગથ્થુ ધોરણે ઈડલી અને ડોસાનું ખીરું બનાવનારાં એક આન્ટીને મળવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે તેમના ખીરાની ગુણવત્તા વર્ષોથી અકબંધ છે. દેશ-વિદેશમાં જાણીતી બ્રાન્ડ્સને પણ આ જ વાત લાગુ પડે છે.
આપણા દેશમાં મોટા પાયે સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને તેમની પાછળ પણ સંચાલકોની ધગશ અને સાતત્ય હોય છે.
આજે મને એ વાતનો આનંદ છે કે સકારાત્મકતા વિશેના મારા લખાણમાં પણ સાતત્ય જળવાયું છે. વાંચકોના પ્રતિભાવને લીધે મારી ધગશ સતત વધતી ગઈ છે. ઈશ્વરદત્ત હિંમતથી હું કાર્ય કરી રહી છું અને એ આ રીતે જ ચાલતું રહે એવી પ્રાર્થના કરું છું.
-----------------
Comments
Post a Comment