|| રચનાત્મકતા જીવનમાં સકારાત્મકતા લાવે છે ||
રચનાત્મકતા જીવનમાં સકારાત્મકતા લાવે છે
"કંઈક
નવું સર્જન કરવું હોય તો અખતરા કરવા પડે, વિકસવું પડે, જોખમો લેવાં પડે, ઘરેડ
તોડવી પડે. એમાં ભૂલો પણ થાય અને મજા પણ આવે...." મૅરી
લોઉ કૂકનું આ વિધાન છે, જે ઘણું અર્થસભર છે.
જો તમે વિમાનમાં
બેઠાં બેઠાં નીચે નજર કરો તો તમને ઘણા બધા વિચારો આવવા લાગે. એ વખતે માણસ પોતાનું
જીવન જાણે વિમાનના ચાલકને સમર્પિત કરીને બેઠો હોય એવો ભાવ જાગે. ઘણા લોકોને
વિમાનમાં પ્રવાસ કરવાનો ડર લાગતો હોય છે, પરંતુ ક્યારેક વિમાનમાં જવાનું વધારે
માફક આવે એવું હોય છે. તમે વિમાનમાં નીડર થઈને બેસો તો પ્રવાસની મજા આવે, અન્યથા
પૈસા પાણીમાં જાય.
મને વિવિધ
મંદિરોમાં જવાનો શોખ છે. ઘણાં મંદિરોમાં દેવી-દેવતાઓનાં આખા વર્ષનાં વસ્ત્રો
નિશ્ચિત હોય છે. દરરોજના શ્રૃંગાર વિશે પુષ્ટિમાર્ગમાં અમુક વર્ણનો લખેલાં છે,
પરંતુ દર વખતે ભગવાન એક સમાન વસ્ત્રોમાં પણ અલગ અલગ દેખાતા હોય છે. ભગવાને પોતે
જ્યારે બે માણસો સમાન બનાવ્યા નથી, ત્યારે એ પોતે કેમ રોજ એકસરખા દેખાઈ શકે!
ઈશ્વર પોતાની રચના
દ્વારા આપણને એ કહેવા માગે છે કે પૃથ્વી પરના દરેક મનુષ્યે એમના જેવું રચનાત્મક
બનવાની જરૂર છે. તમે જોયું હશે કે એક જ ભગવાનનાં ચિત્રો અલગ અલગ લોકોએ પોતાની
ભાવના પ્રમાણે કેવાં અલગ અલગ બનાવ્યાં છે! એટલું જ નહીં, ભગવાનનાં ભજન પણ દરેક ગાયક કલાકારના અલગ અલગ
સ્વરમાં અલગ અલગ આનંદ આપે છે.
આપણે સકારાત્મક
દૃષ્ટિએ વિચાર કરીએ તો દુનિયા ઘણી સુંદર છે. એ દૃષ્ટિ કેળવવા માટે આપણે જીવનના
દરેક તબક્કે રચનાત્મક બનવાની જરૂર છે. આવો અભિગમ કેળવાયા બાદ માણસ આપોઆપ હિંમતવાન
બને છે.
મારી એક શ્રવણમંદ
વિદ્યાર્થિનીની વાત કરું. એ ઘણું સારું ચિત્રકામ કરે છે. એણે પોતાનાં ચિત્રોનો
બિઝનેસ શરૂ કર્યો છે અને આજે એ એકલા હાથે પોતાનાં એક્ઝિબિશન્સ ગોઠવે છે. એક દિવસ
એને કાર ચલાવતી વખતે કોઈ મુશ્કેલી નડી, પણ એ હિંમતવાન હોવાથી એણે બાજી સંભાળી
લીધી. સામાન્ય માણસો ઘણી વાતે રડતા હોય છે, જ્યારે આ શ્રવણમંદ ચિત્રકાર દરેક
પરિસ્થિતિને સંભાળી લેવાની હિંમત ધરાવે છે. હું મારાં આ વિશેષ બાળકો પાસેથી શીખી
છું કે દરેક પરિસ્થિતિમાં પ્રતિક્રિયા કરવાની જરૂર નથી. ફક્ત હિંમતપૂર્વક એનો
સામનો કરો.
અહીં બીજું પણ એક
ઉદાહરણ આપવા જેવું છે. મારી પાસે વ્યક્તિના અવાજનું વિશ્લેષણ કરનારું સોફ્ટવેર છે.
તેમાં જાણી શકાય છે કે કોઈ વ્યક્તિનો અવાજ સામાન્ય અવાજ કરતાં કઈ રીતે અલગ પડે છે.
દરેક વ્યક્તિએ એ સોફ્ટવેરમાં જાણવા મળેલી ત્રુટિઓ પર કામ કરીને પોતાની વાચા
સુધારવાની હોય છે. જે માણસ પોતાની વાચા સુધારવા માટે કામ કરે છે એને પરિણામ ચોક્કસ
મળે છે એવો મારો અનુભવ છે.
હું બોલવામાં
થોથવાતા મારા દરદીઓને સાંભળવાની તકલીફ ધરાવતા દરદીઓ સાથે મુલાકાત કરાવું છું. તેઓ
એકબીજાનું જોઈને પોતાની ખામીઓને દૂર કરવાનું શીખે છે.
આપણે એ પણ જોયું
છે કે જેમને કોઈ એક ઈન્દ્રીયની ખામી હોય છે એમની બાકીની બધી ઈન્દ્રીયો વધુ સારી
રીતે એટલે કે સામાન્ય કરતાં ઘણી વધારે સારી રીતે કામ કરતી હોય છે. મારા દરદીઓની જ
વાત કરું. એમને સાંભળવામાં તકલીફ હોય છે, પરંતુ તેઓ ફૅશન શો, નૃત્ય, સોફ્ટવેર
એન્જિનિયરિંગ, વગેરે અનેક ક્ષેત્રે બીજાઓ કરતાં વધારે સારી આવડત ધરાવતા હોય છે.
હું મારી વાત કરું
તો, હું દરરોજ અલગ અલગ દૃષ્ટિએ વિચારતી હોઉં છું. જીવનમાં કંઈક નવું કરવાની
ઈચ્છાને લીધે જ હું સકારાત્મક બની છું અને આજે આપની સાથે વાત કરી રહી છું. ખાસ
કરીને, લેખન વખતે હું મારા દરદીઓને યાદ કરું છું અને મને એમનામાંથી અલગ અલગ રીતે
પ્રેરણા પ્રાપ્ત થાય છે.
રચનાત્મકતાનો બીજો
પણ એક ફાયદો છે. સર્જન કરનાર વ્યક્તિ ગામગપાટા, ગળાકાપ સ્પર્ધા કે ટીકા જેવા
દુર્ગુણોથી દૂર રહે છે. એટલું જ નહીં, એનાથી આપણો ડર પણ દૂર થાય છે. મેં મારી
દીકરીઓને પણ ચિત્રકામ, ખેલકૂદ, વાંચન, લેખન, વગેરે જેવી તમામ સંભવિત રચનાત્મક
પ્રવૃત્તિઓની તાલીમ અપાવી છે. તેઓ જ્યારે પણ એકલી પડે છે ત્યારે આ પ્રવૃત્તિઓમાં
વ્યસ્ત થઈ જાય છે. વાલી તરીકે પણ આપણી ફરજ છે કે બાળકોને સારાં કામમાં પરોવી
રાખીએ. આવાં બાળકો જ અલગ દૃષ્ટિએ વિચારી શકે છે અને દુનિયામાં સકારાત્મક પરિવર્તન
લાવી શકે છે.
રચનાત્મક વિચારો
કોઈની ઈજારાશાહી હોતા નથી. આથી તમે પણ ઉંચું વિચારો, ઝડપી વિચારો અને બીજાઓ કરતાં
આગળ વિચારો.
----------
Comments
Post a Comment