મારો (કોરોના) પોઝિટિવિટીનો અનુભવ

મારો (કોરોના) પોઝિટિવિટીનો અનુભવ


નવા વર્ષની આટલી પોઝિટિવ શરૂઆત! હું પહેલી જાન્યુઆરીએ જ કોરોના પોઝિટિવ આવી એ કેવો મોટો યોગાનુયોગ. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો ત્યારે પરિવારજનો ચિંતિત થઈ ગયા. તાવ વધવાની સાથે એમની ચિંતા પણ વધી. જોકે, ભૂતકાળમાં મોટી બીમારીઓમાંથી બચી ગયા બાદ મારું આજનું જીવન બોનસ જ ગણાય. હું માનું છું કે ઈશ્વરને મને પોઝિટિવિટીના આ બ્લોગ લખવા માટે જ જીવતી રાખી હતી. મારી (કોરોના) 'પોઝિટિવિટી' મારા પતિમાં પણ દેખાઈ! પહેલાં મારી તબિયત બગડી અને મેં પહેલાં ટેસ્ટ કરાવ્યો, પણ પોઝિટિવ રિપોર્ટ પતિનો પહેલાં આવ્યો.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ મેં આયુર્વેદના મારા વર્ષો જૂના ડૉક્ટરની સલાહ લીધી. તેઓ 79 વર્ષના છે. મને ઘણા લોકોએ ઘણાં સૂચનો કર્યાં, પણ હું આયુર્વેદિક સારવારને વળગી રહી અને ત્રણ દિવસમાં તાવ, શરદી, વગેરે બધું ગાયબ!

મારા કૉલેજકાળમાં મેં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. મને એના પરથી સમજાયું છે કે દરેક વ્યક્તિએ પહેલાં પોતાના શરીર, મન અને આત્માનો પરિચય કેળવી લેવો જોઈએ અને એમાં જ્યારે પણ કોઈ ફેરફાર થાય ત્યારે તેની નોંધ લેવાની જોઈએ.

સકારાત્મકતાના લેખો લખતી વખતે મેં આત્માની સમજ કેળવી છે. હું મનને સમજીને સકારાત્મકતા અને સુખનો ફેલાવો કરવા સક્રિય છું અને હવે કોરોના પોઝિટિવિટી મને શરીરને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે. કોઈકે સાચું જ કહ્યું છે, "ભૂતકાળ તમારા મગજમાં અને ભવિષ્ય તમારા હાથમાં હોય છે."

આ અનુભવ પરથી મેં જોયું છે કે કોઈ પણ માંદગી આવે ત્યારે દવાઓ પર મદાર રાખવાને બદલે શરીરને બરોબર સમજીને ખાન-પાનમાં આવશ્યક ફેરફારો કરવાથી ઘણો ફાયદો થાય છે. તમને પોતાને શું લાગે છે અને શું ખાવું-પીવું છે એનું મહત્ત્વ બીજાઓએ આપેલાં સૂચનો કરતાં વધારે હોય છે. એટલું જ નહીં, તમને જેના પર વિશ્વાસ હોય એ ડૉક્ટરની સલાહને અનુસરવું જોઈએ. ડૉક્ટર ઍલોપથીના છે કે પછી હોમિયોપથી કે આયુર્વેદના છે, એનું મહત્ત્વ નથી. મહત્ત્વ એમનામાં મૂકેલા વિશ્વાસનું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે કોરોના રોગચાળા દરમિયાન હું ભારતમાં ઓછામાં ઓછી 20 વાર બહારગામ ગઈ છું. ગયા એપ્રિલમાં હું અમેરિકા પણ જઈને આવી. આની પહેલાં વધારે ભયંકર ડેલ્ટા વેરિયન્ટ આવી ગયો અને મેં સેંકડો શ્રવણમંદ દરદીઓને સારવાર પણ આપી છે. આ વખતે સાવ નજીવી બાબતમાં મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. હું હજી પણ સ્વીકારી શકતી નથી કે મને કોરોના થયો હતો. અત્યારે વધી રહેલા કેસમાં કોઈની ચાલબાજી છે એવું હું કહેવા માગતી નથી, પરંતુ અહીં યાદ દેવડાવવું ઘટે કે હાલમાં જ અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલે (સીડીસી) કહ્યું છે કે આરટીપીસીઆર ટેસ્ટ ફ્લુ અને કોવિડ વાઇરસ વચ્ચે ભેદ કરતો નથી.

હું તો ફક્ત એટલું કહેવા માગું છું કે સમગ્ર વિશ્વને ઘમરોળી નાખનાર આ વાઇરસ આવ્યો તેની પાછળ આપણી શું ભૂલ છે એના વિશે સૌએ ભેગા મળીને વિચારવાની જરૂર છે. આપણે પર્યાવરણને કે બીજી કોઈ વસ્તુને નુકસાન કર્યું હશે તેથી આપણે એનું ફળ ભોગવ્યા વગર છૂટકો નથી. 'જેવું વાવો એવું લણો'નો નિયમ અહીં લાગુ પડતો દેખાય છે.

મેં કોરોનાના ક્વોરન્ટાઇનના સમયગાળામાં ફરીથી ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું. એમાં મને યદા યદા હી ધર્મસ્ય.... એ શ્લોક અત્યારના સંજોગો માટે યોગ્ય લાગ્યો. હવે મને લાગે છે કે ભગવાન આપણી વચ્ચે આવી ગયા છે. ભગવાને આપેલી હવાનું આપણે માન રાખ્યું નહીં તેથી એમણે આપણને માસ્ક પહેરાવ્યાં. આપણે કુદરતને સાચવી નહીં તેથી એમણે આપણને દવાઓ લેવા મજબૂર કર્યા. આપણે વડવાઓનું માન રાખ્યું નહીં તેથી એમણે આપણને સ્વજનોથી આઇસોલેટ કર્યા. આપણે પ્રકૃતિને ગુલામ બનાવવાની કોશિશ કરી તેથી એમણે આપણા જીવનને જ અનિશ્ચિત બનાવી દીધું.

આપણે મન, શરીર અને આત્માને સમજવાનું છોડી દીધું હતું અને યંત્રવત્ બની ગયા હતા તેથી એમણે આપણને ફરીથી આત્મચિંતન કરવા મજબૂર કર્યા.

આખરે મારે એટલું જ કહેવાનું છે કે મન, શરીર અને આત્માને પિછાણો તથા કૃષ્ણમાં શ્રદ્ધા રાખો. હું આશા રાખું છું કે ભગવાન આપણને સૌને આ કામમાં મદદ કરશે.

નકારાત્મકતાનો અંધકાર દૂર થાય અને સુંદર પૃથ્વીનાં ફરી દર્શન થાય તથા જગતમાં પ્રેમ, કરુણા અને માનવતાનો પ્રસાર થાય એવી પોઝિટિવિટી સાથે મારી 'કોરોના પોઝિટિવિટી'ની વાત પૂરી કરું છું.

------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...