|| સંકલ્પશક્તિ, હિંમત અને આત્મવિશ્વાસ જાગૃત કરો, દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જશે ||

 સંકલ્પશક્તિ, હિંમત અને આત્મવિશ્વાસ જાગૃત કરો, દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જશે


આ પૃથ્વી પર દરેક મનુષ્યનું શરીર તો પંચમહાભૂતોથી જ બનેલું છે, પણ દરેકની પોતપોતાની ખાસિયતો હોય છે એનું શું કારણ? દરેક મનુષ્ય જે કરવાનું વિચારે છે, જે પ્રતિબદ્ધતા દાખવે છે અને એના માટે તનતોડ મહેનત કરે છે એ જ એની ખાસિયતનું એક કારણ છે.

એક થિયરી કહે છે કે આપણે જેવી ભાવના રાખશું એવું જ આપણને પાછું મળશે. આમ, સારી ભાવના હશે તો સારું જ થશે અને ખરાબ ભાવના હશે તો જગત ખરાબ જ લાગશે. આથી આપણે સકારાત્મકતા તરફ લક્ષ આપવાની અને તેનો ફેલાવો કરવાની જરૂર છે. તેના દ્વારા જ આપણે આ જગતને સુંદર બનાવી શકીશું.

ભગવાન કૃષ્ણ દેવકી અને યશોદા બન્નેના કહેવાયા. બન્ને માતાઓને ખબર હતી કે એમનો પુત્ર ભગવાન છે અને ધારે તે કરી શકે છે. આમ છતાં તેમણે માતા તરીકેનો પોતાનો ધર્મ સુપેરે બજાવ્યો.

નારદ મુનિને પણ ખબર હતી કે કૃષ્ણ ભગવાન છે. આમ છતાં તેમણે કંસને એવું કહ્યું કે દેવકીનું આઠમું સંતાન એને મારશે.

આ ઉદાહરણ પરથી કહી શકાય કે દરેક વ્યક્તિ પોતપોતાને મળેલી ભૂમિકાને ઉત્તમ રીતે બજાવે એનું જ મહત્ત્વ હોય છે.

હું અપંગ કહેવાતાં બાળકો સાથે કામ કરું છું. એમને કોઈક ખોડ છે, પરંતુ એમને જીવનમાં પ્રગતિ કરતાં જોઉં ત્યારે લાગે છે કે ફક્ત સકારાત્મક ઊર્જાને કારણે જ તેઓ વિકાસ સાધી શકે છે. આના પરથી કહી શકાય કે સકારાત્મક ઊર્જા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ક્યારેક તો મને એવું લાગે છે કે આવા લોકોની સકારાત્મક ઊર્જાને લીધે જ પૃથ્વી ચલાયમાન-ગતિમાન છે. આપણે સામાન્ય માણસો તકલીફોથી દૂર ભાગીએ છીએ અને હિંમતપૂર્વક સામનો નહીં કરવા માટેનાં અનેક બહાનાં શોધી કાઢીએ છીએ તથા સહાનુભૂતિ ઈચ્છીએ છીએ, જ્યારે અપંગ બાળકો ક્યારેય સહાનુભૂતિ માગતાં નથી. તેઓ હંમેશાં સાથ-સહયોગ-સમર્થન માગતાં હોય છે. આપણે એમને ખીલવા માટે યોગ્ય ટેકો આપીએ તો તેઓ ક્યાંય આગળ નીકળી જાય છે. જો આપણે સામાન્ય માણસો પણ એકબીજાને ટેકો-સહકાર આપવા લાગીશું તો આ દુનિયા કેવી સરસ બની જશે એનો વિચાર કર્યો છે ખરો? મને આ બાળકો સાથે કામ કરીને આ વિચાર આવ્યો છે.

થોડા વખત પહેલાં વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ જન્મજાત બાળકની શ્રવણશક્તિની ચકાસણી બધા જ દેશોની બધી જ હૉસ્પિટલોમાં કરાવવાની આવશ્યકતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે વહેલી તકે બાળકોની શ્રવણશક્તિની ખામીનું નિદાન થઈ જાય તો એમને શ્રવણયંત્ર આપીને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવી શકાય છે.

આજે મને સિંહનું ઉદાહરણ યાદ આવે છે. જંગલના આ રાજાને પ્રાણી સંગ્રહાલયમાં દેખરેખ હેઠળ રખાય છે. એને ક્યારેય ભોજનની કમી વર્તાતી નથી. બીજી બાજુ જંગલમાં ફરતા સિંહે પોતે ખોરાકની શોધમાં નીકળવું પડે છે, પરંતુ બન્નેના જીવનમાં ઘણો ફરક છે. આજકાલ ઘણાં ઘરોમાં માત્ર એક જ સંતાન હોય છે. આવામાં માતાપિતા એની દરેક જરૂર પૂરી કરવા ઉપરાંત એને ઉત્તમ વસ્તુઓ અપાવતાં હોય છે. તેઓ એક વાત ભૂલી જાય છે કે જો જીવનમાં કોઈ જ તકલીફનો સામનો કરવામાં નહીં આવે તો તેઓ પછીથી નાની અમથી મુશ્કેલીમાં પણ મુંઝાઈ જશે અને ન કરવા જેવું કામ કરી બેસશે.

હું મારા અનુભવના આધારે કહી શકું છું કે જીવનમાં જોઈતી દરેક વસ્તુ આ પૃથ્વી પર ઉપલબ્ધ છે. ફક્ત એને શોધવા માટે સંકલ્પશક્તિ, હિંમત અને આત્મવિશ્વાસની જરૂર છે. અંતરમનમાં ડોકિયું કરીને આ ક્ષમતાઓને જાગૃત કરો, દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી શકે છે.

-------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...