સંતુલિત જીવન જ પ્રસન્નતા બક્ષે છે

 સંતુલિત જીવન જ પ્રસન્નતા બક્ષે છે


મન, વચન અને કાયા વચ્ચે સુમેળ રહે ત્યારે જીવનમાં સંતુલન આવે છે. સંતુલન આવે ત્યારે જીવન સંપૂર્ણ અને સાર્થક લાગે છે. કુદરતમાં પણ એક પ્રકારનું સંતુલન છે અને મનુષ્ય જ્યારે કુદરત સાથે તાદાત્મ્ય કેળવે છે ત્યારે પણ સંતુષ્ટિ અનુભવાય છે. વૃક્ષો ઉંચે ઉગે છે, પરંતુ એમનાં મૂળિયાં પણ ઉંડે ઉંડે જતાં હોય છે. આમ, તેઓ સંતુલન જાળવે છે. દિવસભર સૂર્ય પ્રકાશિત રહેવાથી ગરમી થાય છે, પરંતુ ચંદ્ર અને તારાઓ આવીને શીતળતા બક્ષે છે તથા સંતુલન જાળવી રાખે છે. આકાશમાં ઉડતાં પક્ષીઓ ચણ ખાવા પૃથ્વી પર આવીને સંતુલન ટકાવી રાખે છે.

દાનવીર કર્ણ મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા બાદ સ્વર્ગે સિધાવે છે અને ત્યાં યમરાજ તેનું ભવ્ય સ્વાગત કરે છે. કર્ણને સ્વર્ગમાં સ્થાન મળ્યા બાદ થોડા સમય પછી ભૂખ લાગવા માંડે છે. ત્યાંના લોકોને આશ્ચર્ય થાય છે કે સ્વર્ગમાં કોઈને ભૂખ લાગતી નથી અને આને કેમ લાગી. દેવગુરુ બૃહસ્પતિ આ બધું જોઈ રહ્યા હતા. તેમણે કર્ણને તર્જની ચાટીને ભૂખ દૂર કરવાનું કહ્યું. આ રીતે કર્ણની ભૂખ દૂર થઈ ગઈ. કર્ણે ભૂખ લાગવા માટેનું કારણ પૂછતાં ગુરુએ કહ્યું, "તે આખી જિંદગી દાનપુણ્ય કર્યું, પરંતુ ક્યારેય અન્નદાન કર્યું નહીં. આથી તને સ્વર્ગમાં પણ ભૂખ લાગી." જેના જેવો કોઈ દાનવીર નથી થયો એવા કર્ણે પૂછ્યું, "તો પછી તર્જની ચાટવાથી ભૂખ કેવી રીતે દૂર થઈ ગઈ?" ગુરુએ કહ્યું, "એક દિવસ એક બ્રાહ્મણ તારા ઘરે ભોજનની ભિક્ષા લેવા આવ્યો હતો. તું પોતે અન્નદાન કરતો નહીં હોવાથી તે જ્યાંથી ભોજન મળી શકે એ ઘર તરફ આંગળી ચીંધી. બ્રાહ્મણ ત્યાં ગયો અને એને ખાવાનું મળ્યું. આંગળી ચીંધ્યાનું એ પુણ્ય તારા નામે હતું તેથી એના પ્રતાપે તારી ભૂખ દૂર થઈ."!

કર્ણને આ વાતનું ઘણું લાગી આવ્યું. એ યમરાજ પાસે ગયો અને એક પખવાડિયા સુધી ફરી મૃત્યુલોકમાં જવાની પરવાનગી માગી. યમે એ માગણી પાછળનું કારણ પૂછ્યું ત્યારે કર્ણે એ પખવાડિયામાં અન્નદાન કરવાની વાત કરી. યમે એ માગણી સ્વીકારી. કર્ણે પૃથ્વી પર આવીને પોતાને કોઈ ઓળખે નહીં એવી જગ્યાએ અન્નદાન કર્યું. એને આ કામ કરીને ઘણું સારું લાગ્યું. એક પખવાડિયા પછી યમ પાછા આવ્યા. કર્ણ એમની સાથે જવા તૈયાર થઈ ગયો. યમને પણ વિચાર આવ્યો કે કર્ણની જગ્યાએ બીજું કોઈ હોત તો એણે વધારે સમય પૃથ્વી પર રહેવાની માગણી કરી હોત. આથી યમે કર્ણને વરદાન માગવાનું કહ્યું. કર્ણે કહ્યું, ભગવાન, આ પૃથ્વી પર જે લોકો પોતાના પૂર્વજોને કે બીજા કોઈને ભોજન કરાવવાનું ભૂલી ગયા હોય એ લોકો જો આ પખવાડિયામાં ભોજન ધરાવે તો એ ભોજન પૂર્વજોને પહોંચવું જોઈએ. યમે વરદાન આપ્યું અને આજે પણ એ પખવાડિયાનું માહાત્મ્ય છે, જેને આપણે શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખીએ છીએ.

દરેકના જીવનમાં કોઈ પણ કચાશ રહી જાય નહીં અને જીવનમાં સંતુલન જળવાઈ રહે એવું કર્ણના આ પ્રસંગ પરથી સમજી શકાય છે.

જીવનમાં સંતુલન ત્યારે જ આવે જ્યારે આપણે પોતે શું કરી રહ્યા છીએ તેના વિશે સંપૂર્ણપણે જાગૃત હોઈએ. સંતુલનનો એક અર્થ આપણા શારીરિક અને માનસિક આરોગ્યનું સંતુલન તથા બુદ્ધિ અને લાગણીઓનું સંતુલન પણ થાય છે.

એટલે જ આજની તારીખે ઇન્ટેલિજન્સ કોશન્ટ (બુદ્ધિઆંક)ની સાથે સાથે ઈમોશનલ કોશન્ટ (લાગણીઓનો આંક)ને પણ મહત્ત્વ આપવામાં આવે છે. મને અહીં એક છોકરાનો કિસ્સો યાદ આવે છે. એ બુદ્ધિશાળી હતો, પરંતુ નાની નાની વાતોમાં અપસેટ થઈ જતો અને કોઈની પણ સામે બોલવાનું ટાળતો. મેં એનાં માતાપિતાને કહ્યું કે એ છોકરાને ખેલકૂદ તરફ વાળવાની જરૂર છે. માતાપિતાએ મારી વાત માની અને તેને કારણે છોકરામાં અદભુત પરિવર્તન આવ્યું. એનું જીવન સંતુલિત અને કેન્દ્રીત બન્યું. માનસિક કસરતની સાથે સાથે શારીરિક કસરત થવા લાગી તેથી સંતુલન આવ્યું.

હાલમાં મેં જોયું કે એક ઘરમાં એક બાળકની સેવાચાકરી કરવા માટે પાંચ માણસો હાજર હતા. એના ફક્ત એક ઈશારે પાંચે જણ દોડતાં આવે એવું હતું. એને જોઈએ એ બધું જ મળી રહે છે, પરંતુ જીવનમાં કરવું શું એ એને સમજાતું નથી. આથી એ આખો દિવસ આમથી તેમ દોડ્યા કરે છે. એક જગ્યાએ બેસવાની ધીરજ એનામાં નથી. એનામાં બુદ્ધિ છે, પરંતુ બધું એનું વર્તન વિધ્વંશક બની ગયું છે. અમારી હીયરિંગ હાર્ટ્સ ક્લિનિકમાં અમે એ છોકરા પાસે વ્યાયામ કરાવવાની શરૂઆત કરી. વ્યાયામ કરી લીધા બાદ એને કોયડા ઉકેલવા આપવામાં આવે છે. આ બધાના પરિણામે એનામાં એકાગ્રતા આવી છે અને જીવન સંતુલિત બની ગયું છે.

આ કિસ્સા પરથી કહી શકાય કે જીવનમાં જ્યારે બધું આસાનીથી મળે છે ત્યારે વિકાસ રૂંધાઈ જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં પ્રતિકૂળતાઓ, સંઘર્ષ આવે છે, પરંતુ એમાંથી માર્ગ કાઢતાં શીખવાની જરૂર હોય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી આવેલા લોકો જીવનમાં નવાં નવાં શિખરો સર કરતાં જોવા મળે છે.

જો તમને જીવનમાં સફળતા જોઈતી હોય તો નિષ્ફળતા પચાવતાં શીખી જાઓ. હવામાં ઉડવાની સાથે સાથે જમીન પર સહેલાઈથી ચાલવું પણ જરૂરી હોય છે. માણસ સફળ ત્યારે જ કહેવાય, જ્યારે એનામાં વિનમ્રતા આવે. વિનમ્રતા એ સફળતાને સંતુલિત કરનારો ગુણ છે.

ટૂંકમાં, સંતુલિત જીવન જ પ્રસન્નતા બક્ષે છે.

------------------------------

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...