કોઈ તબીબીશાસ્ત્ર કરતાં પોતાનું મનોબળ આપણને બીમારીથી જલદી સાજા કરે છે
કોઈ
તબીબીશાસ્ત્ર કરતાં પોતાનું મનોબળ આપણને બીમારીથી જલદી સાજા કરે છે
ગયા વખતે મેં
કોરોના પોઝિટિવિટીની વાત કરી. આજે કોરોના નેગેટિવ થયા બાદ વર્તન-વ્યવહારમાં પોઝિટિવ
રહેવાની વાતને આગળ વધારવાની છે.
કોરોના
પોઝિટિવિટીને કારણે ક્વોરન્ટાઇનમાં રહેવું પડ્યું ત્યારે કોઈ પણ કામ વગર રહેવાનું
ગમ્યું નહીં. આથી ક્યાંક વિદેશ હોઈએ અને જેટલાં કામ થઈ શકતાં હોય એટલાં કરીએ એ
સ્થિતિને મેં યાદ કરી.
મેં ક્વોરન્ટાઇનના
દિવસોમાં આધ્યાત્મિકતા વિશેનું અને મારા કાર્યક્ષેત્રને લગતું લખાણ વાંચ્યું. મારે
એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ધ્વનિપ્રદૂષણ વિશે સંશોધનપત્ર રજૂ કરવાનું હોવાથી મેં આ
તકનો ઉપયોગ કરીને એ વિષયે ઘણું વાંચન કર્યું. એમાં એક લેખમાં મેં વાંચ્યું કે
મનુષ્ય ઊંઘમાં હોય ત્યારે પણ કોઈ જોખમનો સંકેત આપનારા અવાજને પારખી લે છે. આથી જ
ઊંઘ દરમિયાન આવા કોઈ અવાજ આવે તો માનસિક આરોગ્ય પર અસર થાય છે. ધ્વનિપ્રદૂષણ
માણસની અવાજ પ્રત્યેની સંવેદનશીલતાને સતત જાગૃત રાખે છે અને તેને કારણે માનસિક તાણ
વર્તાય છે.
આધ્યાત્મિક
વાંચનમાં મને જાણવા મળ્યું કે મન, શરીર અને આત્માને હંમેશાં નકારાત્મક ઘોંઘાટ (બિનજરૂરી
વસ્તુઓ)થી દૂર રાખવાં જોઈએ. આથી મેં કોરોના પોઝિટિવિટી દરમિયાન કોરોના
નેગેટિવિટીને અનુરૂપ વર્તન રાખ્યું. મેં જોખમી અને બિનજરૂરી વસ્તુઓને મારી નજીક
આવવા જ દીધી નહીં.
અર્જુન મહાભારતનું
યુદ્ધ લડવા તૈયાર ન હતા તેથી ભગવાન કૃષ્ણે એમને મનુષ્યોનાં કર્મો વિશે જ્ઞાન
આપ્યું. કૌરવો અને પાંડવોની સાથે સાથે કૃષ્ણે પણ યુદ્ધમાં ટકી રહેવા માટે આવશ્યક
જ્ઞાન પ્રાપ્ત કર્યું.
કોરોના વિશે
વાંચ્યું તો મને એકેય બાબતે સમરૂપતા દેખાઈ નહીં. બધે અલગ અલગ દૃષ્ટિકોણથી
કહેવાયેલી વાતો જાણવા મળી. આવામાં મેં ઈશ્વરને પૂછ્યું, કે મારે શું કરવું જોઈએ.
મને જવાબ મળ્યો ફક્ત પોતાના તથા અન્યોના સ્વાસ્થ્ય માટે ચિંતન કરવું અને પ્રભુને
સર્વેત્ર સુખિનઃ સન્તુ પ્રમાણે પ્રાર્થના કરવી.
અમે પતિ-પત્ની
કોરોના પોઝિટિવ થયાં અને એના થોડા દિવસ પહેલાં જ મારાં સાસુએ પણ બીજી એક બીમારી
ભોગવી હતી. આથી અમારે એમના માટે ખાસ તકેદારી લેવી પડતી હતી. મેં જોયું કે મારી
નાની દીકરીના વર્તનમાં પરિપક્વતા આવી ગઈ. એણે ઘરના બધાનું ખૂબ સરસ રીતે ધ્યાન
રાખ્યું. બધાને સમયસર ભોજન અને દવા મળી રહે એનું ધ્યાન રાખવાની સાથે સાથે પોતાના
કામનું પણ આયોજન કર્યું.
કોરોના પોઝિટિવિટી
દરમિયાન મેં જોયું કે આપણી સાથે સંકળાયેલા લોકોના સદભાવ પણ આપણને સાજા કરવા સમર્થ
હોય છે. મેં એ પણ જોયું છે કે જેમનું મનોબળ મજબૂત હોય છે એ લોકો જલદી સાજા થઈ જાય
છે. આમ, તમે કઈ આરોગ્ય ચિકિત્સા કરાવો છો એના કરતાં તમારું મનોબળ કેટલું મજબૂત છે
એ વાતનું વધારે મહત્ત્વ હોય છે.
બીજું એ કે
વિશ્વમાં કોઈ પણ પરિવર્તન લાવવું હોય તો પહેલાં પોતાનામાં પરિવર્તન લાવવું જરૂરી
છે. આ પોઝિટિવ વિચારોએ મને કોરોના નેગેટિવ કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી.
જ્યારે આપણે કોઈ
પરિસ્થિતિ વિશે ચિંતા કરવા લાગીએ ત્યારે મનને એ વિચારથી દૂર લઈ જઈને ચિંતામુક્ત થઈ
શકાય છે. આ કામ અઘરું છે, પણ કરવા જેવું છે. મેં ક્વોરન્ટાઇનના મારા સાત દિવસોમાં
સંગીત સાંભળ્યું, મને પ્રેરણા મળી શકે એવી જૂની ફિલ્મો જોઈ અને મારાં જૂનાં આલ્બમ
પણ જોયાં.
મને આ દિવસોમાં
અનુભવ થયો કે વિપરીત પરિસ્થિતિમાં અટવાઈ જવાને બદલે પાણીની માફક રસ્તો કરવો જોઈએ.
પાણી જે આકારનું પાત્ર મળે એમાં સહેલાઈથી ગોઠવાઈ જાય છે અને જ્યાંથી મળે ત્યાં
રસ્તો કરી લે છે. આપણે મનુષ્યો પણ એમ કરીએ તો એમાં કંઈ ખોટું નથી.
મેં કોરોના
પોઝિટિવિટી દરમિયાન એ વિચાર કર્યો કે હું જ્યારે ફરીથી ક્લિનિકે જવા લાગીશ ત્યારે
ફરીથી શ્રવણમંદ બાળકોને મદદ કરવા લાગીશ. આ વિચારે પણ મને બળ આપ્યું અને હું જલદી
સાજી થઈ ગઈ.
ગયા વખતે મેં
કહ્યું હતું કે ભૂતકાળની ગંભીર બીમારીઓ બાદનું જીવન બોનસ છે. આ વિચારને પગલે પણ
મારામાં ફરીથી આશાનો સંચાર થયો અને મનોબળ મજબૂત થયું. ઘણા લાંબા સમયથી મેં
વ્હોટ્સએપના સ્ટેટસમાં લખ્યું છે, લવ લાઇફ. જીવનની દરેક પળ મૂલ્યવાન છે અને ભગવાને
આપેલો દરેક શ્વાસ અમૂલ્ય છે. અહીં મને પેરાગ્લાઇડિંગનો મારો અનુભવ યાદ આવે છે. એ
વખતે મને ડર લાગ્યો ન હતો, પણ મારી સાથેના ગાઇડે મને કહ્યું કે તમે કલ્પના કરો કે
તમારી જિંદગીમાં હવે છેલ્લી બે જ મિનિટ બાકી છે અને તમારે એમાં શક્ય તેટલો વધારે
આનંદ કરી લેવાનો છે. કોરોના પોઝિટિવિટી દરમિયાન પણ આવા જ કોઈક વિચારને લીધે મેં
ભરપૂર આનંદ માણ્યો. મારા જીવને શાંતિ હતી અને વિચારોમાં પોઝિટિવિટી હતી. મને દરેક
વસ્તુ અલગ દેખાવા માંડી અને દરેક પળને મેં મારી રીતે માણી.
કોરોનાનો રિપોર્ટ
નેગેટિવ ભલે આવ્યો હોય, મારા જીવનમાં પોઝિટિવિટી વધી ગઈ છે!!!
----------------------
Comments
Post a Comment