નિષ્ઠા, પરિશ્રમ, સેવાભાવના અને પ્રામાણિકતાથી ભરપૂર પ્રેરક વ્યક્તિત્વ એટલે દેવાંગી દલાલ
નિષ્ઠા, પરિશ્રમ, સેવાભાવના અને પ્રામાણિકતાથી ભરપૂર પ્રેરક વ્યક્તિત્વ એટલે દેવાંગી દલાલ
નિષ્ઠા, પરિશ્રમ, સેવાભાવના અને પ્રામાણિકતા દ્વારા સામાન્ય સ્થિતિમાંથી વૈશ્વિક સિદ્ધિ મેળવનાર વ્યક્તિનું ઉદાહરણ એટલે દેવાંગી દલાલ.
સામાન્ય ગુજરાતી પરિવારમાંથી આવનાર દેવાંગી દલાલ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ લોકોમાં સકારાત્મકતાના
પ્રસારનું કાર્ય કરે છે તથા પ્રેરણા પૂરી પાડે છે. આ વ્યક્તિ આપણા સમાજની છે એ વાતનું આપણે સૌએ ગૌરવ કરવા જેવું છે. તેઓ મહાત્મા
ગાંધી અને મધર ટેરેસાને આદર્શ માનીને ચાલનારી વ્યક્તિ છે.
દેવાંગી દલાલને જ્યારથી સમજ આવી ત્યારથી તેમણે જીવનમાં એક સૂત્ર ગાંઠે બાંધી લીધું છે. એ સૂત્ર છેઃ પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી.
આજે તેઓ એ સૂત્રને ચરિતાર્થ કરી રહ્યાં છે. આ દેશની દરેક મહત્ત્વાકાંક્ષી કન્યા અને મહિલા દેવાંગીની અત્યાર સુધીની સફરમાંથી પ્રેરણા લઈ
શકે છે. તેઓ દૂરંદેશી અને ભરપૂર અનુકંપા ધરાવે છે અને એક જવાબદાર નાગરિક તરીકેની તમામ જવાબદારીઓ સુપેરે નિભાવે છે.
દેવાંગી દલાલના પિતા ખેડૂતના પરિવારના છે. તેઓ શિક્ષણપ્રાપ્તિ માટે મુંબઈ આવ્યા હતા, પરંતુ આર્થિક સગવડના અભાવે એમણે સ્નાતક સ્તર
પછીનો અભ્યાસ માંડી વાળવો પડ્યો. એમણે પોતાનાં સંતાનોને શિક્ષણ મેળવવામાં ક્યાંય કોઈ કમી નડે નહીં એવો સંકલ્પ કરી લીધો હતો.
દેવાંગીએ પણ પિતાના સ્વપ્ન વિશે જાણીને ડૉક્ટર બનવાનું વિચાર્યું હતું.
દેવાંગીએ ફક્ત ભણતરમાં નહીં, શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં પણ કાઠું કાઢ્યું હતું. ભારતીય પરંપરામાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર આ કન્યાએ
ભરતનાટ્યમ, કથ્થક અને લોકનૃત્યો શીખવા પર ધ્યાન આપ્યું. એટલું જ નહીં, સંસ્કૃત અને હિન્દી વિષયમાં પણ પારંગતતા કેળવી. ડૉક્ટર
બનવાની ખેવના હોવાથી દેવાંગીએ મીઠીબાઈ કૉલેજની વિજ્ઞાન શાખામાં પ્રવેશ લીધો. તબીબી શાખામાં પ્રવેશ મેળવવા માટે આવશ્યક ટકા
પ્રાપ્ત નહીં થયા. એમની સામે મુંબઈની બહાર જઈને તબીબી અભ્યાસ કરવાનો વિકલ્પ આવ્યો, પરંતુ એમણે પિતા પર વધારે આર્થિક બોજ
આવે નહીં અને નાનાં ભાઈ-બહેનને પણ કોઈ તકલીફ પડે નહીં એ માટે મીઠીબાઈ કૉલેજમાં માઇક્રોબાયોલોજી વિષયમાં અભ્યાસ કરવાનું નક્કી
કર્યું. એ વિષય પ્રત્યે પહેલેથી કોઈ રુચિ નહીં હોવા છતાં એમણે પ્રવેશ લઈ લીધો. જોકે, કુદરત કહો કે એમની મહત્ત્વાકાંક્ષાનું જોર કહો, એમને
ઑડિયોલૉજી અને સ્પીચ થેરપીના અભ્યાસ માટે નાયર કૉલેજમાંથી કૉલ આવ્યો.
એ દિવસ અને એ ઘડી, દેવાંગીએ મહેનત કરવામાં ક્યારેય પાછળ વળીને જોયું નથી. શરૂઆતનાં ચારથી પાંચ વર્ષ એક સંસ્થામાં તાલીમાર્થી તરીકે
ગાળ્યા બાદ એમણે ઑડિયોલૉજી અને સ્પીચ થેરપીમાં પ્રૅક્ટિસ શરૂ કરી. એમનો ભાષાવૈભવ ઘણો સારો હતો તથા મધ્યમ વર્ગની પાર્શ્વભૂ હતી.
એ બન્ને બાબતો એમને પ્રૅક્ટિસનાં શરૂઆતનાં વર્ષોમાં દરદીઓ તથા એમનાં માતાપિતા સાથે સંવાદ સાધવામાં ઘણી ઉપયોગી સાબિત થઈ.
એમણે સુપ્રસિદ્ધ ઈએનટી સર્જન ડૉ. જયંત ગાંધી સાથે પોતાની સ્પીચ ઍન્ડ સાઉન્ડ કોન્સેપ્ટ્સ નામની ક્લિનિક શરૂ કરી. બધિરો સાથે કામ
કરવાના વર્ષોના અનુભવ બાદ એમણે સામાજિક કાર્ય કરવા માટે ડૉ. ગાંધી સાથે મળીને જોશ ફાઉન્ડેશન નામે સંસ્થા શરૂ કરી. એટલું જ નહીં,
હવે પોતાના કાર્યક્ષેત્રનો વ્યાપ વધારવા માટે એમણે હાલમાં હીયરિંગ હાર્ટ્સ નામે એવી ક્લિનિક શરૂ કરી છે, જેમાં ઑડિયોલૉજી અને સ્પીચ
થેરપી ઉપરાંત ડાયેટ પ્લાનિંગ, ઓક્યુપેશન થેરપી, ફિઝિયોથેરપી, સાયકોલૉજીની સેવાઓ આપનારા વ્યાવસાયીઓની સેવા ઉપલબ્ધ કરાવી છે.
નોંધનીય છે કે જોશ ફાઉન્ડેશન મારફતે અત્યાર સુધીમાં વંચિત વર્ગના 1,300 કરતાં વધુ બાળકોને ડિજિટલ શ્રવણયંત્ર આપીને સમાજના મુખ્ય
પ્રવાહમાં ભેળવવામાં આવ્યા છે. આ કામ મુંબઈ અને ગુજરાતની બધિર બાળકો માટેની 12 શાળાઓમાં કરવામાં આવ્યું છે.
દેવાંગી દલાલ અમેરિકન ઍકેડેમી ઑફ ઑડિયોલૉજીનો હ્યુમેનિટેરિયન ઍવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય વ્યક્તિ છે. એમને આ પુરસ્કાર વર્ષ
2012માં એનાયત કરવામાં આવ્યું છે. એમની સેવાભાવના તથા ઉત્કૃષ્ટ કામગીરીને અનુલક્ષીને એમને બધિરો માટે કામ કરનારા દસ
મહાનુભાવોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ કોઅલિશન ઑફ ગ્લોબલ હીયરિંગ હેલ્થ સંસ્થાના પુરસ્કર્તા તરીકે સ્થાન પામેલા એકમાત્ર
ભારતીય ઑડિયોલૉજિસ્ટ છે. આ કોઅલિશન બધિરતા બાબતે જાગરૂકતા ફેલાવવા માટેનું વૈશ્વિક આરોગ્ય સંગઠનનું ઍસોસિયેશન છે.
દેવાંગી દલાલને ભારતમાં પણ ઘણું માન-સમ્માન મળ્યું છે. ઇન્ડિયન સ્પીચ ઍન્ડ હિયરિંગ ઍસોસિયેશનના રાષ્ટ્રીય સંયોજક તરીકે એમની
નિમણૂક કરવામાં આવી છે. એમને વર્ષ 2019માં મહિલાઓના સશક્તિકરણ માટે તથા પ્રેરણારૂપ બનવા બદલ ધ વિમેન ઇન્ફ્લુઅન્સર્સ ઍવોર્ડ
એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ઇન્ટરનૅશનલ વિમેન એક્સેલન્સ એમ્પાવરમેન્ટે પ્રદાન કર્યું છે.
દેવાંગી દલાલ બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમણે નૃત્યની તાલીમ લેવા ઉપરાંત લેખનકાર્ય પણ કર્યું છે. હાલમાં સ્પ્રેડિંગ પોઝિટિવિટી શીર્ષક હેઠળ
એમનું પુસ્તક પ્રગટ થયું છે, જે એમણે લખેલા બ્લોગ્સનો સંગ્રહ છે. એમણે ચાલો બધિરોને સાંભળતાં કરીએ એ શીર્ષક હેઠળ ગુજરાતીમાં પુસ્તક
લખ્યું છે. આ જ પુસ્તકનો એમણે હિન્દી અનુવાદ કરાવ્યો હતો. એમણે બધિરતા વિશે જાગરૂકતા લાવવા માટે 17 મિનિટની ટેલીફિલ્મનું નિર્દેશન
પણ કર્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણમાં અપાર શ્રદ્ધા ધરાવતાં દેવાંગી દલાલે ભક્તિનો પરિચય કરાવતું રાધા ચલી શીર્ષક હેઠળનું ગીત લખવા ઉપરાંત ગાયું પણ છે.
આ ગીત અનેક સંગીતના મંચ પર પ્રસારિત થઈ રહ્યું છે.
છેલ્લાં ત્રીસ વર્ષથી બધિર બાળકો માટે ધગશપૂર્વક કામ કરીને હજારો બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું ભગીરથ કાર્ય દેવાંગી દલાલે
પાર પાડ્યું છે અને હજી પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગથી એ કાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
છેલ્લે, આપણા સમાજના આ દૈદીપ્યમાન અને જાજરમાન વ્યક્તિત્વ માટે એટલું જ કહી શકાય કે માણસ ધારે તો એના માટે કંઈ જ અશક્ય
નથી.
દેવાંગી દલાલને એમના કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Comments
Post a Comment