આજના યુગમાં હકીકત દુર્લભ છે અને દુર્લભતા હકીકત છે

 આજના યુગમાં હકીકત દુર્લભ છે અને દુર્લભતા હકીકત છે


હકીકત દુર્લભ છે અને દુર્લભતા હકીકત છે" એ વાક્ય આજના

વ્યવહારમાં વાસ્તવિકતા છે. તમે જોઈ શકશો કે ઘણાં સંતાનો પોતાનાં

માતાપિતાનું પૂરતું ધ્યાન રાખતાં નથી. પરિવારમાં પુરુષો ઘરની સ્ત્રીઓને

સારી સુવિધાઓ મળે એ વાતને મહત્ત્વ આપતા નથી. ઘણી મહિલાઓ

અને કન્યાઓએ મને કહ્યું છે કે એમના ઘરમાં એમની પાછળ પૈસા ખર્ચાય

એ એમના પતિ કે પિતાને ગમતું નથી.

આથી જ કહેવું પડે કે સ્ત્રીઓની જરૂરિયાતોને સમજી શકે એવા લોકો

હકીકતમાં દુર્લભ છે અને આ જ દુર્લભતા આજની હકીકત છે.

મેં મારી 30 વર્ષની પ્રૅક્ટિસમાં જોયું છે કે સફેદ હાથી, સફેદ મોર, સફેદ

ગાય એ બધું હવે દુર્લભ બની ગયું છે. બીજાં અનેક જીવજંતુઓ અને

પ્રાણીઓ નામશેષ થવાના આરે છે. મનુષ્યમાં પણ માનવીયતા હવે દુર્લભ

બનતી જાય છે.

હાલમાં કોરોના રોગચાળો એક વિકરાળ આપદા હતી. આ પૃથ્વી પર

અગાઉ પણ અનેક વિપત્તિઓ આવી ચૂકી છે. ભગવાન ઇન્દ્રના રોષથી

મથુરા અને વૃંદાવનમાં પૂરનો પ્રકોપ આવ્યો હોવાની વાર્તા સૌ જાણે છે.


એ વખતે કૃષ્ણે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉંચક્યો અને સૌના જીવ

બચાવી લીધા. ભગવાન કૃષ્ણે અનેક અવતાર ધારણ કર્યા છે અને દરેક

અવતારમાં કહ્યું છે કે એકતા વગર કંઈ થઈ શકતું નથી. હવે કોરોના બાદ

આપણે સૌએ એ વિચાર કરવાનો છે કે ભવિષ્યમાં કોઈ વિકટ ઘડી આવે

નહીં એ માટે એકતાની ફરી જરૂર છે.

થોડા સમય પહેલાં મેં ગોવર્ધન પરિક્રમા કરી એ વખતે મારા આધ્યાત્મિક

ગુરુ સાથે હતા. ગુરુ વૃંદાવનમાં જ મોટા થયા છે. તેઓ કૃષ્ણલીલાના

પ્રખર અભ્યાસી છે. ભગવાન કૃષ્ણ માટે બધાં કામ કેટલાં સહજ હતાં એના

વિશે તેમણે વાત કરી. એમણે કહ્યું કે ગોવર્ધન પર્વતની ફરતે હજી

કૃષ્ણરૂપી તરંગો ફરી રહ્યા છે. જોકે, હવે આ પવિત્ર સ્થળ પણ પર્યટનસ્થળ

બની ગયું છે અને લોકો એક થવાને બદલે એકબીજાથી દૂર જઈ રહ્યા છે

તેથી ગોવર્ધન પર્વતની ફરતે આધ્યાત્મિક શક્તિ ક્ષીણ થઈ રહી છે.

આપણા દેશમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો પણ સમૃદ્ધ છે, પરંતુ

એ પણ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આવામાં શું આપણી ફરજ

નથી કે આપણે ફરી એક થઈને પવિત્ર-ધાર્મિક સ્થળોને બધી રીતે સ્વચ્છ

કરીએ? આપણે ધર્મસ્થળો અને પવિત્ર સ્થળોને ઘોંઘાટમુક્ત અને સ્વચ્છ

બનાવવાની ખાસ જરૂર છે. આ સ્વચ્છતા ફક્ત ભૌતિક નહીં, આધ્યાત્મિક

અને માનસિક પણ છે. જ્યાં ઈશ્વરનું સ્મરણ કરવાનું હોય ત્યાં લોકો ફક્ત

ખાઈ-પીને મોજ કરે એ વાતાવરણ કાળક્રમે આધ્યાત્મિકતાને વધુ ને વધુ

ઘસારો લગાડતું રહેશે.


દુર્લભતા અને હકીકત એ બન્ને શબ્દોની વાત આવે ત્યારે કહેવું પડે કે

રાધા-કૃષ્ણનો પ્રેમ દુર્લભ છે અને આ જ વાત એક હકીકત છે. એ બન્ને

પ્રેમીઓએ પ્રેમમાં ઘણા ભોગ આપ્યા છે. આજના વિશ્વમાં આવો નિઃસ્વાર્થ

અને ત્યાગ-બલિદાનથી ભરેલો પ્રેમ દુર્લભ છે. આજે યુવક-યુવતીઓ મળે

છે, ડેટિંગ કરે છે, લિવ-ઇનમાં રહેશે અને ક્યારે છૂટાં પડી જાય એની ખબર

પણ પડતી નથી. બધું ઉપરછલ્લું અને છીછરું બની ગયું છે. પ્રેમની

ભાવનાની જગ્યાએ કામુકતા પ્રવેશી ચૂકી છે. પ્રેમમાં એકબીજા માટે જીવ

આપવાની વાત હોય ત્યાં આજે એકબીજાનો જીવ લઈ લેવાની વૃત્તિ

દેખાઈ રહી છે. પ્રેમમાં સ્વાર્થને કોઈ સ્થાન હોતું નથી. એને બદલે આજે

જેના માટે પ્રેમ હોવાનું કહેવાય છે એ વ્યક્તિ જાણે પોતાની માલિકીની

હોય એવું વર્તન લોકોમાં જોવા મળે છે. પ્રિયકર માટે ત્યાગ અને બલિદાન

આપવાની ભાવના હોય ત્યાં જ પ્રેમ પાંગરે છે અને પ્રેરણારૂપ બને છે.

તમે જાણો જ છો કે પશુ-પંખીઓને આપણા જેવું મગજ નથી, પણ તેઓ

લાગણીઓ ધરાવે છે. એક દિવસ હું કોઈના ઘરે ગઈ અને પાળેલો કૂતરો

મારી તરફ ધસી આવ્યો. ઘરના માલિકે કહ્યું, "તમે ગભરાતાં નહીં. એ

તમને સૂંઘીને દૂર ચાલ્યો જશે." આ એક વાત પરથી જોઈ શકાય છે કે

પ્રાણીઓ પણ સારી ઊર્જા ઓળખી લેતાં હોય છે. એમને પોતાના માલિકોનું

રક્ષણ કરવાની જરૂર સમજાય છે અને તેઓ એ પ્રમાણે વર્તતાં હોય છે.

મનુષ્ય તો એમના કરતાં વધારે સારી ક્ષમતાઓ ધરાવે છે, પરંતુ

આપણામાં હવે નકારાત્મકતા વધી ગઈ છે અને સકારાત્મક ઊર્જા દુર્લભ

થવા લાગી છે.


હવે બધાએ એ સમજી લેવાનો દિવસ આવ્યો છે કે આપણે બધા ઈશ્વરનાં

સંતાનો છીએ. કોઈ જ માણસ અમર નથી. ભગવાને દરેકને નિશ્ચિત

આયુષ્ય આપ્યું છે. મનુષ્ય અમર નથી, પરંતુ માનવીયતા અમર રહી શકે

છે.

હું એવા ઘણા લોકોને જાણું છું, જેઓ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે અને પોતાના

જીવનમાં ઉચ્ચ નીતિમૂલ્યોનું પાલન કરે છે તથા દરેક કામમાં ઉચ્ચ

ગુણવત્તા રાખે છે. તેઓ જે કામ કરવા માગતા હોય એમાં પૂર્ણ વિશ્વાસ

અને એકાગ્રતા સાથે આગળ વધતા હોય છે. તેઓ હંમેશાં સારા અને ઉચ્ચ

વિચારો જ ધરાવે છે. એમની એ ખાસિયત હોય છે કે કોઈએ જરાક અમથું

પણ સારું કામ કર્યું હોય તો તેઓ એમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે.

છેલ્લે એટલું જ કહેવાનું કે મનુષ્યજીવન પણ દુર્લભ છે. એ એળે જાય નહીં

તેના માટે અન્યોને મદદરૂપ થવાનું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને દરેક

સંબંધને સાચવવાનું ઘણું જરૂરી છે.

----------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...