કોઈ પણ ફૂલ ક્યારેય બીજા ફૂલ સાથે સ્પર્ધામાં ઊતરતું નથી
કોઈ પણ ફૂલ ક્યારેય બીજા ફૂલ
સાથે સ્પર્ધામાં ઊતરતું નથી
તુલસીના છોડને બીજા છોડ સાથે સરખાવો તો તમને દેખાશે
કે તુલસીમાં સુંદરતાની દૃષ્ટિએ એવી કોઈ ખાસિયત નથી, જે સુંદર ફૂલ આપનારા બીજા
છોડમાં છે. આમ છતાં આપણે તુલસીને મહત્ત્વ આપીએ છીએ. તુલસીનું માહાત્મ્ય આપણા
ધાર્મિક ગ્રંથો પ્રમાણે છે એ વાત સાચી, પરંતુ એનું મહત્ત્વ હોવાનું ખરું કારણ ઔષધી
તરીકે થતો તેનો ઉપયોગ છે. જરાક અમથી માટીમાં અને પાણી પીવડાવીને તુલસીનો છોડ ઉછેરી
શકાય છે. ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ ધરાવો એને બદલે તુલસીનું એક પાન ધરાવો તો તેઓ
વધુ ખુશ થતા હોવાનું આપણને કહેવામાં આવ્યું છે. પરંપરાગત રીતે દરેક ઘરમાં તુલસીનો
છોડ ઉછેરવાનું મહત્ત્વ છે.
તુલસીના એક ઉદાહરણ પરથી કહી શકાય કે એ સાવ સાદી
વસ્તુ કેટલું બધું મહત્ત્વ ધરાવે છે. કમળ પણ કાદવમાં ઊગતું હોવા છતાં ઘણું મહત્ત્વ
ધરાવે છે. અહીં રામાયણની વાત પણ યાદ આવે છે. ભગવાન રામ રાજકુંવર હોવા છતાં 14 વર્ષ
સુધી સાધારણ વ્યક્તિની જેમ જ વનવાસમાં રહ્યા. ભગવાન કૃષ્ણે પણ પાંડવોને વનમાં
જવાનું કહીને સાધારણ વ્યક્તિની જેમ જીવવાનું કહ્યું હતું.
આ સાથે કહેવાનું કે તમારી સાથે કામ કરનારા તથા અન્ય
લોકો તમારા દેખાવથી નહીં, પણ તમારા વ્યવહાર અને સ્વભાવથી આકર્ષિત થઈને સંબંધ રાખે
છે.
સુદામા, હનુમાન એ બધા પણ સાધારણ હતા, પરંતુ આજે
દરેકના મનમાં અમર થઈ ગયા છે.
થોડાં વર્ષો પહેલાંની વાત કરું. અમને 40 લોકોનો
વિદેશપ્રવાસ એક કંપનીએ સ્પોન્સર કર્યો હતો. અમારી સાથે અમુક બાળકો પણ હતા. આખા
પ્રવાસનું આયોજન એક ટુર ઓપરેટરે કર્યું હતું અને તેઓ પણ અમારી સાથે જોડાયા હતા. એ
વ્યક્તિ એકદમ બેદરકાર હતી. બાળકો સાથે હોવા છતાં એમણે માર્ગમાં કંઈક ખાવાનું જોઈએ
એના માટેની વ્યવસ્થા કરી ન હતી. બાળકોની દરકાર લેવામાં આવી નહીં હોવાથી હું સહન
કરી શકી નહીં. ખાવાનું પણ સારું નહીં હોવાથી પ્રવાસ પૂરો થયા બાદ મારી તબિયત બગડી
અને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જે દિવસે હું હૉસ્પિટલેથી ઘરે આવી એ જ દિવસે
મધરાતે અઢી વાગ્યે મેં ટુર ઓપરેટર કંપનીને પત્ર લખ્યો અને મારા મિત્રો તથા
પરિવારજનોને એના વિશે વાત કરી. કેટલાક લોકોએ કહ્યું કે ક્યારેક આવું થઈ જતું હોય છે.
એમાં આટલો મોટો ઇસ્યૂ કરવાનો ન હોય. એક વ્યક્તિએ મને જે કહ્યું તે આજ સુધી યાદ છે.
એમણે કહ્યું હતું કે જો તમે એ ભૂલને ચલાવી લેશો તો પરિવર્તન કેવી રીતે આવશે. આ
કિસ્સા પરથી હું કહી શકું છું કે જ્યાં અવાજ ઉઠાવવાની જરૂર હોય ત્યાં અવાજ ઉઠાવવો
જ જોઈએ.
અહીં મને બીજી એક વાત યાદ આવે છે. નાનપણથી જ મને મેક
અપનો જરાય શોખ નથી. મારે કોઈ સ્ટેજ પરફોર્મન્સ કરવાનું હોય ત્યારે જ હું મેક અપ
લગાડું છું. દર્શકોને દૂરથી જ ચહેરા પરના હાવભાવ દેખાય એ માટે મેક અપ લગાડવામાં
આવતો હોય છે. ઘણી વાર કોઈ સેલિબ્રિટી સાથે સ્ટેજ પર રહેવાનું થાય ત્યારે તેઓ મારી
સામું જોઈને મને પૂછતા હોય છે કે હું મેક અપ કેમ કરતી નથી. મારું માનવું છે કે
વ્યક્તિના મેક અપથી નહીં, પણ એના સ્વભાવ અને વ્યવહાર પરથી એનું મહત્ત્વ નક્કી થાય
છે. હું હંમેશાં સાદગીથી રહેવામાં માનું છું. હું શ્રવણમંદ બાળકો માટે કામ કરું
છું ત્યારે મારા વધુ સકારાત્મકતા આવે છે, સેલિબ્રિટીઓ સાથે સ્ટેજ શોભાવવામાં નહીં
આવતી.
કોઈ પણ ફૂલ ક્યારેય બીજા ફૂલ સાથે સ્પર્ધામાં ઊતરતું
નથી. એ તો પ્રકૃતિના નિયમને અનુસરીને પોતે ખીલવામાં માને છે. આ જ વાત દિવ્યાંગ
વ્યક્તિઓને લાગુ પડે છે. આ વિશ્વમાં પશુ-પંખીઓ અને દિવ્યાંગો સરળ, સાદા અને છતાં
ઉમદા હોવાનું ઉદાહરણ પૂરું પાડે છે.
થોડા વખત પહેલાં 81 વર્ષના એક સદગૃહસ્થને મળવાનું
થયું. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. આ ઉંમરે પણ તેઓ અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા
હતા. તેઓ મારું લખાણ વાંચીને મને મળવા આવ્યા હતા. આવા લોકોને મારી સલામ. ક્યારેક
તો મને એવું જ લાગે છે કે આ દુનિયા આવા લોકોને કારણે ટકેલી છે.
ભગવાને રચેલી પ્રકૃતિ એ જ સંદેશ આપે છે કે સાદગીમાં
શાલીનતા રહેલી છે અને સાદી વસ્તુઓ પણ પોતપોતાની રીતે ઘણું મહત્ત્વ ધરાવે છે.
----------------
Comments
Post a Comment