ચાલો, નવા વિક્રમ સંવત નિમિત્તે આપણે ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત પ્રકાશને અને ઈશ્વરે આપેલા પ્રેમને દુનિયામાં ફેલાવવાનો સંકલ્પ કરીએ

 ચાલો, નવા વિક્રમ સંવત નિમિત્તે આપણે ભગવદ્ ગીતામાંથી 

પ્રાપ્ત પ્રકાશને અને ઈશ્વરે આપેલા પ્રેમને દુનિયામાં 

ફેલાવવાનો સંકલ્પ કરીએ

 

સૌ ગુજરાતીઓને પ્યારી પ્રાર્થનામાં આપણે ગાઈએ છીએ, "ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા...." દિવાળી નિમિત્તે આ પ્રાર્થના ખાસ યાદ આવે છે, કારણ કે આપણે દિવાળીના દિવસે અમાસના અંધારાને દીવડાઓ થકી ઉલેચીએ છીએ. જીવનમાં પથરાયેલાં અંધારાંને દૂર કરવાનું આ પ્રતીક છે.

કોરોના કાળમાં આપણે જીવનમાં અંધકાર ફેલાયેલો અનુભવી શક્યાં. હજી પણ ઘણા દેશોમાં કોરોનાનો રોગચાળો વિકટ છે. આપણે ભારતીયોએ તહેવારોના પરંપરાગત ઉત્સાહમાં આવીને કોરોનાને બાજુએ રાખી દીધો છે. આપણને ઈશ્વર, સાંસ્કૃતિક મૂલ્યો, સાધુ-સંતો એ બધાએ આપસી સામાજિક સંબંધોનું મહત્ત્વ દર્શાવ્યું છે. સાથે જ આપણે પારિવારિક મૂલ્યોને પણ જાળવીએ છીએ. આપણા ઉત્સવો એમાં નિમિત્ત અને પ્રેરક બને છે. આપણે ધર્મના પંથે ચાલીને ત્યાગ અને બલિદાનની ભાવનાથી જીવીએ છીએ. આર્થિક વિષમતાનો અંધકાર, રોગચાળાને કારણે પરિવારજનો કે પરિચિતો કે સંબંધીઓ ગુમાવ્યાનું દુઃખ, શિક્ષણમાં વ્યત્યય, કામ-ધંધામાં મુશ્કેલીઓ, વગેરે ઢગલાબંધ સમસ્યાઓ આપણે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયમાં ભોગવી છે.

હવે આપણે પ્રકાશના પંથે જઈને જીવનને યોગ્ય દૃષ્ટિએ જાણવા-માણવાની જરૂર છે. આપણે બધાએ વિશ્વાસ, શ્રદ્ધાનું વાતાવરણ જગાવીને સારા મનુષ્ય તરીકે જીવવાનું છે. ભગવદ્ ગીતામાં આપણને અઢળક અને પાયાનું જ્ઞાન પીરસવામાં આવ્યું છે. જીવનની દરેક મુશ્કેલીનો ઉપાય એમાં દર્શાવાયો છે. સકારાત્મક દૃષ્ટિ રાખવી એ પણ આ ગ્રંથની જ શીખ છે. આપણે આ જ સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવીએ તો કેવું!

જ્યારે આપણે ગરમ પાણીથી દાઝીએ ત્યારે જ ઠંડા પાણીનું મહત્ત્વ સમજાય, ગંદકી જોઈએ ત્યારે જ સ્વચ્છતાનું ભાન થાય, નિરાશા જન્મે ત્યારે જ આશાનું માહાત્મ્ય સમજાય. આમ, સુખ-દુઃખ જીવનનો ક્રમ છે.

પોતાની પાસે જે છે એનાથી સંતોષ માની લેવો એ ઘણો મોટો ગુણ છે. તમે કોઈના પ્રત્યે કરુણા દર્શાવો ત્યારે અંતરમાં જે આહ્લાદક લાગણી જન્મે એ અવર્ણનીય હોય છે. મેં શ્રવણમંદ વ્યક્તિઓ સાથે કામ કરવામાં આ જ અનુભવ કર્યો છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...