શરીરનું અને દેશનું બંધારણઃ મનુષ્ય અને નાગરિક તરીકેનું આપણી ફરજ

શરીરનું અને દેશનું બંધારણઃ મનુષ્ય અને 

નાગરિક તરીકેનું આપણી ફરજ  

 

કોઈ પણ દેશ માટે બંધારણ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. એનું મહત્ત્વ અને માહાત્મ્ય જળવાઈ રહે એ જોવાની દરેક નાગરિકની ફરજ હોય છે. એ જ ફરજને પૂરી કરવા માટે બધાએ પોતપોતાની રીતે યોગદાન આપવાનું હોય છે.  

આપણા શરીરનું પણ એક બંધારણ હોય છે. કોશિકાઓ, હાડકાં, સ્નાયુઓ, વગેરે એના ઘટકો છે. શરીરનું પણ મહત્ત્વ ટકાવી રાખવા માટે આપણે યોગદાન આપવાનું હોય છે, જેમાં યોગ્ય ખોરાક, વ્યાયામ અને ઊંઘ લેવાનો સમાવેશ થાય છે.  

એક વખત દેવકીએ ભગવાન કૃષ્ણને પછ્યું હતું, "તમે તો ભગવાન છો, તમે મને કંસથી મુક્તિ અપાવવા માટે 14 વર્ષ પછી કેમ આવ્યા?" કૃષ્ણે જવાબ આપ્યો, "મારા ગયા ભવમાં મને મારી માતાથી 14 વર્ષ સુધી દૂર વનવાસમાં રાખવામાં આવ્યો હતો. યશોદા પાછલા ભવમાં કૌશલ્યા હતા. કૌશલ્યા પોતાના પુત્રથી 14 વર્ષ દૂર રહ્યાં તેથી મારે એમના ભાગનો પ્રેમ આપવા માટે એમની પાસે 14 વર્ષ ગાળવાં પડ્યાં." આ એક ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે આપણા જીવનમાં કર્મોનું શું મહત્ત્વ છે.  

ભગવાને પણ આ સૃષ્ટિનું બંધારણ ઘડવામાં ઘણું ધ્યાન રાખ્યું છે. એમાં એમણે આપણા દરેકના યોગદાનનો પણ વિચાર કર્યો છે. આપણે યોગદાન કેવી રીતે આપી શકીએ એટલે કે કેવું જીવન વ્યતિત કરવું જોઈએ એના વિશે ભગવાને ભગવદ્ ગીતામાં બોધ આપ્યો છે.  

ભગવાન કૃષ્ણ પ્રત્યેની મારી આસ્થા મને કહે છે કે જો આ સૃષ્ટિને સુંદર અને સારી બનાવવી હોય તો મારે મારી સકારાત્મક ઊર્જાનો ઉપયોગ કરીને મારાથી થાય એટલું યોગદાન આપવાનું છે.  

એક મનુષ્ય તરીકે આપણે સૃષ્ટિના બંધારણને ટકાવી રાખવાનું છે, એ જ રીતે નાગરિક તરીકે દેશના બંધારણને ટકાવી રાખવાનું છે. તેના માટે દરેકે પોતાના તરફથી યોગદાન આપવું જરૂરી છે.  

ઘણી વાર અમારી પાસે એવાં બાળકો આવે છે, જેમના કાનમાં મેલ હોવાને લીધે એમને સંભળાતું નથી. જ્યાં સુધી મેલ કાઢવામાં આવે નહીં ત્યાં સુધી યોગ્ય નિદાન અને ઉપચાર થઈ શકતાં નથી. આથી મારે ઘણી વાર જાહેર વક્તવ્યોમાં કાનમાંથી મેલ કાઢવા જેવા સાદા વિષયની પણ ચર્ચા કરવી પડે છે. જો ફક્ત મેલ કાઢવાથી સારવાર થતી હોય તો માતાપિતાને ગેરમાર્ગે દોરીને પૈસા પડાવી લેવાનો શું અર્થ?  

કોરોનાના રોગચાળા દરમિયાન મેં પણ જોયું કે મારે પોતાના સ્વાસ્થ્ય તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. આથી મેં દરેક આવશ્યક પગલું ભર્યું અને શરીરના બંધારણ પ્રત્યેનું યોગદાન આપવા લાગી. આજે હું ગૌરવપૂર્વક કહી શકું છું કે મારામાં ઘણો સારો ફેરફાર આવી ગયો છે, જેથી હવે હું વધારે શક્તિથી સમાજમાં-દેશમાં યોગદાન આપી શકું છું. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ સમાજમાં ઘણું વધારે સારી રીતે યોગદાન આપી શકે છે.  

થોડા વખત પહેલાં અમે મરાઠીમાં એક ટીવી કાર્યક્રમ બનાવ્યો હતો. જેનું નામ હતું 'અસં કા ઘડલં'. એમાં એક છોકરો અને છોકરી સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યાંનું દર્શાવાયું હતું. એક દિવસ છોકરીએ એ છોકરાને મળવાની ઈચ્છા દર્શાવી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. છોકરો મળવા તો ગયો, પરંતુ સૌથી પહેલાં એણે સ્પષ્ટતા કરી કે પોતાને ઓછું સંભળાય છે. માતાપિતાએ ઘણી મહેનત કરી ત્યારે એ સામાન્ય માણસોની જેમ સાંભળતાં અને બોલતાં શીખ્યો છે. છોકરીએ કહ્યું, "હવે તો મને તારી સાથે લગ્ન કરવા માટે વધુ એક કારણ મળી ગયું છે. જે પરિવારે આટલી મહેનત કરી હોય અને જે છોકરો આટલો પ્રામાણિક હોય એનાથી વધુ સારું ઘર મને ક્યાં મળશે!"  

છેલ્લે, ફરી વાર એટલું જ કહેવાનું કે સ્વસ્થ મન અને શરીર સમાજમાં યોગદાન આપવા માટે અત્યંત આવશ્યક છે. આથી પોતે તંદુરસ્ત રહો અને બીજાઓને પણ એવા રહેવામાં મદદ કરો.  

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...