સારા વિચારો અને સારાં કર્મો હંમેશાં સારી વસ્તુઓને જ આકર્ષિત કરે છે

સારા વિચારો અને સારાં કર્મો હંમેશાં સારી

 વસ્તુઓને જ આકર્ષિત કરે છે  

 

આપણી માન્યતા પ્રમાણે ઈશ્વર એક જ છે. અત્યાર સુધીની જાણકારી મુજબ ફક્ત પૃથ્વી પર જીવસૃષ્ટિ છે. આપણને મનુષ્ય તરીકે એક જ જન્મ મળે છે. આપણી સૃષ્ટિને ટકાવી રાખવાનું કામ એક જ સૂર્ય કરે છે. ધારો કે સૂર્ય ઊર્જા આપવાનું બંધ કરી દે તો શું થાય. પૃથ્વી પર કરોડો વર્ષોથી જીવસૃષ્ટિ છે. કુદરત પણ પહેલાં જેવી જ છે. એ તો આપણે પર્યાવરણને બધી રીતે નુકસાન કર્યું છે. આપણે તેનાં પરિણામો પણ ભોગવી રહ્યા છીએ.

સમગ્ર સૃષ્ટિનું સંચાલન ક્રમબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે થઈ રહ્યું છે. આપણા શ્વાસ, વિચારો, અનુભવો, વગેરે સતત ચાલ્યા કરે છે. જો આપણે સકારાત્મક રીતે આ બધું જોઈએ તો ઈશ્વરની કૃપા વિશે અહોભાવ જાગે.

ભગવાન કૃષ્ણે એવો ઉપદેશ આપ્યો છે કે જીવનના દરેક ડગલે આપણે નવું શીખીએ છીએ અને નવા અનુભવો પ્રાપ્ત કરીએ છીએ. ફક્ત મનુષ્યોને વિચાર કરી શકે એવું મગજ મળ્યું છે. તેમણે દરેક જીવને સમાન ગણાવ્યો છે અને દરેકને પોતપોતાનાં કર્મ કરવાનો બોધ આપ્યો છે.

ભગવાન કૃષ્ણની સામે પણ ઘણા મોટા મોટા પડકારો આવ્યા હતા. દુશ્મનોએ એમને હણી નાખવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ એમણે બધાને પરાસ્ત કર્યા. એમણે એવો સંદેશ આપ્યો કે બધાએ ખોટાં કર્મો બંધ કરીને સદ્કર્મોના રાહે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ.

રાધા-કૃષ્ણની વાર્તા પરથી પ્રેમનો સંદેશ મળે છે. આપણે પ્રેમનો જેટલો વધારે પ્રસાર કરીશું એટલો જ વધારે પ્રેમ સામેથી મળશે. કૃષ્ણના જીવનનો બારીકીપૂર્વક અભ્યાસ કરીને મેં જોયું છે કે આપણે એમના ઉપદેશ અનુસાર સદ્કર્મો તરફ ગતિ કરવી જોઈએ.

દર અઠવાડિયે પ્રગટ થતા આ લેખો વાંચીને ઘણા લોકોએ મને પ્રતિભાવ આપ્યો છે કે એમાંથી એમને પ્રેરણા મળી છે. મને પણ આ લખાણ દ્વારા વિશ્વમાં સકારાત્મક ઊર્જા ઉમેર્યાનો અનુભવ થાય છે.

ભગવાન પર શ્રદ્ધા રાખીને ચાલનારા લોકો પોતાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રીત કરીને ચાલે છે. તેઓ પોતાના માર્ગ પર વિચલિત થતા નથી. તેઓ પરિવર્તનોને સ્વીકારીને તથા પોતાની લાગણીઓને અને ઈચ્છાઓને કાબૂમાં રાખીને ચાલે છે.

સિન્ડ્રેલાની વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે જીવનમાં જો કંઈક સારું કર્યું હોય તો એનું ફળ મળ્યા વગર રહેતું નથી. એણે ફક્ત સારાં કામ કર્યાં તો એક રાજકુમાર એના તરફ આકર્ષિત થઈને આવ્યો. આપણે સાંભળેલી-વાંચેલી અનેક વાર્તાઓ પરથી બોધ મળે છે કે સારાં કર્મો કરવાથી સારું જ થાય છે.

બોલવામાં થોથવાતા મારા એક પેશન્ટ સાથે હું વાત કરી રહી હતી. મેં એને કહ્યું કે તું ઓળખીતાઓ સાથે વાત કરે છે ત્યારે બરોબર બોલે છે. ફક્ત અજાણ્યાઓ સાથે વાત કરતી વખતે થોથવાય છે. જો તું આત્મવિશ્વાસ સાથે બોલવા લાગીશ તો બધા સાથે સ્પષ્ટ વાચા સાથે વાત કરી શકીશ.

સારા વિચારો અને સારાં કર્મોનું પણ એક ચક્ર હોય છે, જેને પગલે સતત સારા વિચારો અને સારાં કર્મોને ગતિ મળે છે. આ ચક્ર બીજાઓને પણ અસર કરે છે અને એ વર્તુળ સતત વિસ્તરતું જાય છે.

મેં જે શ્રવણમંદ બાળકો સાથે કામ કર્યું છે તેઓ આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારો અને સદ્કાર્યો તથા મહેનત થકી આજે કારકિર્દીમાં ઘણી પ્રગતિ કરી શક્યાં છે. એમાંથી કોઈક એન્જિનિયર, ઇન્ટિરિયર ડેકોરેટર, તો કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તો કોઈક કોરિયોગ્રાફર છે.

જોશ ફાઉન્ડેશન સાથે સંકળાયેલાં આ બધા જોશ સ્ટાર્ટ અન્યોને પ્રેરણા પૂરી પાડે છે. એમને કારણે મારામાં પણ સકારાત્મકતા વધતી ગઈ છે. ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા....એ પ્રાર્થનાને મેં આ બાળકોના જીવન પરથી સાકાર થતી જોઈ છે.


Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...