સંતુલન એટલે જ જીવન
સંતુલન એટલે જ જીવન
જીવનમાં દરેક વસ્તુમાં સંતુલન હોવું જરૂરી છે. દિવસ અને રાત પૃથ્વી પરના જીવનને સંતુલિત કરે છે. પૃથ્વી બે ગોળાર્ધમાં વિભાજિત છે, જે દિવસ અને રાત્રિના સંતુલન માટે છે. જ્યારે આપણે એક ખંડથી બીજા ખંડમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે સમય બદલાય છે, પરંતુ આપણે મુસાફરી કરીએ છીએ અને સમયરેખા સાથે ઍડજસ્ટ થઈએ છીએ. હવાઈ પ્રવાસ બાદ જેટ લેગ થાય છે અને એ સ્થિતિમાં આપણે શારીરિક અને માનસિક શક્તિને સંતુલિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ઈશ્વરે વિવિધ આબોહવાનું સર્જન કર્યું છે, જેથી પૃથ્વીની ઇકોસિસ્ટમ સંતુલિત રહે.
આપણી પાસે ગણિત, વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, ભાષા, કળા, વગેરે જેવા વિષયો છે, જેથી દરેકને પોતપોતાની જ્ઞાનાત્મક વિચારશક્તિને સંતુલિત કરવા માટેના વિષયો મળી રહે.
ભાષામાં આવતા વિરોધી શબ્દોના મહત્ત્વ વિશે મને એક સમયે પ્રશ્ન થતો હતો. હવે ખબર પડી કે એનાથી ભાષા સંતુલિત રહે છે.
આપણા દેશમાં વ્યાવસાયી અને પારિવારિક જીવનને સંતુલિત કરવા માટે તહેવારો છે. ભગવાને પૃથ્વી પર માનવ જાતિને સંતુલિત કરવા માટે નર અને માદાની રચના કરી છે. હા, જીવન એટલે જ સંતુલન.
મને એક મહિલા ઉદ્યોગસાહસિક સાથેનો ઇન્ટરવ્યુ વાંચીને જાણવા મળ્યું કે જ્યારે એમણે પોતાનો સ્ટાર્ટઅપ અને કન્સલ્ટિંગ બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો એ જ સમયગાળામાં એમણે સંતાનને જન્મ આપ્યો હતો.
એમણે મને જણાવ્યું કે એમણે નવજાત બાળક અને નવજાત સ્ટાર્ટ અપ એ બન્નેનું ધ્યાન રાખવાનું હતું. આ કામ એમણે જીવનમાં સંતુલન રાખીને કર્યું.
તમારે માત્ર સારા દિવસો માટે જ નહીં, પણ ઉદાસીભર્યા અને કંટાળાજનક દિવસો માટે પણ માનસિક રીતે તમારી જાતને તૈયાર કરવી જોઈએ.
ઘણાં માતા-પિતા, કે જેઓ કામ કરે છે અને બાળકો ધરાવે છે તેઓ બંને પાસાઓનું સંતુલન રાખવામાં અસમર્થ હોય છે. તેઓ કહેતાં હોય છે કે તેઓ કામ કરી શકે છે, પરંતુ બાળકોને મેનેજ કરી શકતાં નથી.
આજકાલ, મોટાભાગનાં માતાપિતાને એક કે બે જ બાળકો હોય છે. જે માતાઓ ઘરે હોય છે અને કામ કરતી નથી તેઓ તેમનું સંપૂર્ણ ધ્યાન તેમના બાળકોને ખવડાવવા, લખવા, વાંચવા અને એમનાં બધાં જ કામ મેનેજ કરવા પર કેન્દ્રિત કરે છે અને પછી અચાનક જ બાળકો સ્વતંત્ર થઈ જાય એવી અપેક્ષા રાખે છે.
જે માતા-પિતા કામ કરે છે તેઓ પણ તેમનાં બાળકો માટે બધું જ કરે છે. તેમની પાસે મર્યાદિત સમય હોય છે તેથી તેઓ બાળક માગે એ બધું જ અપાવી દેતાં હોય છે અને પછી ફરિયાદ કરે છે કે તેમનું બાળક શિક્ષણ પર ધ્યાન આપતું નથી.
આજનાં બાળકો પણ સ્માર્ટ છે; તેઓ જાણે છે કે માતાપિતાને કેવી રીતે મૂર્ખ બનાવવાં અથવા એમની પાસેથી કેવી રીતે કામ કઢાવવું.
હું વારંવાર બધાં માતાપિતાને વિનંતી કરું છું કે તેઓએ તેમના બાળકો સાથેના વ્યવહારમાં સંતુલન જાળવવું જોઈએ. મારાં બાળકો જેમ જેમ મોટાં થતાં ગયાં તેમ તેમ હું તેમની સાથે કેવી રીતે રહેવું એ સતત શીખ્યા કરતી. ઘણી વખત બાળકો મને ફોન કરતાં અને ગુસ્સે ભરાતાં. મારા બાળકો શું વિચારશે અને શું કરશે તેની કલ્પના કરીને હું ઘરે જતાં પહેલાં મારી જાતને તૈયાર કરતી અને પછી હું તેમને સરળતાથી શાંત કરી શકતી.
આજકાલ, માતાપિતામાં ધીરજનો અભાવ હોય છે અને બાળકો જે કહે એ બધું જ કરે છે. વખત જતાં બાળકોની જિદ વધી જાય છે અને પછી એમને હેન્ડલ કરવાનું મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિ પછીથી માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ તરફ દોરી જાય છે.
જીવનને દરેક તબક્કે સંતુલનની જરૂર હોય છે. સારા અને ખરાબ દિવસો, ચડતી અને પડતી, નકારાત્મક અને સકારાત્મક અનુભવો એ બધાંનું સંતુલન કરવાનું હોય છે. ચાલો, વધુ પડતી નકારાત્મકતાના વાતાવરણમાં સકારાત્મકતા દ્વારા સંતુલન જાળવીએ.
Comments
Post a Comment