રોજની એક-એક મિનિટને એક-એક તક ગણી શકાય

 રોજની એક-એક મિનિટને એક-એક 

તક ગણી શકાય  


કોઈકે સાચું જ કહ્યું છે, તમે કેટલું જીવો છો એનું નહીં, પણ કેવું જીવો છો એનું મહત્ત્વ છે. જીવનના દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો છેલ્લા અધ્યાત્મ જ નજરે ચડે છે. ઈશ્વર સાથેનું આત્મસંધાન જ જીવનનો મર્મ છે.  

કેટલાક લોકો ફક્ત પ્રાર્થના કરવા ખાતર કરતા હોય છે અને કેટલાક લોકો પોતાનાં પાપ ઓછાં થાય એના માટે પૂજા-પાઠ કરતા હોય છે. ખરી રીતે તો જીવન ઈચ્છાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો દ્વંદ્વ હોય છે.  

રામાયણ પરથી શીખવા મળે છે કે રામ રાજા બનવાની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ એમણે વાસ્તવિકતા અપનાવીને પોતાના ભાઈઓ માટે ઈચ્છાની બલિ આપી દીધી. સીતાને અયોધ્યાથી પાછાં લાવ્યા બાદ એક ધોબીના કહેવાથી એમણે જીવનસંગિનીને વનમાં મોકલી આપ્યાં. સીતાનો કોઈ વાંક ન હોવા છતાં કોઈકની ટીકાને કારણે તેઓ સીતાથી વિખૂટા પડી ગયા. રામે સીતા સાથે રહેવાની પોતાની ઈચ્છાનો રાજધર્મ ટકાવી રાખવા માટે ભોગ આપ્યો.  

રામ અને સીતાનો તથા રાધા અને કૃષ્ણનો પ્રેમ એટલો ગાઢ છે કે આજ સુધી લોકોનાં હૃદયમાં એનો વાસ છે.  

શ્રવણમંદ બાળકો સાથે કામ કરીને મને સમજાયું છે કે પ્રગતિ કરવાની ઈચ્છા પ્રબળ હોય તો કંઈ જ અશક્ય નથી. એક છોકરો ત્રણ વર્ષનો હતો ત્યારે મારી પાસે આવ્યો હતો. એને એ સમયે ઉપલબ્ધ નવીનતમ તંત્રજ્ઞાન ધરાવતાં શ્રવણયંત્રો આપવામાં આવ્યાં. એ છોકરો ગુજરાતી માધ્યમમાં ભણીને એમ. કોમ. સુધી પહોંચ્યો. એણે ટૅક્સ એનાલિસીસનો અભ્યાસ પૂરો કરીને મરાઠી પરિવારની કન્યા સાથે લગ્ન કર્યાં. આજે એ સુખેથી રહે છે. એ આપણા બધાની જેમ જ સામાન્ય રીતે વાત કરે છે અને સામાન્ય જીવન જીવે છે. થોડા વખત પહેલાં જ એને મુંબઈની પ્રતિષ્ઠિત કંપની કે.પી.એમ.જી.માં નોકરી મળી.  

કોરોના રોગચાળા દરમિયાન એણે વર્ક ફ્રોમ હોમ કરવું પડ્યું. લોકો સાથે વાતચીત કરવામાં તકલીફ પડતી, પરંતુ એની મમ્મીએ એને ઘણી મદદ કરી. આ પરિવારના દરેક સભ્યમાં મેં આ શ્રવણમંદ બાળકને સામાન્ય જીવન જિવાડવાની ઊંડી ઈચ્છા જોઈ.  

થોડાં વર્ષો પહેલાં હું ગુજરાતના એક ગામની શ્રવણમંદ બાળકો માટેની શાળામાં જતી. એક દિવસમાં પચાસ વિદ્યાર્થીઓની શ્રવણશક્તિની તપાસ કરતી અને દરેકને એમની આવશ્યકતા મુજબ ડિજિટલ શ્રવણયંત્ર બેસાડી આપતી. અમેરિકામાં રહેતા મારા ગાઈડે મને શ્રવણયંત્ર બેસાડવા માટેની એવી સરસ તાલીમ આપી છે કે આ કામ હું ખૂબ જ આસાનીથી કરી શકું છું. મને યાદ છે, એક વખત હું એમની ઇન્સ્ટિટ્યુટમાં કોન્ફરન્સ માટે ગઈ હતી. વિશ્વભરના અનેક ખ્યાતનામ ઑડિયોલૉજિસ્ટ્સ ત્યાં આવ્યા હતા. મારા ગાઇડે એ બધા સાથે મારી ઓળખાણ કરાવતાં જણાવ્યું હતું કે હું દરરોજનાં પચાસ બાળકોને શ્રવણયંત્રો બેસાડી આપું છું. એ બધાને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ એક દિવસમાં ફક્ત પાંચેક લોકોને શ્રવણયંત્ર બેસાડી આપતા હતા. મારા ગાઇડે બધાને જવાબ આપતાં કહ્યું કે મારી ઈચ્છાશક્તિને લીધે જ હું આટલું કામ કરી શકું છું. આપણા વડવાઓ કેટલું કામ કરતા એની વાતો આપણે સાંભળી છે. જો તેઓ કરી શકતા હોય તો આપણે કેમ નહીં!  

આપણા ધર્મગ્રંથોમાં મનુષ્યની શરીરરચના અને માનસિક સ્થિતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી અપાઈ છે અને ઘણી વાતોને વાર્તા કે દૃષ્ટાંતોના સ્વરૂપે વણી લેવાઈ છે. દરેક સમસ્યાનો કોઈક ને કોઈક ઉપાય હોવાનો બોધ એ શાસ્ત્રોમાંથી મળે છે. ઉપાય શોધવા માટે ઈચ્છાશક્તિ અગત્યની હોય છે.  

માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું કે જો તમે દુનિયાને બદલવા માગતા હો તો કલમ અને કાગળ ઉપાડો. મેં એમની વાતને અનુસરીને સકારાત્મકતા વિશેનું આ લખાણ શરૂ કર્યું છે. આમ કરવા પાછળની મારી ઈચ્છા એ જ છે કે વિશ્વ આજે છે તેના કરતાં વધારે સુંદર અને સારું બનવું જોઈએ.  

આપણને રોજની 1,440 મિનિટ મળે છે અને દરેક મિનિટને એક તક ગણી શકાય. પોતાના તથા અન્યના જીવનમાં સકારાત્મકતા લાવવા માટે કાર્ય કરવાની આ તક હોય છે.  

વ્યાવસાયિક વ્યસ્તતા હોવા છતાં હું બીજાં બધાં કાર્યો કરી શકું છું એનું મુખ્ય કારણ મારી ઈચ્છાશક્તિ જ છે. તમને તક મળ્યે હું કોઈ કાર્યક્રમમાં નૃત્ય કરવા પણ પહોંચી જાઉં છું, ક્યાંક કાર્યક્રમનું સંચાલન પણ કરી લઉં છું, મારાં માતાપિતા સાથે સમય પણ ગાળું છું, સપરિવાર વૅકેશન માણવા પણ ઊપડી જાઉં છું. ટૂંકમાં, મને મળનારી કોઈ તક હું છોડતી નથી.  

માનવીઓ સાથે કામ કરીને હું દરેકના જીવનમાંથી કંઈક ને કંઈક શીખતી હોઉં છું. મારા દિવસની શરૂઆત સ્મિતથી થાય છે અને આખો દિવસ નમ્રતા ટકી રહે એવો મારો પ્રયાસ રહે છે. દરેક કાર્યમાં ઉત્સાહ રહે એવું હું ઈચ્છું છું અને હંમેશાં કંઈક વધારે સારું અને સારી રીતે કરવાનાં સ્વપ્નો જોઉં છું.  

છેલ્લે, ફરીથી કહેવાનું કે ઈચ્છાશક્તિના જોરે મનુષ્ય અધ્યાત્મના ઉંડાણ સુધી જઈ શકે છે અને આજની વાસ્તવિકતાની સાચી સમજણ કેળવી શકે છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...