ખંતપૂર્વકના પ્રયાસો અને સફળતા
ખંતપૂર્વકના પ્રયાસો અને સફળતા
હું એવા ઘણા દર્દીઓને ઓળખું છું જેવો
લાંબા સમયથી કોમામાં સરી પડ્યા છે અને એમના પરિવારજનો કોઈ ચમત્કાર થવાની રાહ જોઈને
બેઠા છે. તેઓ કહે છે કે હૃદય હજી ચાલી રહ્યું છે
એટલે આપણે દર્દી સાજા થવાની રાહ જોવી જોઈએ. એક દર્દી 107 વર્ષની ઉંમરના હતા અને
એમના દીકરાએ એમને ફરી બેઠા કરવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કર્યા. એ વૃદ્ધા આખા ઘરમાં સહેલાઈથી ફરી શકે
એના માટે એમને દરેક ઓરડામાં સ્ટીલના પાઇપ નખાવ્યા હતા જેનો ઉપયોગ આધાર તરીકે કરી શકાય.
એ માજીને સાંભળવાની પણ તકલીફ હતી અને તેઓ સંગીત કે ભક્તિ ગીત સાંભળી શકતા ન હતા. આથી એમના દીકરાએ એમના માટે શ્રવણ યંત્ર લઈ
શકાય કે નહીં એ પૂછવા મારો સંપર્ક કર્યો હતો. મેં યોગ્ય શ્રવણ યંત્ર બનાવી આપ્યા
અને તેઓ પોતાનું ગમતું ભક્તિ સંગીત સાંભળવા લાગ્યા. એ દીકરાને ધન્ય છે જેમણે માતા
માટે આટલી દરકાર કરી.
આ કિસ્સા અહીં લખવાનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે વ્યક્તિ જ્યારે કોઈના પ્રત્યે
નિસ્વાર્થ પ્રેમ રાખે ત્યારે એમને મદદરૂપ થવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો
કરતી હોય છે.
સ્વજનોને જીવાડવા માટે લોકો છેલ્લી ઘડી
સુધી પ્રયત્ન કરતા હોય છે. આપણે
બધા પોતપોતાના ધર્મનું પાલન કરતા હોઈએ છીએ અને વડીલો પાસેથી શીખેલી પ્રાર્થનાઓ
ગાતા હોઈએ છીએ.
દેશના અલગ અલગ ભાગોમાં ધાર્મિક રીતિ
રિવાજો અલગ અલગ હોય છે. મને
ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા છે તેથી જ્યારે પણ તક મળે ત્યારે હું એમની આરાધના કરતી
હોઉં છું. ક્યારેક કેટલાક રૂઢીચુસ્ત લોકો ધાર્મિક ક્રિયા વિધિમાં કોઈ ચૂક થઈ જાય
તો એને સુધારવા માટે ગુસ્સે થતા હોય છે.
ક્યારેક મને એવું લાગે છે કે લોકો ખરા
દિલથી પ્રાર્થના કરવાને બદલે શુષ્ક ક્રિયાઓને વધુ મહત્ત્વ આપે છે. મેં હંમેશાં ઈશ્વર પ્રત્યે અપાર
શ્રદ્ધા રાખવાને અને સારા મનુષ્ય બનીને બીજાઓ માટે કંઈક સારું કરવાને વધુ મહત્વ
આપ્યું છે. ભગવાન ધાર્મિક ક્રિયાઓ કેવી રીતે કરાય છે એને બદલે ભક્તના હૃદયમાં ભાવ
કેટલો છે એને વધારે મહત્વ આપે છે.
મને મારા પિતાએ ગણિત શીખવ્યું અને એ
વખતે એમણે એવો આગ્રહ રાખ્યો કે મારા અક્ષર સારા હોય. હું કોઈ ભૂલ કરું તો એમને
ગમતું નહીં. એ વખતે તેઓ કહેતા કે કંઈ પણ લખતાં
પહેલાં વિચાર કરી લેવો,
મનમાં ગણતરી કરી લેવી અને પછી જ કાગળ પર ઉતારવું. મેં ખંતપૂર્વક પ્રયાસ કર્યા અને
મારા અક્ષર ખરેખર સુધરી ગયા. શાળા જીવન દરમિયાન મને શુદ્ધલેખન અને શ્રુતલેખનમાં
ઘણા ઇનામ મળ્યા હતા. હું બારમા ધોરણમાં હતી ત્યારે મારા જીવશાસ્ત્રના શિક્ષક મારું
ચોખ્ખું પેપર જોઈને કહેતા કે કોઈપણ પરીક્ષક તારા જવાબ જોવાને બદલે તારા સારા અક્ષર
અને ચોખ્ખું પેપર જોઈને જ તને વધારે માર્ક્સ આપી દેશે.
માતા પિતા તરીકે આપણે બાળકોને ખંત
શીખવતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક ક્યારેક આર્થિક માનસિક, શારીરિક જેવી તકલીફોને
કારણે પછી ઢીલું મૂકી દેતા હોઈએ છીએ. અહીં એક અબજોપતિ બિઝનેસમેને આપેલી સલાહ યાદ
આવે છે. એમણે કહ્યું છે કે દરેક બિઝનેસમેન માટે
ગ્રાહકો પ્રાથમિકતા હોવા જોઈએ. સફળ થવા માટે ધગશ જેટલી જરૂરી છે એટલી જ સાતત્યની
પણ જરૂર છે. આથી ગ્રાહકોને ઉચ્ચ કક્ષાની સેવા આપવામાં સાતત્ય જાળવી રાખવું જોઈએ.
આપણી સંસ્કૃતિમાં સંબંધોને ઘણું મહત્વ
આપવામાં આવ્યું છે. જેઓ ગ્રાહકો સાથે સારા સંબંધો ધરાવે છે એમના બિઝનેસ પણ સારા ચાલે
છે.
આજના પ્રોફેશનલ ઘણી ઝડપથી કમાણી કરવાનો
વિચાર કરતા હોય છે અને પોતાના લક્ષ્યો જલ્દી પૂરા કરવા માટે દોડધામ કરતા હોય છે. ક્યારેક
તેઓ અનૈતિક રસ્તાઓ અપનાવીને પ્રગતિ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અમારા ઓડિયોલોજીના
વ્યવસાયમાં પણ ઘણી કંપનીઓ ઓડિયોલોજીસ્ટને શ્રવણયંત્રો વેચવા માટેના ટાર્ગેટ આપતી
હોય છે, પરંતુ હકીકતમાં દરેક વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે જ શ્રવણયંત્ર આપવાના હોય છે. આથી નીતિ મૂલ્ય
ટકાવીને જ દરેકે પોતાનું કામ કરવું જોઈએ. પ્રોડક્ટ્સ અને સર્વિસીસની ગુણવત્તા ટકાવીને તથા ખંતપૂર્વક કામ કરીને
જ સફળતા મેળવી શકાય છે.
જીવનમાં પાણીની જેમ વહેતા રહેવાનું હોય
છે. પર્વત પરથી વહેતું નાનકડું ઝરણું જે રીતે નદી બનીને છેવટે સમુદ્રમાં ભળે છે એ
જ રીતે આપણે પણ જીવનના તમામ અનુભવોને સાથે લઈને વિશાળતામાં સમય જવાનું હોય છે.
આપણે જો વિચાર કરીએ તો કશું જ અશક્ય નથી. હું જેમની સાથે વર્ષોથી કામ કરી રહી છું એવાં
શ્રવણમંદ બાળકોને અને એમના વાલીઓને જોઉં છું ત્યારે મને એમ જ લાગે છે કે તેઓ અનેક
પડકારો-અવરોધો વચ્ચે પાણીના પ્રવાહની જેમ વહેતાં
રહે છે. એક સમયે કંઈ પણ બોલી નહીં શકનારા શ્રવણમંદ બાળકો આજે યોગ્ય શ્રવણયંત્રોની
મદદથી સામાન્ય બાળકોની જેમ બોલવા લાગ્યાં છે અને એમાં એમના પોતાના તથા એમના
પરિવારજનોના ખંતપૂર્વકના પ્રયાસો રહ્યા છે. એમને જોઈને આપણામાં પણ સકારાત્મક ઊર્જા
આવે છે.
બાળકોને નવાં શ્રવણયંત્રો આપવામાં આવે
ત્યારે શરૂઆતમાં તો એમની પ્રગતિ ઘણી ધીમી જણાતી હોય છે પરંતુ તાલીમ પામીને તેઓ બોલતા
શીખી જાય છે. નવજાત બાળક પણ જન્મથી બોલતાં શીખેલું
હોતું નથી. આસપાસના અવાજો સાંભળીને એ બોલવાનું શીખે છે. થોડા સમય પહેલા ત્રણ વર્ષના છોકરાને
શ્રવણયંત્ર આપવામાં આવ્યું અને બીજા જ દિવસથી એની શાળા શરૂ થઈ. શિક્ષકે ફરિયાદ કરી
કે બાળક સૂચનાઓનું પાલન કરતું નથી અને કોઈ જવાબ આપતું નથી. માતાએ એના શિક્ષકને
જણાવ્યું કે ઓડિયોલોજિસ્ટે ધીરજ અને ખંતપૂર્વક થોડો સમય મહેનત કરવાનું કહ્યું છે.
ત્યારબાદ બાળક જાતે સાંભળતાં બોલતાં શીખી જશે.
હું સકારાત્મકતાનો પ્રસાર કરવા માટે ખત પૂર્વક લખાણ કરી રહી છું અને તેને કારણે વધુ સારી મનુષ્ય બની શકી છું. આજે જરૂર છે ધીરજ રાખીને ખંતપૂર્વક પ્રયાસ કરવાની. આપણે જ્યારે ભયભીત થઈ જઈએ છીએ ત્યારે તાર્કિક રીતે નિર્ણયો લઈ શકતા નથી. વિચારોની સ્પષ્ટતા હોય તો નકારાત્મકતા આવતી નથી. આ વિષયે તમારા વિચારો જણાવજો.
Comments
Post a Comment