તમારું ભવિષ્ય ઉજ્જવળ છે, જો એ તમે જાતે ઘડ્યું હશે!

તમારું ભવિષ્ય ઉજ્જવળ છે, જો એ 

તમે જાતે ઘડ્યું હશે 


તમે ભવિષ્યની આગાહી કરી શકો છો, જો તમે એ જાતે ઘડ્યું હોય; અને તમે ભવિષ્ય ત્યારે જ ઘડી શકો, જ્યારે તમે એના માટે મહેનત કરી હોય. આ નિવેદન એકદમ સચોટ છે. આપણા દેશમાં એટલાં બધાં સુંદર સ્થાપત્યો છે કે જ્યારે એને જોઈએ ત્યારે અવાચક રહી જવાય છે. આપણે એ જગ્યાઓએ પ્રવાસ કરવા માટે ઉત્સુક હોઈએ છીએ. એ સ્થાપત્યો બાંધવા માટે લોકોએ મહેનત કરી ન હોત તો શું થયું હોત?  

આપણે ફરવા જઈએ છીએ, કારણ કે રાબેતા મુજબનું જીવન કોઈને ગમતું નથી. આપણે રગશિયા ગાડા જેવી જિંદગીમાંથી બહાર નીકળવા માટે રચનાત્મક બનવું જરૂરી છે.  

કૃષ્ણભક્તિનું એક ગીત છે. એની એક પંક્તિ છેઃ "દ્વાર દયા કા જબ તુ ખોલે પંચમ સૂર મેં ગુંગા બોલે, અંધા દેખે લંગડા ચલ કે પહુંચે કાશી રે..." ઈશ્વરે હંમેશાં કોઈ ને કોઈ ઉદ્દેશ્ય સાથે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે.  

ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો પોતે કોણ છીએ એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. દરેક મનુષ્યે રાબેતા મુજબના જીવનમાંથી બ્રેક લઈને આત્મમંથન કરવું જોઈએ. ક્યારેય નકારાત્મક વિચારોનો બોજ વધી ન જાય એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પોતાની ભાવિ જવાબદારીઓથી પણ સભાન થઈ જવું જોઈએ. આપણે જરાક પણ જાગૃત થઈશે તો ભવિષ્ય ઘણું સુધરી જાય છે.  

ફિલિપાઇન્સની રીઆ બુલોસ નામની કન્યાની આ વાત છે. એને આંતરશાળા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવો હતો, પરંતુ એની પાસે શૂઝ લેવાના પૈસા ન હતા. આથી એણે પગ પર ટેપ ચોંટાડી દીધી અને એના પર નાઇકીનું પ્રતીક દોરી કાઢ્યું. ટેપ લગાડેલા પગે એ દોડી અને 400 મીટર, 800 મીટર અને 1500 મીટની દોડમાં એણે સુવર્ણચંદ્રક જીત્યા. આ રીતે એણે પોતાની રચનાત્મકતાનો પરિચય આપ્યો.  

પોતાની જાત વિશે સભાન થઈએ ત્યારે આપણને પોતાની શક્તિઓનો પરિચય થાય છે અને એની મદદથી આપણે ધારીએ એ પ્રાપ્ત કરી શકીએ છીએ. કહેવાય છે કે જે પોતાની મદદ કરે છે એને ભગવાન પણ મદદ કરવા દોડી આવે છે.  

આપણામાંથી ઘણાએ બાળપણમાં અનેક વાર્તાઓ વાંચી હશે. રોજેરોજ એક-એક સિક્કો નાખીને ગલ્લો ભરતું બાળક, એક-એક કાંકરો નાખીને પાણી ઉંચે લાવતો કાગડો, સસલાની સાથે દોડમાં ઉતરીને જીતી ગયેલો કાચબો, વગેરે. એ બધામાં નાનાં-નાનાં કાર્યોનું મહત્ત્વ છે. એ જ રીતે રોજિંદા જીવનમાં થોડું સમયપાલન, થોડી શિસ્ત, થોડાં મૂલ્યોનું જતન, વગેરે અનેક કાર્યો સારાં પરિણામો લાવે છે. જીવનસાથી જોડે નિરાંતના સમયમાં વિતાવેલી પળો ભવિષ્યને અંજવાળે છે.  

આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ભગવાનની મદદ માગવા દોડી જઈએ છીએ. પણ શું આપણે ક્યારેય શુદ્ધ હૃદયથી બીજા કોઈની મદદ કરી છે? આપણે પ્રભુમાં શ્રદ્ધા રાખીને કરેલાં સારાં કાર્યોથી ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.   

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...