એકબીજા સાથેનો રોમાન્સ જ નહીં, પરસ્પરનો આદર પણ પ્રેમ છે

એકબીજા સાથેનો રોમાન્સ જ નહીં,

પરસ્પરનો આદર પણ પ્રેમ છે  


મહાત્મા ગાંધીએ કહ્યું છે, "જ્યાં પ્રેમ છે ત્યાં જીવન છે." અત્યારે પ્રેમના નામે ફક્ત વિજાતીય વ્યક્તિ પ્રત્યેના આકર્ષણની વાત ચાલી રહી છે. હકીકતમાં પ્રેમ કુદરત અને મનુષ્યો વચ્ચે પણ હોય છે, માતાપિતા અને સંતાનોનો પણ હોય છે અને નાગરિકોનો દેશ પ્રત્યે પણ હોય છે.  

જો તમારા જીવનમાં કોઈના પ્રત્યે પ્રેમ જ ન હોય તો શું થાય એની કલ્પના કરી જુઓ. દરેક વસ્તુ કંટાળાજનક બની જશે. તમારું જીવન લોકોની વચ્ચે નહીં, પણ એક અંધારકોટડીમાં વીતે એવી કલ્પના કરી જુઓ. દરેકને મુક્ત હવામાં શ્વાસ લેવાનું ગમતું હોય છે. દરેકને ક્યારેક એકલા રહેવાનું ગમતું હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ હંમેશાં એકલા રહેવાની વાત કરતી નથી. એકલા રહેનારા લોકોએ પણ માંદે-સાંજે બીજાઓની મદદ લેવી પડતી હોય છે.  

જો આવું જ હોય તો શું કામ આપણે લોકો સાથે પ્રેમથી રહેવું ન જોઈએ, શું કામ બીજાઓ સાથે આનંદપૂર્વક રહેવું ન જોઈએ, શું કામ જિંદગીની દરેક પળને બીજા મનુષ્યો સાથે રહીને માણવી ન જોઈએ?  

હું ભગવાન કૃષ્ણને, મને પોતાને, મારા પરિવારને, મારા સમાજને અને મારા દેશને પ્રેમ કરું છું. એને જ હું જીવન ગણું છું.  

એક વખત રાધાજીએ પ્રેમ વિશેના ભગવાન કૃષ્ણના સવાલના જવાબમાં કહ્યું હતું, "પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી, એનું માપ કાઢી શકાતું નથી, એ મૂલ્યવાન હોય છે, એમાં કોઈ તુલના નથી હોતી અને કોઈ સીમા પણ નથી હોતી."  

પ્રેમ હંમેશાં ફેલાતો રહે છે, વિકસતો રહે છે. રાધાજીએ માતાના પ્રેમને વિશ્વનો સર્વોત્તમ પ્રેમ કહ્યો હતો. એમણે કહ્યું હતું કે માતાના શરીરનો પ્રત્યેક કણ ગર્ભના વિકાસ માટે કામ કરતો હોય છે. ગર્ભસ્થ બાળકને લીધે માતાને ઘણી તકલીફો પણ થતી હોય છે, પરંતુ આખરે માતાના પ્રેમનો-મમતાનો વિજય થાય છે અને બાળક અવતરે છે. ત્યાર પછી માતા બાળકમાં સંસ્કારોનું સિંચન કરે છે.  

આપણે માતાપિતાને પ્રેમ કરીએ છીએ, કારણ કે તેઓ જ આપણને પ્રેમ કરતા શીખવે છે. માતા આ વિશ્વમાં આપણી આદ્યગુરુ હોય છે. એના લોહીનું દૂધ બનીને આપણું પોષણ થાય છે. પોતાનું સંતાન પહેલી વાર બોલતાં, ચાલતાં શીખે છે ત્યારે માતાને અનહદ આનંદ થાય છે.  

આથી જ રાધાજીએ કહ્યું છે કે પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી. ભગવાન કૃષ્ણે વિશ્વની રચના કરી અને રાધાજીએ આપણને પ્રેમ કરતાં શીખવ્યું. રાધા-કૃષ્ણ આપણા સૌ માટે પ્રેમનું પ્રતીક છે.  

પ્રેમના પણ અનેક પ્રકાર હોય છે. આપણે શાકાહાર કરીએ છીએ એ બીજા કોઈ જીવ પ્રત્યેના પ્રેમને કારણે જ છે. આપણે પર્યાવરણનું રક્ષણ કરવા માટે સક્રિય બનીએ એ પણ મનુષ્યજાત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.  

એક દિવસ એક માતા અમારા ક્લિનિકે આવી હતી. એણે ઇન્ટરનેટ પર કોઈ અદ્યતન મશીન જોયું હતું અને અમારી ક્લિનિકમાં અમે દરદીઓની સારવાર માટે એ વાપરીએ છીએ કે નહીં એ એને જાણવું હતું. અમે બાળકોને કેટલી હૂંફ આપીએ છીએ, એમની કેટલી દરકાર કરીએ છીએ એ જોવાને બદલે એને મશીન જોવામાં રસ હતો. જો કે, આજે અમારા પ્રેમને જોઈને માતા અને બાળક બન્ને ખુશ છે. બાળક હવે સારી રીતે સાંભળી-બોલી શકે છે.  

આજનાં બાળકોને સમજાવવાની જરૂર છે કે પ્રેમ ફક્ત રોમાન્સ, કેન્ડલલાઇટ ડિનર કે દરિયાકિનારે એકલા ફરવાની મજા જ નથી, પરસ્પર આદર, એકબીજાને સમજી લેવાની અને અનુકૂળ થવાની સમજદારી, એકબીજા પરનો વિશ્વાસ, વગેરે પણ પ્રેમ જ હોય છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...