આજના યુગમાં ઘોંઘાટની સાથે નકારાત્મકતાથી પણ દૂર રહેવાની જરૂર
આજના યુગમાં ઘોંઘાટની સાથે નકારાત્મકતાથી પણ
દૂર રહેવાની જરૂર
વૈશ્વિક આરોગ્ય સંસ્થાનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં વિશ્વભરમાં આશરે 1.1 અબજ યુવાનોને સાંભળવાની તકલીફ થશે. આજના સમયમાં સંગીત સાંભળવા માટે ઇયરફોનનો ઉપયોગ થતો હોવાથી સમસ્યા વકરવાની છે. આથી આ સમગ્ર વર્ષમાં આપણે એ સંદેશો વહેતો કરવાનો છે કે કોઈએ શ્રવણશક્તિની અવગણના કરવી નહીં.
ખરું પૂછો તો કોરોનાએ આપણને શારીરિક અને માનસિક આરોગ્યનું મહત્ત્વ સમજાવી દીધું છે. આપણે ફક્ત શરીર નહીં, મન અને આત્માને પણ સાંભળવાની જરૂર છે. આની સાથે સાથે એ પણ કહેવાનું કે આપણે ફક્ત પોતાનું નહીં, આસપાસના સૌ લોકોનું ધ્યાન રાખવાનું છે. આથી જ સૌને સંદેશો પહોંચાડવો જોઈએ કે શ્રવણશક્તિની કાળજી લેવી.
મેં શ્રવણમંદ લોકોની તકલીફોને ધ્યાનથી સાંભળી અને તેનો ઈલાજ કર્યો. એમને સાંભળીને હું મારી કાળજી લેતાં પણ શીખી છું. મારી નિપુણતાની જેમને જરૂર છે એવા લોકોને હું મદદરૂપ થાઉં છું.
થોડા વખત પહેલાં અમે કંપનીઓના કર્મચારીઓ માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. એમની મનોવૈજ્ઞાનિક સ્થિતિનું પણ અમે એમાં આકલન કર્યું હતું. લગભગ અડધોઅડધ કર્મચારીઓએ એ શિબિરમાં પોતાની લાગણીઓને વાચા આપી. એમાંથી કેટલાક રડ્યા અને તેને કારણે એમના મનને શાંતિ વળી. એમની વાતો એમના સહયોગીઓએ સાંભળી ત્યારે એમને લાગ્યું કે એમની વાતો સાંભળવાવાળું પણ કોઈ છે.
અમારા ફિઝિયોથેરપિસ્ટ અને ઓક્યુપેશનલ થેરપિસ્ટે એમને ઊઠવા-બેસવાની રીત શીખવી. કામના સ્થળે બેસવાની ખોટી રીતને લીધે પીડા ઊભી થાય છે. આવા સમયે શું કરવું એની માહિતી એમને આપવામાં આવી હતી.
એ ઉપરાંત દરેક કર્મચારીની સાંભળવાની શક્તિની ચકાસણી કરવામાં આવી હતી. એમને બોલવાની ઢબમાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો એનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
અમે એમને કહ્યું કે વ્યવસાયમાં દરેક વ્યક્તિએ પોતાની વાત બીજાઓ સુધી સ્પષ્ટ રીતે પહોંચાડવાની હોય છે. આથી બોલવાની રીત તથા ઉચ્ચારણ બરોબર હોવાં જોઈએ. એમને રોજિંદા આરોગ્યપ્રદ ખોરાક વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.
શિબિર પૂરો થયા પછી કર્મચારીઓએ જણાવ્યું કે એમના મનનો ઊભરો ક્યાંક ઠાલવવા મળ્યો અને સાથે સાથે મૂલ્યવાન માર્ગદર્શન પણ મળ્યું એનો એમને આનંદ હતો. ફક્ત સહયોગીઓ નહીં, એમના મૅનેજમેન્ટે પણ એમને સાંભવામાં રસ લીધો એ વાત સૌને સ્પર્શી ગઈ.
આ શિબિરની વાત કરવા પાછળનું પ્રયોજન એ છે કે આજના વિશ્વમાં કોઈ પણ સમસ્યાને વાચા આપીને એનું નિદાન કરવું જરૂરી છે. નિદાન થાય તો જ ઈલાજ શક્ય બને છે.
અહીં ખાસ જણાવવાનું કે આજના યુગમાં મોટા અવાજે સંગીત સાંભળવામાં આવતું હોવાથી શ્રવણશક્તિને નુકસાન થાય છે. બીજાઓની વાતો તરફ બેધ્યાન રહેવું એ પણ એક પ્રકારની નકારાત્મકતા છે. આપણે જે રીતે ઘોંઘાટભર્યા વાતાવરણમાં ઈયરપ્લસનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે નકારાત્મક લોકો અને વિચારોની સામે પણ કોઈ ઉપાય કરવો જોઈએ. સાથે જ આપણે સકારાત્મક લોકો સાથે વધારે સમય રહેવાની જરૂર છે. તેનાથી આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને આપણે વધુ સુખ-શાંતિ અનુભવી શકીએ છીએ.
Comments
Post a Comment