માનસિકતા બદલો, જીવન જરૂર બદલાશે
માનસિકતા બદલો, જીવન જરૂર બદલાશે
એક સમયે મનુષ્ય ગુફાઓમાં રહેતો અને પાંદડાનાં વસ્ત્રો પહેરતો. આજે દેશ-વિદેશમાં કેટકેટલીય ફેશન પ્રચલિત છે. મનુષ્યની ઉત્ક્રાંતિમાં સતત કંઈક ને કંઈક નવું થયા કરે છે અને પહેલાંના સમય કરતાં આજકાલ પરિવર્તનો ઘણા ઝડપથી આવી રહ્યાં છે.
જો કે, હજી જીવનનાં મૂળભૂત તત્ત્ત્વો કે સિદ્ધાંતોમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. મનુષ્ય હંમેશાં પડકારોને ઝીલીને પ્રગતિ કરતો આવ્યો છે. સાથે સાથે આપણે એવાં પણ ઉદાહરણો જોઈએ છીએ કે દુનિયાની નજરે સફળ માણસ અચાનક જ આત્મહત્યા કરી બેસે છે. આના પરથી કહી શકાય કે મનુષ્યની માનસિકતા એના વર્તન-વ્યવહાર પર અસર કરે છે.
ભારતમાં આપણે દેવી-દેવતાઓ પર શ્રદ્ધા રાખીએ છીએ. આપણે પોતાને સુખી અને સમૃદ્ધ રાખવા માટે ઈશ્વરને વિનવણી કરીએ છીએ. કોઈ આપદા આવે ત્યારે ભારતમાં એક સમયે લોકો એવું માનતા કે ભગવાન ગુસ્સે થયા છે. આજે પણ લોકો અલગ અલગ ઈચ્છાઓ અને અપેક્ષાઓ લઈને મંદિરમાં જાય છે. કોઈ પોતાની ભૂલ બદલ ક્ષમા માગે છે, તો કોઈ પોતાના લગ્ન માટે આશીર્વાદ માગે છે. કોઈ સંતાન ઈચ્છે છે, તો કોઈ જીવનમાં શાંતિ મેળવવા માગે છે. કેટલાક લોકો બીજાઓની મદદ અર્થે દાન આપવા માટે આવે છે. કેટલાક એકલા આવે છે, જ્યારે કેટલાક સપરિવાર આવે છે.
કોરોના રોગચાળાએ પણ આપણી માનસિકતા બદલવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. આજે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં જઈને ઈશ્વરના આશીર્વાદ માગે છે. ભગવાન કૃષ્ણ પણ સૌની મદદ કરે છે. આપણે કૃષ્ણલીલામાં ભગવાનની કૃપાનાં અનેક ઉદાહરણો વાંચ્યાં છે. ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકીને લોકોનું રક્ષણ કરનારા કૃષ્ણ જ હતા.
આજના યુગમાં મોટાભાગનાં યુગલો એક, અને વધુમાં વધુ બે સંતાનને જન્મ આપે છે. બાળઉછેર પર આજની તારીખે ઘણું ધ્યાન આપવામાં આવે છે. બીજી બાજુ એવાં પણ માતા-પિતા છે, જેમને પોતાનાં સંતાનો માટે જરા પણ સમય મળતો નથી. આ વિરોધાભાસી પરિસ્થિતિને કારણે અનેક પ્રશ્નો નિર્માણ થાય છે.
અમારા જોશ ફાઉન્ડેશનની વાત કરું તો, અમે શ્રવણમંદ બાળકોને સારામાં સારાં શ્રવણયંત્રો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. દરેકની જરૂરિયાત પ્રમાણે ડિજિટલ શ્રવણ યંત્ર આપવામાં આવે છે. એક સમયે લોકો એનાલોગ મશીનથી ચલાવી લેતા હતા. ઘણી સંસ્થાઓ સખાવતમાં એનાલોગ મશીનો જ આપે છે, પરંતુ અમે જોયું છે કે યોગ્ય શ્રવણયંત્ર આપવાથી જ સૌથી વધારે લાભ થાય છે. આથી અમે ડિજિટલ શ્રવણયંત્રો આપવા પર ભાર મૂક્યો છે.
થોડા વખત પહેલાં અમે એવા બે દર્દીઓની સારવાર કરી, જેમનું જમણું અંગ લખવો મારી ગયું હતું અને એમની વાચા જતી રહી હતી. એમાંથી એક દર્દી આવશ્યકતા અનુસાર પોતાની માનસિકતા બદલવા તૈયાર હતા, જ્યારે બીજાએ કંઈ પણ નથી કરવું એવો અભિગમ અપનાવ્યો હતો. જે વ્યક્તિ પરિવર્તન સ્વીકારવા તૈયાર હતી એનું કહેવું હતું કે મારા પરિવારજનો મારા માટે આટલું બધું કરી રહ્યા છે તો મારે પણ કંઈક કરવું જોઈએ.
એક સમયે અશક્ય હતી એવી અનેક બાબતો આજે શક્ય બની છે. એ પરિવર્તન પાછળ પણ સકારાત્મક માનસિકતા કામ કરી રહી છે. મારું માનવું છે કે દરેક માતા પિતાએ પોતાનાં બાળકોને ફ્લેક્સિબલ બનવા માટેની તાલીમ આપવી જોઈએ, જેનાથી બાળકો બદલાતા સમય-સંજોગ અનુસાર પોતાની માનસિકતામાં પરિવર્તન લાવે અને પોતાના જીવનનો ઉત્કર્ષ કરે.
આપણે પોતાનાં સંતાનો માટે ઘણી મહેનત કરીએ છીએ. આપણે જે ભોગવ્યું એ બાળકોએ સહન કરવું ન પડે એવી એની પાછળની ઈચ્છા હોય છે. આજની તારીખે બાળકો પાસે ઘણી બધી સુવિધાઓ છે. તેઓ વધુ લક્ઝરીયસ જીવન જીવવાની ઈચ્છા રાખે છે, પરંતુ જીવનનો ખરો અર્થ શું છે એના વિશે વિચારવાનું કોઈને ગમતું નથી. આવાં બાળકો ભવિષ્યમાં અલગ અલગ પડકારો અને સમસ્યાઓનો સામનો કેવી રીતે કરશે એ વિચારવા જેવી બાબત છે.
આજે પણ યુવા વર્ગ અનેક પ્રકારની માનસિક બીમારીઓ ધરાવે છે. લોકો પરાજય કે જરાક અમથી પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની માનસિકતા ધરાવતા નથી. આ ઘણી જોખમી વાત કહેવાય. આજનાં માતા પિતાએ આ બાબત તરફ ખાસ ધ્યાન આપીને પોતાનાં સંતાનોમાં યોગ્ય વિચારશક્તિ કેળવવાની જરૂર છે. આપણે બધાએ ભેગા થઈને યુવા પેઢીને પ્રગતિશીલ માનસિકતા અપનાવવાનું શીખવવાની આવશ્યકતા છે. ચાલો, આપણે બાળકોને શીખવીએ કે પૈસા કમાવા કરતાં માનસિક શાંતિ કમાવી વધુ અગત્યની બાબત છે. કુદરતના સાંનિધ્યમાં રહીને પ્રસન્ન જીવન જીવવું એ ભોગવિલાસના જીવન કરતાં વધારે સારું છે.
ભવિષ્યમાં સૌ યોગ્ય નિર્ણયો લેવા સક્ષમ બને એવી માનસિકતા વિકસાવવા માટે ચાલો બધા ભેગા મળીને પ્રયત્ન કરીએ.
વિશેષ બાળકો સાથે કામ કરીને મારો દૃષ્ટિકોણ બદલાયો છે. હું મારા લખાણ દ્વારા મારી ઉર્જા અને સકારાત્મકતાનો પ્રસાર કરવાનો પ્રયત્ન કરી રહી છું. આ પ્રવૃત્તિમાં અનેક ચમત્કાર સર્જાયા છે. આંસુ પ્રાર્થનામાં અને ડર શ્રદ્ધામાં પરિવર્તિત થયાં છે. છેલ્લે, એટલું જ કહેવાનું: માનસિકતા બદલો, જીવન જરૂર બદલાશે.
Comments
Post a Comment