જીવનના અર્થ પ્રત્યેની સ્પષ્ટતા સફળતા તરફ દોરી જાય છે
જીવનના અર્થ પ્રત્યેની સ્પષ્ટતા સફળતા તરફ
દોરી જાય છે
આપણા જીવનનો અર્થ શું છે એવું જો અચાનક કોઈ પૂછી બેસે તો એનો જવાબ શોધવામાં ઘણી વાર લાગી જાય છે, કારણ કે આપણે આ ભાગદોડભરી જિંદગીમાં જીવનના ઉદ્દેશ્ય કે અર્થ કે હેતુ વિશે વિચારવાનું જ ભૂલી ગયા છીએ!
એક અંગ્રેજી ઊક્તિમાં કહેવાયું છે કે તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો એ વસ્તુ તમને મળી શકે છે. આથી તમારે જે જોઈતું હોય એના પર જ લક્ષ આપવું જોઈએ. પોતાને શું જોઈએ છે એના વિશેની સ્પષ્ટતા જ આપણા જીવનનો અર્થ નક્કી કરી શકે છે.
ક્યારેક આપણા પોતાના સ્વપ્નો સાકાર કરવાનો સમય આવે ત્યારે આપણી શક્તિ ઓછી પડી જાય છે. બાહ્ય જગતમાં ઘણી સિદ્ધિઓ મેળવી હોય એવી અનેક વ્યક્તિઓ નિરાશાને કારણે આત્મહત્યા કરી ચૂકી છે. પૈસો, ખ્યાતિ બધું હોવા છતાં લોકો પોતાનું આયખું ટૂંકાવી દે એનું શું કારણ? આનું એક જ કારણ છે કે તેઓ જે જોઈએ છે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. તેઓ ફક્ત પોતાના માટે જ નહીં પણ આસપાસના સૌ લોકો માટે માનસિક તાણ ઉભી કરે છે.
અહીં ફરી એકવાર સકારાત્મક વિચારસરણીનું મહત્ત્વ જણાવવું જરૂરી છે. જીવનને સકારાત્મક દૃષ્ટિએ જોઈએ તો આપણે એકાગ્રતા સાધી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે કોઈ એક વિચાર ઉપાડી લો અને એના આધારે તમારા જીવનને આગળ વધારો. આ એક જ વિચાર માટે તમારું સર્વસ્વ આપી દો અને પછી તમને સફળતા નિશ્ચિતપણે મળશે. એમણે એ પણ કહ્યું હતું કે તમે જ્યારે પોતાના વિચારો અનુસાર જીવતા હશો અને બીજાઓના વિચારોને તેજી દેશો ત્યારે તમે બીજાઓ સાથે પોતાની તુલના નહીં કરો અને તમારા વિચારોની એ જ સ્પષ્ટતા તમને સફળતા તરફ દોરી જશે.
આધ્યાત્મિક દૃષ્ટિએ વાત કરીએ તો આપણને શીખવવામાં આવ્યું છે કે ઈશ્વરના સાંનિધ્યમાં રહીને ઈશ્વરમાં એક ચિત્ત થઈ જવું અને પ્રાર્થના કરવી. આવી એકનિષ્ઠાથી જ ઈશ્વરને પ્રાપ્તિ થતી હોય છે. માણસે વિચાર કરવો જોઈએ કે બધા લોકો ભગવાન છે ભગવાન છે એવું કહેતા હોય તો આપણે ચોક્કસપણે એ ભગવાનને આપણી નરી આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેઓ આધ્યાત્મિક ઉન્નતિ સાધી શક્યા છે તેઓ મન, વચન, કર્મથી ઈશ્વરના સાનિધ્યમાં રહે છે અને ઈશ્વરના આશીર્વાદ પામે છે. ભગવાનની હાજરીની અનુભૂતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે એમના અસ્તિત્વને સ્વીકારીએ. આધ્યાત્મિક ઉન્નતિ પામેલા આ લોકો ભગવાનની શોધમાં આગળ વધ્યે રાખતા હોય છે.
આ પૃથ્વી પરના દરેક મનુષ્ય માટે ઈશ્વર પ્રત્યેની નિકટતા પામવાનું શક્ય છે, પણ એના માટે ભક્તિભાવ અને સમર્પણભાવ હોવા જરૂરી છે. એક જગ્યાએ મેં ક્યાંક વાંચ્યું હતું કે કારનું સમારકામ કરનાર વ્યક્તિ કાર ચલાવનાર કરતાં અલગ દૃષ્ટિએ જુએ છે. સમારકામ કરનાર માણસ કારના મશીનની ઊંડાઈ સુધી જાય છે અને એમાંથી ખામી શોધીને એને સુધારે છે. જો આવા નાના કામ માટે પણ એકાગ્રતા અને સમર્પણની જરૂર પડતી હોય તો ભગવાનની શોધમાં શું કામ એ રાખવી જોઈએ નહીં?
આજના જગતમાં મોટાભાગના લોકોમાં સકારાત્મકતા, ઉત્સાહ, ઉમંગ અને પ્રસન્નતાનો અભાવ વર્તાય છે. થોડા વખત પહેલાં 80 વર્ષની બે વ્યક્તિઓનો પરિચય થયો હતો. એમાંથી એકે કહ્યું કે મને મોટા અવાજે થોડું ઘણું સંભળાય છે, તો તમે મને શ્રવણયંત્ર આપીને બરોબર સંભળાય એવું કરી આપો, જેથી બાકીનું જીવન હું ભગવાનના ભજન ગાઈ-સાંભળીને ગાળી શકું. જો મને મારો પોતાનો અવાજ બરોબર સંભળાતો હશે તો ભગવાનને પણ સંભળાશે. મારે ઈશ્વરની ભક્તિમાં કોઈ કચાશ નથી રાખવી. બીજી વ્યક્તિને પોતાની શ્રવણશક્તિની ખામી વિશે ખબર હતી પરંતુ તેઓ એવું પોતાના સંતાનો પર બોજ ન આવે એના માટે અને બાકીનું જીવન ઘણું ઓછું છે એવું વિચારીને શ્રવણયંત્ર લેવા માગતા ન હતા. આમ, એક વ્યક્તિમાં આશાવાદ હતો, ઉત્સાહ હતો, જ્યારે બીજી વ્યક્તિમાં એક પ્રકારની નિરાશા અને ઉમંગનો અભાવ હતો.
મારું માનવું છે કે જીવનમાં સતત વિકાસ કરતાં જવાનું શક્ય છે અને એના માટે વિચારોની સ્પષ્ટતા જરૂરી છે. અવરોધો ચોક્કસ આવશે, પરંતુ પ્રગતિ પણ એ જ માર્ગે થશે. મારા જીવનમાં અમે આ જ આશાવાદ અપનાવ્યો છે અને મારા મિત્રો એના સાક્ષી છે. તેઓ કહી શકશે કે આ અભિગમ ખરેખર ઉપયોગી છે.
થોડા સમય પહેલાં મારાં સાસુ અવસાન પામ્યાં. હું 29 વર્ષ એમની સાથે રહી. તેઓ ગૃહિણી હતાં, પરંતુ એમણે હંમેશાં ઈશ્વર સ્મરણને પ્રાથમિકતા આપી અને ઘરમાં ખુશી જાળવવાને તથા દરેક પરિવારજનનું ધ્યાન રાખવાને પ્રાધાન્ય આપ્યું. એમની ઈચ્છા હતી કે એમની પુત્રવધૂ પણ ગૃહિણી હોય. બીજી બાજુ, હું ગૃહિણી રહેવાને બદલે કારકિર્દી ઘડવામાં માનતી હતી. અમે બંનેએ જીવનમાં વિકાસનો અભિગમ અપનાવ્યો અને પ્રથમ દૃષ્ટિએ વિચારો જુદા જુદા હોવા છતાં અમારા સંબંધોમાં હંમેશાં સૌહાર્દ અને ઉષ્મા રહ્યાં. મેં એમની પાસેથી આધ્યાત્મિકતાના પાઠ ભણ્યા અને પરિવારને કેવી રીતે સાચવવો એ શીખ્યું. એમણે જોયું કે બીજાઓ પ્રત્યે કરુણા રાખવાથી પોતાના પરિવાર પર આશીર્વાદ વરસે છે.
વોરેન બફેટે કહ્યું છે કે તમારે બીજા બધા કરતાં વધારે સ્માર્ટ નહીં, પરંતુ બીજા બધા કરતાં વધારે શિસ્તબદ્ધ રહેવું જોઈએ. વિચારોની આ સ્પષ્ટતા આપણને આપણા દેશના પણ અનેક મહાન નેતાઓ પાસેથી શીખવા મળી છે. હું જીવનના અર્થ પ્રત્યેની આ જ સ્પષ્ટતાને સલામ કરું છું અને એવી આશા રાખું છું કે આ પૃથ્વી પર દરેક જણ પાસે એ સ્પષ્ટતા હોય.
Comments
Post a Comment