સકારાત્મક બનવાના સંકલ્પનું મહત્ત્વ
સકારાત્મક બનવાના સંકલ્પનું મહત્ત્વ
આપણે બધાએ આ વાક્ય સાંભળ્યું છે, " જ્યાં સુધી તમે સફળ ન થાઓ ત્યાં સુધી પ્રયાસ કરતા રહો." આપણા બધા વૈજ્ઞાનિકો આવું જ કરતા આવ્યા છે. એમણે અનેક નિષ્ફળતાઓ પછી સફળતા પ્રાપ્ત કરી. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ દરેક નિષ્ફળતા બાદ ફરીથી સંકલ્પ કરતા હતા. આજે એમના જ અવિરત પ્રયાસોને કારણે આપણે ટેલીફોન પર વાત કરીએ છીએ, વીજળીનો લાભ લઈએ છીએ અને પ્રવાસનાં અદ્યતન સાધનોને લીધે મન ફાવે ત્યાં ફરવા ઊપડી જઈએ છીએ.
વૈજ્ઞાનિકોની જેમ બીજાં અનેક ક્ષેત્રોમાં લોકોએ આવો જ ક્રમ અપનાવ્યો હતો. એમના દરેક પ્રયાસની પાછળ એક આશા છુપાયેલી હતી. ક્યારેક તો સફળતા મળશે એવી આશા હતી. આથી જ આજે મને સવાલ થયો છે કે શું કામ આપણે બધાએ જીવનમાં આશાવાદી બનવાનો સંકલ્પ કરવો નહીં!
આપણામાંથી ઘણા લોકો બીજા દિવસથી સવારે ઉઠીને કસરત કરવા અથવા ફરવા જવાનો સંકલ્પ કરે છે. મોટાભાગે એવું થતું હોય છે કે એ જ સંકલ્પ વારંવાર કરવો પડે છે, કારણ કે આપણી એ શરૂઆત થતી નથી. ઘણી વાર એવું થઈ જાય છે કે તબિયત ઘણી બગડી જાય ત્યારે કસરત કર્યા વગર છૂટકો હોતો નથી અને પછી આપણે એમાં નિયમિત થઈ જઈએ છીએ.
દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક આરોગ્યમાં ઉતાર-ચડાવ આવ્યા કરતા હોય છે, પરંતુ પોતાની તબિયત વિશે સકારાત્મક અભિગમ અપનાવ્યો હોય તો જીવન બદલાઈ જાય છે.
થોડા વખત પહેલાં એક વડીલને મળવાનું થયું. એમને બોલવામાં તકલીફ હતી. થયું એવું કે એમની શ્રવણશક્તિની ખામીને લીધે એમને બોલવામાં તકલીફ પડતી હતી. મેં એમને બીજા દિવસે સવારે 11 વાગ્યે ક્લિનિકે બોલાવ્યા, પરંતુ તેઓ 10.30 વાગ્યે જ આવી પહોંચ્યા. એમની સાથે વાત કરતાં કરતાં જાણવા મળ્યું કે તેઓ 75 વર્ષની ઉંમરે પણ એવું માને છે કે એમણે દરરોજ કંઈક નવું શીખવાનું છે. સાથે જ એમણે મારા પર વિશ્વાસ મૂકતાં કહ્યું, "તમે મારી સમસ્યાનો હલ લાવી આપશો. મારા મિત્ર મને યોગ્ય વ્યક્તિ પાસે લઈ આવ્યા એ માટે હું એમનો આભારી છું."
પોતાનાથી ઘણી નાની વ્યક્તિમાં વિશ્વાસ મૂકનાર અને વિચારોમાં ખૂબ જ સ્પષ્ટતા ધરાવતા આ વડીલથી હું ઘણી પ્રભાવિત થઈ. એમનાથી વિપરીત, મને એવા ઘણા લોકો, ખાસ કરીને સેલિબ્રિટીઝ, મળ્યા છે, જેમણે મને નાનકડા કામ માટે કલાકો સુધી બેસાડી રાખી હોય. જ્યારે પૈસા કમાવાની વાત હોય ત્યારે તેઓ કોઈને રાહ જોવડાવતા નથી, પરંતુ કોઈ સારા કામમાં સહકાર માટે ગયા હોઈએ તો ઘણી વાર સુધી રાહ જોતા બેસી રહેવું પડે.
મારી પાસે એવા ઘણા લોકો આવે છે, જેમને કામ પડ્યું હોય, પરંતુ જ્યારે ફી આપવાનો સમય આવે ત્યારે તેઓ એ નાનકડી વાત પણ યાદ રાખતા નથી. એક વખત તો એક વ્યક્તિએ પોતાના પિતા માટે જે કોઈ પણ સારવારની જરૂર હોય એ કરી આપવાની વાત કરી, પરંતુ બે મહિના સુધી પૂછ્યું નહીં કે એમણે કેટલી ફી ચૂકવવાની છે.
મારા ઘણા અનુભવોના આધારે મને લાગે છે કે ભગવાન કૃષ્ણના શરણે જઈને આપણે દરરોજ નૈતિકતાથી પરિપૂર્ણ અને સકારાત્મક અભિગમ સાથે કામ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આપણે નાના, પરંતુ મહત્ત્વના ફેરફારો કરીને આ દુનિયાને વધુ સારી બનાવી શકીએ છીએ.
આપણું શરીર રોજેરોજ કેટલાય ફેરફારો કરે છે. શરીરમાં રોજના કરોડો કોષોનું નવસર્જન થતું હશે. કોષ ભલે નાના હોય, પરંતુ એમના બધા ફેરફારો આપણું જીવન ટકાવી રાખે છે. આ એક જ વાત આપણામાં સકારાત્મકતા અને આશાવાદ લાવવા માટે સમર્થ છે.
Comments
Post a Comment