જીવનમાં પ્રેમ હોય અને વિકાસ કરવાની ભાવના હોય તો બધું સારું જ થાય છે

 જીવનમાં પ્રેમ હોય અને વિકાસ કરવાની ભાવના હોય તો બધું સારું જ થાય છે  

 

'યે ઇશ્ક હાય, બૈઠે બિઠાયે જન્નત દિખાયે.....'એવું 'જબ વી મેટ' ફિલ્મનું સુપ્રસિદ્ધ ગીત છે. આ ગીત મને ઘણું ગમે છે. પ્રેમીઓ એકબીજાના સાંનિધ્યમાં હોય ત્યારે એમને બધે જન્નત એટલે કે સ્વર્ગ જ દેખાતું હોય છે. ટૂંકમાં, મનમાં પ્રેમની ભાવના બળવાન હોય ત્યારે બધું સારું જ લાગતું હોય છે. આવા વખતે જીવનમાં ઉત્સાહ અને ઉમંગ વધે છે.

અહીં એક બીજું વાક્ય પણ યાદ આવે છેઃ 'જીવન ફક્ત પસાર નહીં, કરો, જીવનમાં વિકાસ કરતા રહો.' આ બન્ને વાક્યોને અનુલક્ષીને કહી શકાય કે જીવનમાં પ્રેમ હોય અને વિકાસ કરવાની ભાવના હોય તો બધું સારું જ થાય છે. પ્રેમ અને વિકાસની ભાવનાને લીધે જ્યારે સફળતા મળે છે ત્યારે એનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે.

મને આ વાત પરથી એવો વિચાર આવે છે કે જીવનની દરેક પળ જો આવી જ સુંદર હોય તો કેવું!  

પ્રેમની વાત આવે ત્યારે રાધા-કૃષ્ણ યાદ આવ્યા વગર રહેતાં નથી. મનુષ્યજગતમાં કોઈએ રાધા-કૃષ્ણ જેટલો પ્રેમ કરી શક્યું નથી. રાધા-કૃષ્ણે બીજાઓ માટે ઘણો ભોગ આપ્યો હતો. રાધા સૂર્યનાં ભક્ત હતાં. તેઓ દરરોજ સવારે ઊગમણી દિશામાં જળ ચડાવતાં. કૃષ્ણ જ્યારે રાક્ષસોનો નાશ કરવા માટે પશ્ચિમ તરફ ગયા ત્યારે રાધા પશ્ચિમ દિશામાં ઠંડું જળ ચડાવતાં. ગોપીઓએ એમને પૂછ્યું કે સૂર્યને તો પૂર્વમાં જળ ચડાવવાનું હોય છે, તેઓ પશ્ચિમમાં કેમ જળ રેડે છે. રાધાએ જવાબ આપ્યો, "કૃષ્ણ પશ્ચિમ દિશામાં ગયા છે અને તેઓ ઘણું ચાલતા હશે તેથી એમનાં ચરણો પર હું ઠંડા જળનો અભિષેક કરું છું, જેથી એમનો થાક ઊતરે." રાધા-કૃષ્ણ જેવો આ પ્રેમ આજના જમાનામાં કોણ કરી શકે? આજકાલ પ્રેમમાં બલિદાન આપવાની કોઈની તૈયારી નથી.  

વર્તમાન જગતમાં પણ અનેક દૂષણો છે, જેનો નાશ કરવાની જરૂર છે. લોકો હવે ઘણા 'પ્રેક્ટિકલ' થઈ ગયા છે; લાગણીઓ ઘટી ગઈ છે. સાસુ-વહુના ઝઘડા, બે પેઢીઓ વચ્ચેના અંતરને લીધે થતા મતભેદ, નિરર્થક ક્રિયાકાંડ, કાળાંનાં ધોળાં કરવાં, આતંકવાદ, વગેરે અનેક સમસ્યાઓ છે. આજે લોકો કંઈક પામવા માટે ઝઝૂમવાનું ભૂલી ગયા છે. આથી જ આત્મહત્યાઓનું પ્રમાણ અને લગ્નજીવનમાં ભંગાણ પડવાનું પ્રમાણ વધી ગયું છે.  

બીજી બાજુ, હું જેમની સાથે કામ કરું છું એ શ્રવણમંદ બાળકો જીવનમાં પ્રગતિ-વિકાસ કરવાની હોંશ ધરાવતાં હોય છે. એમની સાથે કામ કરીને મને ઘણી પ્રેરણા મળે છે. એ જ કાર્ય કરતાં કરતાં હું આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પણ પ્રાપ્ત કરી શકી છું. આ બાળકોમાં સકારાત્મકતા ઘણી હોય છે. એમને જોઈને બીજો વિચાર એ પણ આવે છે કે ઢગલાબંધ પુસ્તકોમાં ભરાયેલા જ્ઞાન જેટલું જ મહત્ત્વ એમની પાસેથી મળતી પ્રેરણાનું છે. જો આ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે કામ કરવામાં આવે તો આપણે પણ એ પ્રેરણા મેળવી શકીએ છીએ. પોતાના માટે સારામાં સારું કાર્ય કરવું જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી બીજાઓ માટે નિઃસ્વાર્થપણે સારામાં સારું કરવાનું છે.  

આપણને જરૂર પડી હોય ત્યારે જેમણે મદદ કરી હોય એવા લોકોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. તેઓ જ આપણા ખરા મિત્ર-સગાં કહેવાય. આજના યુવા વર્ગે પોતાનાં માતાપિતાના અનુભવોમાંથી શીખવું જોઈએ.  

આ જીવન ટ્રેનના પ્રવાસ જેવું છે. દરેક સ્ટેશનની કોઈકને કોઈક વિશેષતા હોય છે. એમાં કંઈક જોવાનું, ખાવાનું અને અનુભવવાનું હોય છે. જીવન પ્રત્યે આ દૃષ્ટિ રાખીએ તો ઘણો આનંદ, તાજગી પ્રાપ્ત થાય છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...