પાનખરમાં ખર્યા બાદ વસંતમાં ઉમંગભેર ઊગવાની કળા દરેક મનુષ્યે શીખવાની છે
પાનખરમાં ખર્યા બાદ વસંતમાં ઉમંગભેર ઊગવાની કળા દરેક મનુષ્યે શીખવાની છે
ભગવાને આપણને વિવિધતાભરી ઋતુઓ આપેલી છે. તમે બધાં જ પુષ્પો ભલે ચૂંટી કાઢો, વસંતને આવતી રોકી શકો નહીં. પાનખરમાં તમે વૃક્ષોનાં પાંદડાંને ખરતાં રોકી શકો નહીં. ઋતુઓ અને એની ખાસિયતો દર્શાવે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. એટલું જ નહીં, પરિવર્તનમાં પણ સુંદરતા રહેલી છે. સાથે બીજો પણ એ બોધ મળે છે કે દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરીને ચાલવું જોઈએ. પાનખરમાં ખર્યા બાદ વસંતમાં ઉમંગભેર ઊગવાની કળા દરેક મનુષ્યે શીખવાની છે. ઈશ્વરે કુદરત મારફતે આપેલો આ બોધ જો સમજી લઈએ તો આપણું જીવન કેટલું બદલાઈ જાય એ વિચાર કરવા જેવી બાબત છે.
આપણે નાનપણથી જ ભગવાન કૃષ્ણની લીલાઓ વિશે સાંભળતાં આવ્યા છીએ. તેઓ આપણા યુવા વર્ગ માટે આદર્શ છે. કૃષ્ણને બાળપણમાં ઘણી સમસ્યાઓ નડી હતી, પરંતુ તેઓ સર્વ અનિષ્ટોનો નાશ કરીને આગળ વધ્યા. એમણે અધર્મના વિનાશ માટે અવતારો ધારણ કર્યા. એમણે પોતાના જીવન દ્વારા આપણને ધર્મના પાઠ ભણાવ્યા છે. એમણે શીખવ્યું છે કે આપણે પોતાના પ્રત્યે, પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને દરેક કાર્ય પ્રામાણિકતાપૂર્વક કરવું જોઈએ.
આજે એમ કહેવાનું મન થાય છે કે જ્યારે પણ કંઈ ખોટું થતું દેખાય ત્યારે એની સામે અવાજ ઉઠાવતા ડરવું જોઈએ નહીં. સાથે જ આસપાસ મનુષ્યોમાં દેખાતું ઝેર દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
કોઈ પણ કામ કરતી વખતે જો આત્મસમ્માન હોય તો ઘણો ફરક પડે છે. ભારતીય મૂળના ઋષિ સુનાક હવે બ્રિટનના વડા પ્રધાન છે. એમણે લોકોને પ્રામાણિકતા અને માનવતા દર્શાવી આપ્યા છે. આ બન્ને ગુણ દરેક ભારતીયમાં હજી પણ છે; ફક્ત એના વિશે સભાન થવાની જરૂર છે. સુનાક એક વખત ચૂંટણીમાં હારી ગયા હતા, પરંતુ એમણે સકારાત્મક અભિગમ અપનાવ્યો, જેનું પરિણામ એ આવ્યું કે તેઓ જેમની સામે હારી ગયા હતા એમને જનતાએ જાકારો આપ્યો અને તેઓ પોતે વડા પ્રધાન બની શક્યા. જો તેઓ ચૂંટણીમાં હારી ગયા બાદ મનથી હારી ગયા હોત તો આજે જ્યાં છે ત્યાં સુધી પહોંચી શક્યા ન હોત.
સકારાત્મકતાનું ફળ હું મારા જીવનમાં પણ જોઈ રહી છું. ખરાબ અનુભવોને ભૂલીને સારા અનુભવો વાગોળતાં વાગોળતાં હું અહીં સુધી પહોંચી છું. ઈશ્વરનો પાડ માનીને હું નમ્રપણે મારું કાર્ય આ જ રીતે વધારવા માગું છું.
Comments
Post a Comment