જીવનમાં બુદ્ધિ અને શાણપણનું સંતુલન રહેવું જરૂરી
જીવનમાં બુદ્ધિ અને શાણપણનું સંતુલન રહેવું જરૂરી
ભગવાને આ સૃષ્ટિમાં એકલા મનુષ્યને વિચાર કરવાની અદભુત ક્ષમતા આપેલી છે. જેઓ શિક્ષણ ક્ષેત્રમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધે છે એમને સામાન્ય ભાષામાં બૌદ્ધિક કહેવામાં આવે છે. આ જ ભણતરને કારણે તેઓ આર્થિક રીતે સાધન-સંપન્ન બની શકે છે અને વ્યવસાયમાં તથા કામકાજમાં કુશળ હોય છે. બીજી બાજુ એવા પણ લોકો હોય છે જેઓ લાગણીશીલ હોય છે. તેઓ આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે વધુ આગળ હોય છે. સામાન્ય રીતે એ પણ જોવામાં આવ્યું છે કે શૈક્ષણિક રીતે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ સમજદાર હોય એવું જરૂરી નથી અને જેઓ સમજદાર છે તેઓ શૈક્ષણિક રીતે બૌદ્ધિક હોય એવું પણ જરૂરી નથી. બુદ્ધિ અને શાણપણ બંને એક જ વ્યક્તિમાં હોય એવું ઘણું ઓછું જોવા મળે છે. એવા લોકો પોતાની વ્યાવસાયિક અને વ્યવહારિક કુશળતાની સાથે સાથે જીવનમાં આધ્યાત્મિકતા અને લાગણીશીલતા પણ ધરાવતા હોય છે. ભગવાન કૃષ્ણ આપણા માટે આદર્શ છે, કારણ કે એમનામાં બુદ્ધિ અને શાણપણ બંને ભરપૂર પ્રમાણમાં હતાં. સમગ્ર સૃષ્ટિને નવી નજરે જોવાની આવડત કૃષ્ણના જીવન પરથી જાણવા મળે છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને રાક્ષસોનો ખાતમો કેવી રીતે કરવો એની સાથે સાથે રાક્ષસોને સારા કેવી રીતે બનાવવા એ પણ તેઓ જાણતા હતા. ભગવાન કૃષ્ણે વર્ણવેલી ભગવદ્ ગીતા આજે આ સૃષ્ટિમાં સમગ્ર માનવ જાતિનો આધાર છે. બાળક જ્યારે ચાલવાનું શીખતું હોય છે ત્યારે એ ઘણી વખત પડી જાય છે અને એને વાગી જાય છે પરંતુ વાલીઓ એ સમયે પણ ખુશ થતાં હોય છે, કારણ કે એમનું બાળક કંઈક નવું શીખી રહ્યું હોય છે અને જીવનમાં આગળ વધી રહ્યું હોય છે. જીવનમાં સકારાત્મક બાજુ જોવી જોઈએ એનું આ એક સારું ઉદાહરણ છે. આપણે પોતાનાં બાળકોને પણ આવી જ રીતે આશાવાદી બનતાં શીખવવાની જરૂર છે. આવી સમજ કોઈપણ વ્યક્તિમાં આપોઆપ આવે એ સહેલું નથી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ભૂલો કરી કરીને જ શીખે છે. બીજાઓ સાથે સંવાદ સાદીને પણ ઘણું જાણવા મળે છે. જો કે, શાણપણ એ માહિતી અને જ્ઞાન કરતાં પણ વધુ આગળની વસ્તુ છે. આથી જ કહેવાનું કે યુવા પેઢીને જ્ઞાનની સાથે સાથે સમજણ અને શાણપણ મળે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. મનુષ્યમાં જો કરુણા ન હોય તો બુદ્ધિ પણ નકામી છે. ઇતિહાસ સાક્ષી છે કે ઘણા લોકોએ બીજાઓને સતાવવા માટે - વિધ્વંસ કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. બુદ્ધિ વગર સમાજ વિકસે નહીં એ વાત સાચી છે, પરંતુ સમજણ અને શાણપણ વગર એ ટકે નહીં એ વાત પણ એટલી જ સાચી છે. આથી જીવનમાં બુદ્ધિ અને શાણપણનું સંતુલન રહેવું જરૂરી છે.
Comments
Post a Comment