ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણને પ્રેમનો અનુભવ કરાવે છે

 ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણને પ્રેમનો અનુભવ કરાવે છે  

 

પ્રેમનું ઊંડાણ આપણી સમજથી પર હોય છે. કૃષ્ણે કહ્યું છે કે પ્રેમની શરૂઆત કરુણાથી થાય છે. તમારા પ્રિયજનને ભગવાનની કૃપાથી દુનિયાનાં તમામ સુખ પ્રાપ્ત થાય એવી ભાવના એટલે પ્રેમ. મનુષ્ય પ્રેમથી વિકસિત થાય છે, જ્યારે ઈચ્છાઓ એના વિકાસની મર્યાદાઓ બાંધી દે છે. આજકાલ સ્વાર્થને લીધે લોકો પ્રેમનો ખરો અર્થ વિસરી ગયા છે. આ કળિયુગમાં આપણે ખરા પ્રેમને વિકસાવીને એનો અનુભવ કરવાની જરૂર છે. એ પ્રેમ કરુણા, નૈતિક ટેકો, હૂંફ, વગેરે અનેક સ્વરૂપે હોઈ શકે છે.  

પ્રેમને જાતીયતા સાથે જોડવો એ એક મોટી ભૂલ છે. પરસ્પર જાતીયતા નહીં, પરંતુ એકબીજાનું માન રાખવું અને સમજણ વિકસાવવી એ પ્રેમ છે. રાધા-કૃષ્ણનું એક જ વિશ્વ છે અને તેઓ ખરા પ્રેમનાં પ્રતીક છે. રાધાએ સાચા પ્રેમ વિશે કહ્યું છે કે પ્રેમ બે વ્યક્તિઓના આત્મા વચ્ચેનો એવો નાતો છે, જે તોડી શકાતો નથી. પ્રેમ શાશ્વત હોય છે.  

મીરાંબાઈ પણ કૃષ્ણભક્ત હતાં. એમને કોઈકે પ્રેમ વિશે પૂછ્યું તો એમણે કહ્યું, "હું કૃષ્ણને કારણે છું." આમ, મીરાંએ પોતાનું સમગ્ર અસ્તિત્વ વિસારે પાડી દીધું હતું અને કૃષ્ણનું શરણ લીધું હતું.  

હું જ્યારે પણ મારી આસપાસ કરુણા જોઈ છું ત્યારે મને કૃષ્ણના આશીર્વાદની અનુભૂતિ થાય છે. ખરા પ્રેમને માપી શકાતો નથી કે એની તુલના કરી શકાતી નથી. એનો તો ફક્ત અનુભવ કરાતો હોય છે. પ્રેમ કરવાનો હોતો નથી, થઈ જાય છે. આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, માતાનો સંતાનો પ્રત્યેનો પ્રેમ, પોતાના કાર્ય, શિક્ષણ, વ્યવસાય, જીવનસાથી, પરિવાર, સમુદાય, દેશ એ બધા સાથેનો આપણો પ્રેમ જાણીજોઈને કરવામાં આવતો નથી, એ તો થઈ જાય છે. જેને આપણે હૃદયથી શુદ્ધ ભાવે અનુભવી શકીએ એ પ્રેમ. આપણે જાત્રાએ ગયા હોઈએ ત્યારે બધા લોકો ભગવાનને હૃદયમાં બિરાજમાન કરીને ચાલતા હોય એવો અનુભવ થતો હોય છે. ભાવિકો એમ જ વિચારતા હોય છે કે ભગવાન અહીં આપણી વચ્ચે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણને પ્રેમનો અનુભવ કરાવે છે.  

માતા બનતાં પહેલાં મહિલાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રસૂતિ સુખરૂપ પાર પડે ત્યારે મહિલાનો બીજો જન્મ થયો હોવાનું કહેવાય છે. આમ છતાં, કોઈ મહિલા સંતાનપ્રાપ્તિના સુખ માટે એ બધું સહન કરી લે છે. એ જ રીતે ઈશ્વરપ્રાપ્તિના સુખ માટે સંસારનાં અનેક દુઃખોને હસતાં હસતાં સહન કરવાનાં હોય છે. જે રીતે માતા પોતાના સંતાન પાછળ ખોવાઈ જતી હોય છે એ જ રીતે આપણે ઈશ્વર પાછળ ખોવાઈ જવાની જરૂર હોય છે.  

શેક્સપિયરે કહ્યું છે કે ખરા પ્રેમનો અનુભવ કરવા માટે દરેકે સ્વની ઓળખ કરવી જરૂરી છે. તમે શું સારું કાર્ય કરી શકો છો અને તમારી ક્ષમતાઓ કેટલી છે એ જાણવું આવશ્યક છે. હું જે શ્રવણમંદ બાળકો સાથે કામ કરું છું તેઓ આપણને શીખવે છે કે જીવનની સકારાત્મક બાજુ પર લક્ષ કેન્દ્રીત કરવું જોઈએ. એક દિવસ હું આવા જ એક બાળક સાથે મારી ક્લિનિકમાં વાત કરી રહી હતી. એ છોકરો કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યો હતો. એનાં માતાપિતા એના અભ્યાસથી ખુશ ન હતાં. આથી મેં નજીકમાં રહેતી અને ભણવામાં હોંશિયાર એવી એક છોકરી સાથે એની વાતચીત કરાવવા એ છોકરીને બોલાવી. છોકરીએ વાત પૂરી થયા બાદ મને કહ્યું કે મેં બોલાવી એટલે એ બીજાં કામ પડતાં મૂકીને આવી હતી. એનું આ સમર્પણ અને નિષ્ઠા દાદ આપવા લાયક હતાં.  

આજે દુનિયામાં અસલામતીની સમસ્યા ઘણી મોટી છે. એની પાછળનું એક કારણ પ્રેમનો અભાવ છે. મેં ક્યાંક વાંચ્યું છે કે જ્યાં સુધી તમે આ દુનિયામાં બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખશો ત્યાં સુધી ઈશ્વરની સાથે સંધાન સાધી નહીં શકાય. ભગવાન નિર્મળ છે અને પ્રેમનો પ્રસાર કરે છે તેથી એના ભક્તોએ પણ આ જ ગુણ વિકસાવવા જોઈએ. ભગવાનને પામવા માટે નિઃસ્વાર્થ પ્રેમ ખૂબ જ જરૂરી છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...