દિવ્યાંગો ઈશ્વરના ખરા ભક્ત કહેવાય

 દિવ્યાંગો ઈશ્વરના ખરા ભક્ત કહેવાય  

 

દરેક છોડ વૃદ્ધિનું પ્રતીક હોય છે. એને પૂરતું પાણી યોગ્ય જમીન અને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તો એ વૃદ્ધિ પામે છે. મનુષ્ય પણ વૃદ્ધિનું પ્રતીક છે. એ ફક્ત શારીરિક રીતે નહીં, પરંતુ માનસિક રીતે પણ વૃદ્ધિ પામે છે.

શારીરિકની સાથે સાથે માનસિક વૃદ્ધિ થાય એ બહુ જ જરૂરી છે. ભગવાન કૃષ્ણે પોતાના અવતાર દ્વારા મનુષ્યને વિકાસવાની એટલે કે વૃદ્ધિ કરવાની જરૂરિયાત સમજાવી છે. એમણે કર્મ અને ધર્મ દ્વારા વૃદ્ધિ પામવાનો માર્ગ દર્શાવ્યો છે.

મેં ક્યાંક વાંચ્યું છે કે બદલાતા સમયની સાથે સાથે તાલ મિલાવવામાં આવે તો જ વિકાસ શક્ય બને છે. ભગવાન કૃષ્ણની લીલાઓ તેમનો વિકાસ દર્શાવે છે. તેમના બાળપણની મસ્તીઓ કરવાથી માંડીને ભગવદગીતાના સ્વરૂપે અર્જુનને બોધ આપવા સુધીની સફરમાં વિકાસ જ જોઈ શકાય છે.

મનુષ્યના વિકાસ માટે એટલું ચોક્કસ કહી શકાય કે હસતું મો રાખીને સકારાત્મકતા સાથે પડકારોનો સામનો કરતાં રહીને ચોક્કસપણે વિકાસ કરી શકાય છે.

થોડા વખત પહેલાં એક લગ્નલાયક યુવતી સાથે ફ્લાઈટમાં મારી મુલાકાત થઈ. અમે એકબીજાને વિશે ઘણી બધી માહિતીની આપ લે કરી. એણે પોતાના સારા અને નરસા બધા અનુભવો મને કહ્યા. એની વાતચીત પરથી મને એટલું સમજાયું કે જીવનના નકારાત્મક બનાવોની એના માનસપટ પર ઘણી ગંભીર અસર થઈ હતી. એને કારણે કારકિર્દી, બીજા લોકો સાથેના સંબંધો અને જીવનની મહત્ત્વાકાંક્ષાઓ એ બધું ખોવાઈ ગયું હતું. કડવા અનુભવોને લીધે એ નિર્ણયો લેવામાં અચકાતી હતી અને હંમેશાં અસલામતી અને ચિંતાની લાગણી અનુભવતી હતી. એની બધી વાતો મેં ધ્યાનપૂર્વક સાંભળી અને એને સૂચન કર્યું કે જે જે સકારાત્મક ઘટનાઓ બની છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને શું જીવનને આગળ વધારી શકાય એમ નથી? આ વાત એને સ્પર્શી ગઈ અને એણે ચોક્કસપણે સકારાત્મકતા અપનાવવાનું નક્કી કર્યું.

દરેક મનુષ્યની જેમ મારા જીવનમાં પણ અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ ભગવાન કૃષ્ણમાં અડગ આસ્થા રાખીને હું સારાં કર્મો કરતી રહી છું અને એને કારણે મારું જીવન સરળતાપૂર્વક ચાલી રહ્યું હોય એવું મને લાગે છે. આ જ અભિગમને લીધે મારી વૃદ્ધિ થઈ શકે છે. હું જ્યારે દિવ્યાંગ બાળકોને જોઉં છું ત્યારે મને મારા જીવનના પડકારો ઘણા જ નાના લાગે છે. દિવ્યાંગો ઈશ્વરના ખરા ભક્ત કહેવાય, કારણ કે ઈશ્વરે એમને જે આપ્યું છે એનો સ્વીકાર કરીને તેઓ પોતાના વિકાસ માટે સતત પ્રયાસ કરતા રહે છે. સકારાત્મકતાનું તેઓ ખૂબ જ સારું ઉદાહરણ છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...