મનુષ્યને વિકસવા માટે શેની જરૂર છે?

 મનુષ્યને વિકસવા માટે શેની જરૂર છે


છોડને વિકસવા માટે હવા, પાણી અને યોગ્ય જમીન મળે એટલું પૂરતું હોય છે. એ એની ઈશ્વરદત્ત પ્રકૃતિ મુજબ વિકસે છે. મનુષ્યને વિકસવા માટે ભગવાને બીજા બધા જીવો કરતાં વધુ શક્તિ-ક્ષમતા આપી છે. આમ છતાં મેં એવા ઘણા લોકો જોયા છે, જેઓ શરીરે વધે છે, પરંતુ એમની માનસિક ક્ષમતા બાળકો જેટલી જ હોય છે. એમનું વર્તન બધાને સ્વીકાર્ય હોતું નથી.  

ભગવાન કૃષ્ણે મનુષ્યો માટે કહ્યું છે કે કર્મ અને ધર્મનું પાલન કરીને થતો વિકાસ અગત્યનો છે. કૃષ્ણના જીવનના અલગ અલગ તબક્કે કરવામાં આવેલી લીલાઓ પરથી આ વાતનો પરિચય થાય છે. એમના વ્યવહાર કહો કે કર્મ કહો, એમાં એક વાત ઊડીને આંખે વળગે છે કે એમણે હંમેશાં જવાબદારીપૂર્વક અને પોતાના ધર્મ-કર્તવ્ય અનુસાર કામ કર્યું. એમણે પ્રતિકૂળતાઓનો સહજતાથી સ્વીકાર કર્યો અને હસતાં હસતાં પડકારોનો સામનો કર્યો. એમનું વર્તન એટલે સકારાત્મકતાનું પ્રતીક.  

મારા જીવનમાં પણ અનેક પડકારો-અવરોધો આવ્યા છે, પરંતુ ભગવાન કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા હોવાથી મારું જીવન આસાન બની ગયું છે. હું અપંગ બાળકોને અવરોધો પાર કરતાં જોઉં છું ત્યારે મને મારા પડકારો ઘણા નાના લાગે છે. આપણો દરેકનો વિકાસ સકારાત્મકતાભર્યો હોવો જોઈએ. કોઈકે સાચું જ કહ્યું છે કે પાછા વળીને જોવું ન પડે અને અફસોસ ન થાય એવું આપણું જીવન હોવું જોઈએ. આ જીવનને ચાહીને આપણે એમાં યોગ્ય દિશામાં વિકસવાની જરૂર છે.  

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અનેક કુદરતી ઘટનાઓ બને છે અને બીજી અનેક સૂક્ષ્મ પ્રક્રિયાઓ પણ સતત ચાલતી હોય છે. જો કે, મનુષ્યના જીવનમાં અનેક કૃત્રિમ ઘટનાઓ આકાર લેતી હોય છે. મનુષ્ય કુદરતી રીતે જીવવાને બદલે કચરો કરવો, પશુઓને મારી નાખવાં, વૃક્ષોનું નિકંદન કાઢવું, વગેરે પ્રવૃત્તિઓ કરીને નુકસાન કરે છે. બીજાઓનું અનુકરણ કરવું એ પણ અનિચ્છનીય છે, કારણ કે એ પ્રવૃત્તિ આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. બીજાઓની સાથે તુલના કરવાથી આપણી માનસિક ક્ષમતા કુંઠિત થઈ જાય છે. આવામાં માનસિક બીમારીઓ પેદા થાય છે. ખરી રીતે જોઈએ તો, મનુષ્યને વિકસવા માટે જીવનને નવી દૃષ્ટિએ મૂલવવા માટેના અલગ દૃષ્ટિકોણની જરૂર પડે છે. માનવસર્જિત કોઈ પણ બાબત કાયમી નથી. એ બધું જ બદલી શકાય છે. આથી, આપણે પોતે પણ વિકસવા માટે દૃષ્ટિકોણમાં ફેરફાર કરવો જોઈએ. હું માનું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને વિકસવું, ફ્લેક્સિબિલિટી રાખવી અને સકારાત્મક દૃષ્ટિકોણ રાખવો એ ખૂબ જ જરૂરી છે. તમે પ્રયત્ન કરી જુઓ, એમાં સફળતા નક્કી મળશે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...