'ચંદ્રયાન-3'ની સફળતામાંથી કંઈ શીખવા જેવું છે?

 'ચંદ્રયાન-3'ની સફળતામાંથી કંઈ શીખવા જેવું છે? 


જીવનને સકારાત્મક દૃષ્ટિએ જોનારા લોકો આપણને ઘણી સારી સારી વાતો કહેતા હોય છે. "ભલે ગમે તે થાય હું તો ખૂબ મહેનત કરીશ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરીશ." "સમય ગમે તેટલો ખરાબ હોય, ગમે તેટલી મુશ્કેલીઓ આવે; હું મારા માર્ગ ઉપર અડગ રહીશ." આવા અનેક સંકલ્પો કરીને લોકો આગળ વધતા હોય છે અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ભારતે અગાઉ નિષ્ફળ પ્રયાસો કર્યા બાદ આખરે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતાર્યું. ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતરનારું વિશ્વનું આ પ્રથમ યાન છે.  
જીવનમાં સકારાત્મકતા, ખંત, મહેનત અને સંકલ્પ એ બધાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભારતના અવકાશી ખેડાણમાં ચંદ્રયાન3ની સફળતા સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. આપણે એ કાર્ય સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો તથા અન્ય કર્મચારીઓ અધિકારીઓને શ્રેય આપવું રહ્યું. એક વૈજ્ઞાનિક કાર્યમાં લોકોએ આટલી બધી રુચિ લીધી એ પણ ઘણા આનંદની વાત છે. માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વના લોકોએ ચંદ્રયાન-3ની સફળતાને બિરદાવી છે અને હરખ વ્યક્ત કર્યો છે. મનુષ્યના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવાની દિશામાં આ ઘણું મોટું પગલું છે. આપણા વડાપ્રધાને પણ પોતાના વક્તવ્યમાં કહ્યું છે કે પૃથ્વી પરના દરેક મનુષ્ય માટે ચંદ્રયાન-3નું મિશન ઉજવણીરૂપ છે. માત્ર ચંદ્ર નહીં બ્રહ્માંડનાં અનેક સ્થળોએ પહોંચવાની ઝંખના હવે વધુ તીવ્ર થઈ ગઈ છે અને સમગ્ર વિશ્વમાં સકારાત્મકતાનું વાતાવરણ રચાઈ ગયું છે. ચંદ્રયાન-3ના મિશનમાં અનેક મહિલા વૈજ્ઞાનિકોએ સિંહ(ણ)ફાળો આપ્યો એ ખૂબ જ ગૌરવની વાત છે. ઇસરોમાં દરેક વ્યક્તિએ ચંદ્રયાન-2ની નિષ્ફળતાને બાજુએ રાખીને, એમાંથી મળેલા બોધપાઠનો અમલ કરીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરી છે. ભલે ગમે તે થઈ જાય હું મારું લક્ષ્ય પાર પાડીશ એવો સંકલ્પ અહીં ફરી યાદ કરવા જેવો છે.  
થોડા સમય પહેલાં 26 વર્ષના એક યુવાન સાથે મારી મુલાકાત થઈ. એ પોતાની વાચાને લગતી તકલીફ માટે મારી પાસે આવ્યો હતો. અમે જ્યારે વાતચીત શરૂ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે બાળપણમાં એણે અનેક તકલીફોનો સામનો કર્યો હતો. એનાં માતા-પિતા વારંવાર ઝઘડા કરતાં અને છેવટે એમના છૂટાછેડા થયા. એના જીવનમાં સાવકા પિતા અને સાવકા ભાઈનો પ્રવેશ થયો. બીજી અનેક તકલીફોને કારણે એ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યો નહીં. લાંબા સમયથી એની મનોવૈજ્ઞાનિક સમસ્યાને સારવાર ચાલી રહી છે. મેં એને એની મનગમતી પ્રવૃત્તિ વિશે અને ભાવિ આયોજન વિશે પૂછ્યું, તો એણે કહ્યું કે એને ખેલકૂદ ગમે છે અને વાંચન પણ પ્રિય છે. એ અભિનય જેવી અનેક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. હું મારી શક્તિઓનો સારામાં સારું ઉપયોગ કરતો રહીશ, એવું એણે ભારપૂર્વક કહ્યું. સાથે સાથે પોતાની સમસ્યા વિશે જણાવ્યું કે એને વ્યગ્રતા-અજંપાની તકલીફ રહે છે અને એને લીધે બોલવામાં તકલીફ થઈ રહી છે. આ સમસ્યાને કેવી રીતે દૂર કરવી એ જાણવા એ છોકરો મારી પાસે આવ્યો હતો. હું એની પ્રામાણિકતાને સલામ કરું છું. પોતાની સમસ્યા દૂર કરવા માટેનો એનો સંકલ્પ પણ ઘણો મજબૂત છે. એના દાખલા ઉપરથી કહેવાનું કે ઘણીવાર આપણે નાનકડી મુલાકાતના આધારે કોઈના વિશે અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ, પરંતુ હકીકતમાં એ વ્યક્તિ સાથે જ્યારે ઊંડાણપૂર્વક વાત કરીએ ત્યારે એના વ્યક્તિત્વનો ખરો પરિચય થાય છે.  
ભગવાન કૃષ્ણે પણ અર્જુન સાથે જ્યારે સંવાદ કર્યો ત્યારે ઘણી બધી વાતો બહાર આવી અને એના પરથી આપણને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ છે. આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનમાં તકલીફો આવી ન હોય. દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે એનો મુકાબલો કરવાનો હોય છે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં આ જ ઉપદેશ આપે છે. તો ચાલો, આપણા પોતાના અનુભવ અને ભગવાનના ઉપદેશને ધ્યાનમાં રાખીને જીવનમાં પડકારોનો સામનો કરતાં કરતાં આગળ વધવાનો દૃઢ નિશ્ચય કરીએ. ચંદ્રયાન-3 જેવી સિદ્ધિ આપણને પણ પ્રાપ્ત થાય એવી શુભકામના.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...