જે કોઈ કામ કરો, પ્રેમથી કરો
જે કોઈ કામ કરો, પ્રેમથી કરો
પ્રેમ માત્ર અનુભવી શકાય છે. જે લોકોએ તેનો અનુભવ કર્યો છે તેમનો આ મત છે. જ્યારે તમે તમારા જેવા વાસ્તવિક જીવનના લોકો સાથે જોડાઓ છો, ત્યારે સામાન્ય રીતે તમારું હૃદય ઝડપથી ધબકવા લાગે છે અને નવી સંવેદના જન્મે છે અને અચાનક નિકટતાનો અનુભવ થાય છે. એ જ રીતે, આપણી મનગમતી પ્રવૃત્તિ આપણને એક નવી સંવેદના આપે છે; એક અલગ ઊર્જા આપે છે, અને આપણે જીવનને અલગ રીતે જોવાનું શરૂ કરીએ છીએ.
એવું માનવામાં આવે છે કે પ્રથમ પ્રેમ ભુલાતો નથી. તેવી જ રીતે, એક જુસ્સો જે તમને ખૂબ જ આનંદ અને જીવનની અનુભૂતિ આપે છે, એને તમે ક્યારેય ભૂલી શકતા નથી. હું મારા વિશે વાત કરું. જ્યારે હું નાની હતી ત્યારે નૃત્ય મારો શોખ હતો. મેં મારા શિક્ષણની સાથે ભરતનાટ્યમ, કથક અને લોકનૃત્યનો અભ્યાસ કર્યો. જોકે, મેડિકલ ફિલ્ડમાં આવ્યા પછી મારા પરિવાર અને વિવિધ જવાબદારીઓએ મારે ડાન્સ કરવાનું બંધ કરવાની ફરજ પડી. તેમ છતાં, જ્યારે પણ મને તણાવ નિવારકની જરૂર હોય છે, ત્યારે પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે છે કેટલાક સારા સંગીત પર નૃત્યનો આનંદ માણવો. હા, આપણે જે કરવાનું પસંદ કરીએ છીએ તે ભૂલી જતા નથી.
હું એક પરિષદ માટે સિંગાપોર ગઈ હતી, જ્યાં સમગ્ર ભારતમાંથી 40 ઓડિયોલોજિસ્ટ હાજર હતા. અમે અમારી પ્રેક્ટિસની ચર્ચા કરતા હતા અને અમારા ક્લિનિકમાં કેવી રીતે કામ કરીએ છીએ તે વિશેની માહિતીની આપ-લે કરતા હતા. અમારામાંથી કેટલાક લોકો આરામથી કામ કરતા હતા, બીજા કેટલાક લોકો ભવિષ્ય વિશે તણાવમાં હતા, અને વધુ કેટલાકને ખબર ન હતી કે તેઓ ખરેખર સ્પર્ધા કરવા માગે છે કે નહીં. શું પોતાની પ્રૅક્ટિસ નૈતિક રીતે અને સિદ્ધાંતો અનુસાર ચલાવવી જોઈએ કે પછી પૈસા કમાવા માટે શોર્ટકટનો ઉપયોગ કરવો જોઈએ? એ પ્રશ્નો ચર્ચામાં હતા. પરિષદ દરમિયાન અમારી સાથે સિંગાપોરના એક વક્તા હતા, જેઓ 30 વર્ષથી વધુ સમયથી ઑડિયોલોજી ક્ષેત્રે કામ કરી રહ્યા હતા. તેઓ સફળ પ્રેક્ટિસ ધરાવે છે. એમણે જણાવ્યું, "હું શ્રવણયંત્રો વેચવાની પ્રૅક્ટિસ કરતો નથી; હું લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રૅક્ટિસ કરું છું." એ વ્યક્તિની વાતથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. માણસ બરોબર સાંભળતો થઈ જાય તો એની જીવનની ગુણવત્તા આપોઆપ સુધરી જાય છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે.
તેમણે ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું, "આપણે શ્રવણશક્તિની ખામી ધરાવતા લોકોના મનોવિજ્ઞાનને સમજવું પડશે. સામાન્ય રીતે આવા લોકો એ હકીકતને અવગણવા માગે છે કે તેમને સાંભળવાની ખોટ છે. તેઓ અન્યને કહેવાની હિંમત ધરાવતા નથી કે તેમને સાંભળવાની ખોટ છે. તેઓ સ્વીકારે છે, પરંતુ તેઓ લોકોની મદદ લેવા માગતા નથી."
એ અનુભવના આધારે હું કહી શકું છું કે દરેક વ્યક્તિ જો પોતાના કાર્યક્ષેત્રને પ્રેમ કરતી હશે તો એમાં ઉત્તમ કામગીરી કરી શકશે. સાથે જ, એમનો હેતુ લોકોને મદદરૂપ થવાનો હોવો જોઈએ. બીજાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારાઓને લોકો હંમેશાં યાદ રાખતા હોય છે.
માતાપિતાનો ઉત્સાહ જોઈને બાળકના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે. માતા-પિતા હૂંફ આપે છે ત્યારે બાળકને લાગે છે કે તેઓ એમના હાથમાં ખૂબ સુરક્ષિત છે. આ જ હૂંફ અને સ્નેહ એમને જીવનના પડકારોનો સામનો કરવાની તાકાત આપે છે.
ભગવાન કૃષ્ણના પિતા અને સાચા માર્ગદર્શક નંદને એકવાર પૂછવામાં આવ્યું, "તમારો છોકરો, ભગવાન કૃષ્ણ, એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવે છે. તે માત્ર સાત વર્ષનો છે; એણે હાથી જેમ કમળનું ફૂલ ઝાલે છે એમ ગોવર્ધન પર્વત ઉંચક્યો છે. એણે અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. એની આ ચમત્કારિક શક્તિને લીધે લોકો એના તરફ આકર્ષાય છે." નંદ બાબાએ કહ્યું, જ્યારે ગર્ગ મુનિએ કૃષ્ણનો નામકરણ વિધિ કર્યો ત્યારે કહ્યું હતું કે આ છોકરો બ્રહ્માંડમાં વિવિધ ખાસિયતો અને નામો સાથે તથા વિવિધ ગુણો અને પ્રવૃત્તિઓ સાથે આવ્યો છે. એ જીવનની તમામ મુશ્કેલીઓને આનંદમય બનાવી દેશે. આ છોકરો પ્રામાણિક માણસોને અપ્રમાણિક ચોરોથી બચાવશે. એ જેમના સંપર્કમાં આવશે તેઓ પોતાના દુશ્મનોથી ક્યારેય પરાજિત થશે નહીં.
ભગવાન કૃષ્ણની આસપાસના દરેકને લાગતું કે જે સુંદર અને દયાળુ છે ભગવાન કૃષ્ણ આપણું રક્ષણ કરશે. આજે કળિયુગમાં પણ આપણને કૃષ્ણ વિશે આટલી શ્રદ્ધા છે.
આમ, માતાપિતા અને ભગવાન પ્રત્યેનો પ્રેમ તથા પોતે જે કોઈ કામ કરતા હોઈએ એના પ્રત્યેનો પ્રેમ ગજબનો ઉત્સાહ અને ઉમંગ આપે છે તથા પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. આપણને ખબર છે કે એ બધાને આપણે પ્રેમ કરીએ છીએ. આ જ પ્રેમ જીવનનો રસ છે.
----------------------------
Comments
Post a Comment