જીવનમાં સ્વયંશિસ્તનું મહત્ત્વ
જીવનમાં સ્વયંશિસ્તનું મહત્ત્વ
રાબેતા મુજબના શિક્ષણથી જીવનમાં વિકાસ થાય છે અને વધુ સારું જીવન જીવવાનું શક્ય બને છે. જો કે સ્વયં શિસ્ત હોય તો મનુષ્યનું ભવિષ્ય ઘણું વધારે ઉજ્જવળ બની શકે છે. આપણાં વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા હોય એ ખૂબ જ આવશ્યક છે. આપણે ઘણી એવી ખ્યાતનામ વ્યક્તિઓ જોઈએ છીએ, જેઓ જાહેરખબરોમાં ચમકે છે પરંતુ એમનું વાસ્તવિક જીવન સાવ અલગ જ પ્રકારનું હોય છે. આવા લોકો સમાજમાં આદર્શ બનીને ફરે છે, પરંતુ એમના જીવનમાં ઘણા વિરોધાભાસ હોય છે. હકીકતમાં તો એમણે પોતાની પ્રાથમિકતાઓ અને મૂલ્યો સમજવાં જોઈએ.
થોડા દિવસ પહેલાં 26 વર્ષનો એક યુવક મારી પાસે આવ્યો હતો. એ બોલવામાં થોથવાય છે. એણે અનુસ્નાતક સ્તર સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે અને અત્યારે નોકરી કરી રહ્યો છે. એમાં એણે દર ત્રણ મહિને એક મૌખિક પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હોય છે. છેલ્લા થોડા વખતથી એ મારી પાસે માર્ગદર્શન લેવા આવે છે અને હું એની વાચા વધુ સરળ અને સ્પષ્ટ બને એ માટે એને કેટલાક વ્યાયામ શીખવી રહી છું. થોડા જ દિવસોમાં એણે એક પ્રેઝન્ટેશન કરવાનું હોવાથી એ ઘણો નર્વસ હતો. મેં એને પૂછ્યું કે તું જે પ્રેઝન્ટેશન કરવાનો છે એટલી માહિતી તારા શ્રોતાઓમાંથી કોઈની પાસે છે ખરી? એને કહ્યું, "ના." તરત જ મેં કહ્યું, "તો પછી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તું જે બોલવાનો છે એના વિશે કોઈને ખબર નથી. એનો અર્થ એ થયો કે તારી પાસેથી એમને એ વસ્તુ જાણવા મળશે. આથી મારું સૂચન એ જ છે કે તું જે કામ કરી રહ્યો છે એ સારામાં સારું કર અને પ્રેમપૂર્વક કર. તારું કામ સારું હશે તો એ જાતે બોલશે. તને શારીરિક કોઈ જ ખામી નથી. તું બીજાઓ જેટલો જ નોર્મલ માણસ છે અને તું પણ બધાની જેમ સ્પષ્ટ રીતે અસ્ખલિત બોલી શકે છે.
પોતાની પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવાને કારણે માણસ ઘણી વાર હેરાન થતો હોય છે. બીજાઓના દબાણમાં કે પ્રભાવમાં આવી જઈને લોકો પોતાનું મૂલ્ય ઓછું કરી નાખતા હોય છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા, વગેરે બધી જ વિભૂતિઓના જીવનમાં અનેક સમસ્યાઓ આવી હતી, પરંતુ એમણે સ્વયં શિસ્ત અપનાવી અને પોતાનો માર્ગ પ્રશસ્ત કર્યો. એમણે ક્યારેય બીજાઓ સાથે પોતાની તુલના કરી નહીં અને પોતાનું કામ ઉત્તમ હોય એની દરકાર કરી. એમની પ્રાથમિકતાઓ પણ સ્પષ્ટ હતી. આવા નિષ્ઠાવાન અને સમર્પિત લોકો આપણને ઘણી પ્રેરણા પૂરી પાડે છે. ફિલ્મી કલાકારો કે એવી કેટલીક હસ્તીઓને નહીં, પરંતુ આવી વિભૂતિઓને આપણે આદર્શ માનવા જોઈએ.
આપણો દેશ ભગવાન રામ અને કૃષ્ણનો છે. એમણે આપણને શીખવ્યું છે કે દરેકે પોતાના કર્તવ્ય-ધર્મનું પાલન કરવું જોઈએ. મેં ક્યાંક વાંચ્યું છે કે સ્વયં વિશે સમજણ કેળવવામાં આવે તો આત્મસન્માન વધે છે અને જીવનમાં વધુ સુખ પ્રાપ્ત કરી શકાય છે. મને જાણવા મળેલી જીવનની કેટલીક મૂલ્યવાન વાતો આજે અહીં રજૂ કરું છું:
તમને વિકાસ કરવામાં મદદરૂપ થાય, પ્રેરણા આપે કે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે એવા લોકો સાથે જ રહેવું. વખત આવ્યે એ લોકો તમને મદદ કરશે અને જીવનના ઉતાર-ચડાવમાં તમારી સાથે રહેશે.
તમે ભરેલાં પગલાંની જવાબદારી તમારી જ હોય છે. ક્યારેય બીજાઓ ઉપર દોષારોપણ કરવું નહીં. પડકારોને જાતે કેવી રીતે પહોંચી વળવા એનો વિચાર કરવો.
ક્યાંક કહેવાયું છે કે જો તમે અરીસામાં પોતાની જાતનો સામનો કરી શકો તો આ વિશ્વમાં તમે કોઈનો પણ મુકાબલો કરી શકો છો. આથી મનમાં નકારાત્મકતા, ઉદ્વેગ વિરોધાભાસ રાખ્યા વગર પારદર્શક બની રહેવું.
નિયમિતપણે વ્યાયામ કરવો. એનાથી આત્મવિશ્વાસ વધે છે અને શરીર તથા મન તંદુરસ્ત રહે છે.
સકારાત્મક બનવું. એનાથી ફક્ત પોતાનું નહીં, બીજા લોકોનું જીવન પણ સુધારી શકાય છે.
તમે બીજાઓ કરતાં અલગ છો અને તમારી પોતાની કેટલીક ખાસિયતો છે એ વિચાર કરીને આત્મવિશ્વાસ કેળવવો.
ભગવાનમાં શ્રદ્ધા રાખવી. એવું વિચારવું કે તમને માર્ગદર્શન આપવા માટે એ હંમેશાં તમારી સાથે હાજરાહજૂર છે.
Comments
Post a Comment