હૃદયપૂર્વકની પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક કરેલાં કાર્યોની ધારી અસર થાય છે

 હૃદયપૂર્વકની પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક  
કરેલાં કાર્યોની ધારી અસર થાય છે  


ક્યાંક મેં વાંચ્યું છે કે સાંભળવું એ ચુંબકીય બળ છે. જો તમે ઊંડો વિચાર કરો, તો તે ખરેખર સાચું છે. આપણા કેટલાક સારા ગાયકો, જેમ કે કિશોર કુમાર અને લતાજી પાસે સુમધુર કંઠ હતો અને આપણે બધા એમના અવાજથી આકર્ષિત થતાં. એમના અવસાન પછી આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ.  

32 વર્ષથી ઑડિયોલૉજિસ્ટ હોવાને કારણે મને લાગ્યું છે કે સાંભળવાની ક્રિયાનાં બે પાસાં છે. એક, તમે કાને સાંભળવું અને બે, હૃદયથી સાંભળવું.  જ્યારે તમે તમારા પ્રિયજનોની વાતો ત્યારે તમે તમારા હૃદયથી સાંભળો છો; અને તમે તમારા પોતાના તથા તમારા પ્રિયજનોના ભલા માટે સાંભળો છો.  

શ્રવણશક્તિની ખામી ધરાવતાં બાળકો સાથે મારે રોજ કામ પડે છે. મને લાગે છે કે તેઓ હંમેશાં ખુશ અને પ્રેરણાદાયી હોય છે, કારણ કે તેઓ આપણી જેમ તેમના કાન દ્વારા સાંભળતાં નથી, પરંતુ હૃદયથી સાંભળે છે. કલ્પના કરો કે જો આપણે તેમના જીવનમાં શ્રવણયંત્ર અથવા કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઉમેરીએ તો તેઓ કેટલું સારું સાંભળી શકશે.  

જ્યારે આપણે આ ખાસ પડકારવાળાં બાળકોને આપણા સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવીશ ત્યારે સમાજમાં કરુણાભાવ ખીલશે. તેમને દરરોજ સાંભળીને અને તેમની પાસેથી પ્રેરણા લઈને હું તેમના માટે સામાજિક જાગૃતિ લાવવા માટે એક પહેલ કરી રહી છું. શ્રવણશક્તિની વિકલાંગતા નજરે ચડતી નથી. આથી આપણે એના નિદાન માટે ખાસ પ્રયાસ કરવા પડતા હોય છે.  

આથી મેં આ વિષયે જાગરૂકતા લાવવા માટે બે ટૂંકી ફિલ્મો બનાવડાવી છે. એક ફિલ્મ શ્રવણશક્તિની ખામીનું વેળાસર નિદાન કરવાને લગતી છે અને બીજી ફિલ્મ બધિરોના પુનઃ વસનને લગતી છે. આપણે ટેક્નૉલૉજીની મદદથી પુનઃ વસન કેવી રીતે કરી શકીએ એનો પરિચય ફિલ્મમાં કરાવાયો છે.  

હું આશા રાખું છું કે આ બે ટૂંકી ફિલ્મો દ્વારા હું શ્રવણશક્તિની ખામી ધરાવતી વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીશ, ખાસ કરીને એવાં બધિર બાળકો કે જેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે અને આપણા જેવું સામાન્ય જીવન જીવી શકે.  

એવું કહેવાય છે કે જો તમે તમારા હૃદયના ઉંડાણમાંથી પ્રાર્થના કરો તો ભગવાન તમારું ચોક્કસ સાંભળે છે. જ્યારે હું આ ટૂંકી ફિલ્મો માટે કામ કરી રહી હતી ત્યારે એક ખૂબ જ અનોખી ઘટના બની. મારે એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જવાનું હતું અને બીજા કોઈએ બીજા સ્ટુડિયોમાં જવાનું છે એવી વાતો થઈ રહી હતી. પરિણામ એ આવ્યું કે હું ખોટા સ્ટુડિયોમાં પહોંચી ગઈ, જ્યાં ફિલ્મ માટે ડિઝાઇનનું કામ ચાલી રહ્યું હતું. હું અકસ્માતે ત્યાં પહોંચી હોવાથી, ડિરેક્ટરે મને કામ કેવી રીતે ચાલી રહ્યું છે તે જોવા વિનંતી કરી. ત્યાં એક છોકરો કામ કરતો હતો જે મને જોઈને ખુશ થઈ ગયો. એને મારી સાથે વાત કરવી હતી, પરંતુ થોડો સંકોચાતો હતો. દિગ્દર્શકે તેની સાથે મારો પરિચય કરાવ્યો અને કહ્યું કે હું લોકોની શ્રવણશક્તિની ખામી દૂર કરવામાં મદદ કરું છું.  

એ છોકરાએ મને ધીરે રહીને પૂછ્યું કે શું તે મારી સાથે પોતાના વિશે વાત કરી શકે છે. હું સમજી ગઈ કે એને વાણીની કેટલીક સમસ્યાઓ હતી અને સંભવતઃ સાંભળવામાં સમસ્યા હતી. એ અમારી પ્રથમ મીટિંગ હોવાથી, મેં કંઈપણ કહ્યું નહીં. તેણે સમજાવ્યું કે 15 વર્ષ પહેલાં તેને એક વાહને ટક્કર મારી હતી, જેના પરિણામે એક ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે એના બન્ને કાને સાંભળવામાં તકલીફ થતી હતી.  

એણે શ્રવણયંત્ર પહેર્યું હતું છતાં હજી બરોબર સંભળાતું નથી. મેં એની સ્પીચ ટેસ્ટ કરાવી અને જાણવા મળ્યું કે એના શ્રવણયંત્રનું ફિટિંગ આવશ્યકતા પ્રમાણે કરવામાં આવ્યું નથી. મેં એને વાસ્તવિકતા સમજાવી અને કહ્યું કે એની તકલીફનો ઈલાજ છે. આથી એનો આત્મવિશ્વાસ વધી ગયો. આ તો ઈશ્વરે આપેલો ફક્ત એક પરચો છે. મને આશા છે કે મેં બનાવડાવેલી બે ટૂંકી ફિલ્મો સમાજમાં શ્રવણશક્તિની ખામીને લગતી બાબતે જાગરૂકતા લાવશે અને આ છોકરા જેવા હજારો લોકોને લાભ થશે. વળી, ઘણાં બાળકોનો સમયસર ઈલાજ શરૂ થઈ જવાથી એમનું જીવન સુધરી જશે.  

અહીં એ પણ જણાવવું રહ્યું કે ટૂંકી ફિલ્મો બનાવવાના મારા વિચારને અનેક લોકોનું સમર્થન મળ્યું અને એમનો સાથ-સહકાર પણ મળ્યો. મારાં મિત્રો અને પરિવારજનોએ પણ એમાં ખૂબ જ મહેનત કરી છે.  

ભગવાને મને આ કાર્ય કરવા માટે આપેલી પ્રેરણા અને શક્તિ બદલ હું એમનો પાડ માનું છું. હૃદયપૂર્વકની પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક કરેલાં કાર્યોની ધારી અસર થયા વગર રહેતી નથી એ ફરી એક વખત અહીં પુરવાર થઈ ગયું છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...