આત્મવિશ્વાસ જીવનને સાચી દિશા દર્શાવે
આત્મવિશ્વાસ જીવનને સાચી દિશા દર્શાવે
કોઈ કામ અથવા વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ કરતાં જો આત્મવિશ્વાસ હોય તો જીવનને યોગ્ય દિશા મળવામાં મદદ મળે છે. આત્મવિશ્વાસ સાથે કરેલું કોઈપણ કામ જીવનમાં નવી ચીજો શીખવાડી જાય છે. વિશ્વાસ હોય એના કરતાં પણ આત્મવિશ્વાસ હોય એ વધારે મહત્વનું છે. તમને તમારી વાત પર, તમારા કામ પર વિશ્વાસ હોઈ શકે પણ આ વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે તમને જાત પર આત્મવિશ્વાસ હોય. આત્મવિશ્વાસ હોય એ જ જાત પર વિશ્વાસ રાખી શકે અને વિશ્વાસ સાથે આગળ વધી શકે. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો એ હોય તો જ તમે સામેવાળાને વિશ્વાસ અપાવી શકો નહીં તો તમારો ભરોસો કોઈ કરી ન શકે. નાનામાં નાની વાતમાં પણ વિશ્વાસની જરૂર પડે. તમારે ડૉગીને પણ રમાડવું હોય તો પહેલાં તમારે એને વિશ્વાસ દેવડાવવો પડે કે તમે એને નુકસાનકર્તા નથી. તમે એને સાચવશો અને તમે એની સાથે દગાબાજી નહીં કરો. તમારે ત્યાં કામ કરવા આવતી વ્યક્તિને પણ તમારે ભરોસો દેવડાવવો પડે છે, કૉન્ફિડન્સ આપવો પડે છે કે કામ કર્યા પછી તમે તેને પહેલી તારીખે તેની સૅલરી ચૂકવી દેશો. કૉન્ફિડન્સ આપી શકો તો જ તમે પ્રગતિ કરી શકો અને કૉન્ફિડન્સ આપી શકો તો જ તમે ટકી શકો.
વિશ્વાસ તમને સફળતાની ચરમસીમા પર લઈ જવાનું કામ કરે તો એ વિશ્વાસને અકબંધ રાખો. એને તોડવાની ભૂલ ક્યારેય કરતા નહીં. વિશ્વાસ જ્યારે તૂટે છે ત્યારે એ સહજ રીતે તમને વેરવિખેર કરી નાખે છે. વિશ્વાસ ક્યારેય તોડવો નહીં અને વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. મારા એક ફ્રેન્ડની એક વાત મને કાયમ યાદ આવે. તેના જ શબ્દોમાં તમને કહું તો ખોળામાં મસ્તક મૂકનારાના માથા પર હાથ ફેરવવો. ગરદન પર તલવાર ફેરવી દો અને બને કે તે જીવી ગયો તો યાદ રાખજો, એ તમને એટલી પણ તક નહીં આપે કે તમે બચાવ કરી શકો. ના, જરાય નહીં. સફળતા માટે વિશ્વાસ જરૂરી છે તો એ વિશ્વાસ એટલો જ મહત્ત્વનો છે સફળતાને અકબંધ રાખવા માટે.
જો સામેની વ્યક્તિને વિશ્વાસ આવશે તો જ એ ફળદાયી બનશે, પણ એની માટે જાત પર વિશ્વાસ રાખવો પડશે અને એ ક્યાંય તૂટે નહીં એનું ધ્યાન પણ રાખવું પડશે. મને લાગે છે કે વિશ્વાસ ત્યારે જ અકબંધ રહે જ્યારે પોતાના કામ પર શ્રદ્ધા હોય. જો તમને તમારા પર વિશ્વાસ હશે તો જ તમે એ વિશ્વાસને આગળ વધારી શકશો. તમે પોતે તમારી વાતમાં કન્ફ્યુઝ હશો તો તમને જાત પર વિશ્વાસ નહીં આવે. જો તમે પોતે તમારા પર ભરોસો નહીં કરો તો એ ભરોસો સામેની વ્યક્તિને પણ તમે આપી નહીં શકો. જો તમારે તમારી વાત મનાવવી હશે, સામેની વ્યક્તિને ભરોસો અપાવવો હશે તો તમારે જાત પર વિશ્વાસ રાખવો પડશે અને જાત પર વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે તમે તમારી ઇચ્છા મુજબનું કામ કરી રહ્યા હો અને ઇચ્છા મુજબનું કામ પણ ત્યારે જ કરવા મળે જ્યારે તમે તમારા કામ પ્રત્યે વિશ્વાસ ધરાવતા હો. આત્મવિશ્વાસ વધારવા માટે સકારાત્મક વિચારધારા ખૂબ જ આવશ્યક છે. જેમ શરીરમાં પ્રાણવાયુનું હોવું આવશ્યક છે, એટલું જ મહત્ત્વનું છે જીવનમાં આત્મવિશ્વાસનું હોવું ભલે કંઈ પણ થઈ જાય આત્મવિશ્વાસ કદાપિ ગુમાવવો નહીં. આત્મવિશ્વાસ વધારવા માટે છ મુખ્ય વાતને આપણે જીવનમાં દૃઢપણે ઉતારી લઈએ. સમર્થ સંકલ્પ સાથે એનું આચરણ કરીએ. પ્રથમ તો કોઈ પણ કામને માટે ના પાડશો નહીં. ભલે એ કામ તમને આવડતું હોય કે ન આવડતું હોય, પણ એ કામ માટે ઝંપલાવવું જરૂરી છે. ભલે નિષ્ફળ જઈએ, બીજી વખત, ત્રીજી વખત પરંતુ અંતે સફળતા અવશ્ય મળશે. બીજી વાત પોતાની સાથે વાત કરતા શીખો. “આ કામ હું જ કરી શકું છું, મારાથી જ થશે, હું નહીં કરું તો બીજું કોણ કરશે? પોતાની જાતમાં આત્મવિશ્વાસ કેળવો. હું સારું કામ કરી શકું છું અને પોતાને સાક્ષી બનીને એ કાર્ય કરતા નિહાળો.” અને ત્રીજી વાત છે : “તમને તમારા કાર્ય માટે જ્યારે આત્મવિશ્વાસની જરૂર હોય છે ત્યારે તમારા માતા-પિતા, શિક્ષક, મિત્ર અને શુભચિંતકો પાસેથી પ્રોત્સાહન મેળવો.” ચોથી વાત છેઃ “નકારાત્મક વિચારોવાળી વ્યક્તિથી હંમેશાં દૂર રહો, જે તમને તમારા કાર્યમાં નિરુત્સાહી બનાવે, તમારું મનોબળ ઘટાડે, તમારી મજાક ઉડાવે એવી વ્યક્તિઓથી દૂર રહો. એમની વાતો ધ્યામાં લેશો નહીં.” પાંચમી વાત : “અસફળતામાંથી પણ પ્રેરણા મેળવી આત્મવિશ્વાસનો ધ્વજ હાથમાંથી છોડશો નહીં. અસફળતા આપણને શીખવે છે કે, મારામાં કંઈ કસર રહી ગઈ એમાં મારે ક્યાં પરિવર્તન લાવવાનું છે, એને માટે કઈ રીત અપનાવવી જોઈએ ?
આમ અસફળતા આપણને ઘણું બધું શીખવીને આપણા અનુભવમાં વધારો કરે છે.” અને છેલ્લે છઠ્ઠી વાત : જ્યારે જ્યારે આત્મવિશ્વાસથી કામ કરવાનું હોય છે ત્યારે આત્માનો પિતા પરમાત્મા – ઈશ્વરનો સહારો અવશ્ય લો. “પરમાત્મા મારો સાથી છે અને આ સમર્થ સંકલ્પ જ તમારામાં આત્મવિશ્વાસ ભરશે અને પરમાત્માને સાથે રાખીને કાર્ય કરશો તો એકદમ સરળ કાર્ય બની જશે એટલે જ ગવાયું છે કે “હિંમતે મર્દા તો મદદે ખુદા” અર્થાત્ આત્મવિશ્વાસથી જ પરમાત્મા તમને મદદગાર બનશે. તમે એક કદમ ઉપાડો પરમાત્મા હજાર કદમ તમારી સાથે રહેશે.
આપણા રોજબરોજના જીવનમાં પ્રત્યેક સમર્થ સંકલ્પને જ પ્રવેશ આપો. નકારાત્મક વિચારોને દૂરથી જ નમસ્કાર કરો. સકારાત્મક વિચારોનું સ્વાગત કરો. ભલે બધું હારી જઈશ પરંતુ પરમાત્માએ વરદાનમાં આપેલ આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવીશ નહીં. કોને મહાપ્રભુજીમાં એટલી બધી શ્રદ્ધા હતી, અને મહાપ્રભુજીને કૃષ્ણમાં શ્રદ્ધા હતી કે તેમના ભક્તે પરિવર્તન કરવાનો નિર્ણય લીધો હતો અને તે પ્રયત્નોથી તે થઈ શકે છે. અહીં, મારી શ્રદ્ધા વ્યક્તિના જીવન અને અન્ય ઘણા લોકોના જીવન પર ખૂબ જ સકારાત્મક અસર કરી શકે છે. મહાપ્રભુજીની કૃષ્ણ પ્રત્યેની ભક્તિએ ઘણા જીવન પર અસર કરી છે.
હું મારા પોર્ટુગલના પ્રવાસે હતી ત્યારે મારી મુલાકાત એક ભારતીય સાથે થઈ હતી. ત્યાં તે સુપરવાઈઝરની નોકરી કરતો હતો. મારાથી રહેવાયું નહીં અને પૂછી લીધું કે તમે અહીં કેવી રીતે આવ્યા? તો તેણે કહ્યું કે મારી પાસે ફ્લાઈટમાં પ્રવાસ કરવા માટે પૈસા નથી અને હું વહાણના માધ્યમથી ઘણા દેશોમાંથી પસાર થઈને આવ્યો છું. હું મારા પરિવારમાં પરિવર્તન લાવવા માગું છું. હું તેમને નવી દિશા બતાવવા માગું છું. પાંચ વર્ષના સંઘર્ષ બાદ હું અહીં સુધી પહોંચી શક્યો છું. એક નાના ગામડામાંથી આટલા સુંદર દેશમાં પ્રવાસીઓને માર્ગદર્શન આપ્યા પછી હું ચોક્કસપણે વિશ્વાસની સાથે કહી શકું છું કે હું કરી શકું છે. મારા આત્મવિશ્વાસે મને અહીં સુધી પહોંચાડ્યો છે. તે ભારતીયની વાત સાંભળીને હું અવાચક થઈ ગઈ હતી. પ્રવાસ દરમિયાન વધુ એક ભારતીય સાથે મારી મુલાકાત થઈ. ત્યાં તે ડિલિવરી બોયનું કામ કતો હતો. તે પોતાના પરિવાર સાથે ભવિષ્ય માટે પોર્ટુગલ સ્થળાંતર થયો હતો. તેણે જણાવ્યું હતું કે, ઘણા સમયથી અહીં છું, હવે ભારત જવાનું મન થાય છે. મેં નક્કી કર્યું છે કે હું આવતા બહુ મહેનત કરીશ અને થોડા વધુ પૈસા કમાઈશ અને પાછો ભારત જઈશ. તેનો આ એટિટ્યુડ મને ગમ્યો. હિમ્મત, ઈચ્છા, જુસ્સો અને શિસ્ત તમે જ્યાં જવાનું વિચારો છો ત્યાં પહોંચાડી દેશે એ વાત મેં જાણી લીધી હતી.
પોર્ટુગલના મેયર પાસે વિશાળ રસ્તાઓ બનાવવાનું વિઝન હતું અને લોકોએ મુક્તપણે અવરજવર કરી શકે તે માટે ખાલી જગ્યાનું આયોજન કર્યું હતું. મુલાકાતીઓ ત્યાં મુસાફરીનો આનંદ માણે છે કારણ કે લોકો ભારે ટ્રાફિક અથવા પ્રદૂષણ વિના મુક્તપણે ફરી શકે છે. અહીં રેસ્ટોરન્ટ ચલાવતા એક ભારતીય કહે છે કે 90% વિદેશીઓ મારી રેસ્ટોરન્ટમાં ભારતીય ભોજન ખાવા આવે છે કારણ કે હું મારી ભારતીય સંસ્કૃતિ સાથે તેમનો સ્વાદ જાળવી રાખું છું. હું અહીંથી ભારતમાં બીજા ઘણા વ્યવસાયો કરું છું કારણ કે તે મને કનેક્ટેડ રાખે છે." આ વખતે, મુસાફરી કરતી વખતે, મને ખૂબ જ પ્રેરણા મળી. કદાચ મારી સકારાત્મકતાની સફર હવે શરૂ થઈ ગઈ છે, અને મેં એવા લોકો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે જેઓ આત્મવિશ્વાસ રાખે છે અને મુશ્કેલ ચીજો સામે પણ હું પણ કરી શકીશવાળો એટિટ્યૂડ રાખે છે.
Comments
Post a Comment