લેખનની આદત જીવન સુધારે
લેખનની આદત જીવન સુધારે
ઘણા લોકોને દરરોજ ડાયરી લખવાની આદત હોય છે. પોતાના વિચારો, યાદો, સપનાઓ ચિંતા અને ખુશીને કાગળ પર ઉચારે છે. ટૂંકમાં કહીએ તો લખવાની આદત તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે. કાગળ પર પોતાની ફીલિંગ્સને ઉતારી દેવામાં આવે તો આપણી ભાવનાઓની તીવ્રતા ઓછી થઈ જાય છે શાંતિ અનુભવાય છે તથા સકારાત્મક પરિવર્તનમાં પણ મદદ કરે છે. લખવાની આદત જીવનમાં સ્થિરતા અપાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ભગવદ્ ગીતાના રૂપે મનુષ્યોની સમસ્યાનું સમાધાન આજે પણ કરી રહ્યા છે. ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો આજની મોડર્ન સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ બને છે. લેખન એ ફક્ત અભિવ્યક્તિ વ્યક્ત કરવા પૂરતું જ નથી, પરંતુ જ્ઞાનનો ભંડાર છે. લેખક ફક્ત પ્રસંશા મેળવવાના હેતુથી નથી લખતા તે ફરજ સમજીને પોતાના વિચારો કાગળ પર ઊતારે છે જેથી ભવિષ્યમાં તેમની ટિપ્સ લોકોના કામમાં આવી શકે.
હાલમાં મારા પાસે ત્રણ વર્ષના બાળકના માતા-પિતા આવ્યા હતાં તેમના બાળકને સ્પીચ ક્લૅરિટી ઈશ્યુ હતો. પડકારોનો સામનો કરી રહેલું એ બાળક ચાલાકીથી તેના માતા-પિતા અને દાદા-દાદી પાસેથી પોતાનું કામ કરાવી લેતું હતું ત્યારે મેં તેમને સમજાવ્યું હતું કે લકવાગ્રસ્ત દરદીઓની સ્થિતિને સુધારવામાં મેં સફળતાપૂર્વક મદદ કરી છે જેમણે લેખન અને વાણી ગુમાવી દીધી હતી. જ્યારે તમે જમળા હાથથી લખો છો તો ડાબા મગજમાં ભાષા વિકસે છે અને જમણું મગજ તમારી રિધમને વધારે છે. નિયમિત લેખન મગજને ભાષાની સાથે ક્રિટિકલ થિંકિંગ જેવા કૌશલ્ય માટે સક્રિય રાખે છે તેથી બાળપણથી જ સારી લેખનને પ્રોત્સાહન આપવામાં આવે તો મગજની પ્રવૃત્તિ અને સ્થિરતા જળવાઈ રહે છે. હજુ એક કિસ્સો વરિષ્ઠ નાગરિકનો છે. એ મારા ક્લાયન્ટ હતાં અને એકલતા અનુભવી રહ્યા હતાં. તેમના ઘરમાં બધી સુવિધાઓ હોવા છતાં ઘરના લોકો તેમની સાથે સમય ફાળવી શકતા ન હોવાથી તેઓ નિરાશ રહેતા હતાં. આ સમસ્યાના મેં સરળ ઉપાય તરીકે મેં દરરોજ એક પાનું લખવાની સલાહ આપી. તે અખબારમાંથી કોપી કરેલું હોય કે પછી ધાર્મિક પુસ્તક સંબંધિત હોય કે પોતાની ફિલિંગ્સ હોય. મારા સૂચન બાદ તરત જ લોકડાઉન આવ્યું હતું. એક વર્ષ બાદ તેઓ ફરીથી મારા પાસે આવ્યા અને કહ્યું કે તેમણે દરરોજ રામ-રામ લખવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન એક લાખથી વધુ વાર લખ્યું છે અને આ દરમિયાન તેમને શાંતિની સાખે ખુશી પણ મળી હતી.
આજકાલ માર્કેટમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની ભરમાર વિચારશક્તિ પ્રભાવિત કરી રહી છે જે તેમના લેખનના કૌશલ્યમાં અવરોધ ઊભો કરે છે. દસ વર્ષના બાળકો બે લાઈન લખી શકતા નથી. મેં એ પણ નોંધ્યું છે કે જે લોકો લખવાનું પસંદ કરે છે તેઓ પોતાના અભ્યાસને માણે છે. માતૃભાષામાં લખવાથી વ્યક્તિની વિચારસરણી સમજવામાં મદદ મળે છે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરતી વખતે હું ખાસ તેમને કાગળ પર લખવાનું કહું છું જેથી હું તેમને સમજી શકું. હાથથી લખવામાં અને કોમ્પ્યુટકમાં ટાઈપ કરવામાં તફાવત છે તેથી હું લોકોને હાથેથી લખવાના સૂચનો આપું છું. લેખન તમારી બુદ્ધિને વિકસાવે છે એ વાતને સમજવી જોઈએ અને તેની આદત જીવનના દરેક તબક્કે યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ સાબિત થશે
Comments
Post a Comment