સકારાત્મક પરિવર્તન જીવન સફળ બનાવે
સકારાત્મક પરિવર્તન જીવન સફળ બનાવે
સફળ જીવન એટલે ભૂતકાળનો અફસોસ કર્યા વગર અને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવવું. આમ તો દરેક વ્યક્તિની સફળતાનો અલગ અલગ માપદંડ હોય છે. કોઈ માટે સફળતા એટલે મોટી ગાડી, મોટો બંગલો, નોકર ચાકર, બેંક બેલેન્સ હોય છે તો કોઈ માટે પ્રસિદ્ધિ હોય છે. જોકે, કેટલાક લોકો એવા પણ હોય છે જે બીજાના જીવનને સારું બનાવાની કોશિશ કરીને પોતાને સફળ માને છે. પરિવર્તન સંસારનો નિયમ છે એ પરમ સત્ય છે, પણ સકારાત્મક પરિવર્તન જીવનને સુંદરની સાથે સફળ બનાવે. પડકારો આવે છતાં પણ તમે સત્યની રાહ પર ચાલવાનું પસંદ કરીને જીવનને સાર્થક બનાવે એ વ્યક્તિને સાચા અર્થમાં સફળ કહી શકાય. ભારતીય વૈજ્ઞાનિકોને ચંદ્રયાન ટુની નિષ્ફળતા મળ્યા બાદ હિંમત હાર્યા વગર ચંદ્રયાન થ્રીની તૈયારી કરી હતી અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થતાં તેમના વિશ્વાસ અને મહેનતની ઐતિહાસિક જીત થઈ હતી અને આખી દુનિયાએ ભારતના આ પરાક્રમને વધાવ્યું હતું. આવી ઘટનાઓ જીવનને સકારાત્મકતા તરફ દોરે છે.
તાજેતરમાં હું એક યુવાનને મળી હતી તેને સ્પીચ ઈશ્યુ હતો. દરમિયાન મેં તેની સમસ્યાને સમજવાની કોશિશ કરી હતી. દરમિયાન મને જાણવા મળ્યું હતું કે, તેના માતા-પિતા વચ્ચે વારંવાર લડાઈઓ થતી હોવાથી તેમણે છુટાછેડા લઈ લીધા હતાં. તેના જીવનમાં સાવકા પિતા અને ભાઈની હાજરી હોવાથી બાળપણમાં આ બધી ચીજોને કારણે આઘાત લાગ્યો હતો. અનેક મુશ્કેલીઓને કારણે તેણે ભણતર પર અધૂરું મૂકી દીધું હતું. તે ઘણા વર્ષોથી સાઈકોલોજીકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો. આ બધુ જાણ્યા બાદ મેં તેને પૂછ્યું કે ભવિષ્યમાં તને શું કરવાની ઈચ્છા છે તો તેણે જવાબમાં જણાવ્યું હતું કે, હું મલ્ટિટેલેન્ટેડ છું. મને રમત ગમે છે, અભિનય કરી લઉં છું. ઘણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહું છું. હારીને બેસી રહેવું એ મારા સ્વભાવમાં ન હોવાથી હું મારી જાતને બદલવાના પૂરતા પ્રયાસો કરી રહ્યો છું. ચિંતાને કારણે સ્પીચ ઈશ્યુ હોવાથી તેનું સમાધાન તમે કરી આપશો? તેની નિખાલસતા અને પ્રામાણિકતા મારા માટે આશ્ચર્યજનક હતી. ઘણી વાર વ્યક્તિને જાણ્યા વગર ધારણા બનાવી લેવી મૂર્ખામી છે. તેથી તેને સૌથી પહેલા જાણવું જોઈએ. તેઓ વ્યક્તિગત રીતે કયા પ્રકારના સંઘર્ષનો સામનો કરતાં હોય એ જાણી લેવું જોઈએ. તેમનું હકારાત્મક વલણ તમને પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે.
ભગવદ્ ગીતામાં વર્ણવ્યું છે કે કેવી રીતે અર્જુન પોતાના પરિવારના સભ્યો અને તેમના નૈતિક સિદ્ધાંતોને નુકસાન ન પહોંચાડવાનો સ્પષ્ટ હેતુ તેની માટે મુશ્કેલીઓ ઉભી કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ સલાહ આપે છે કે વ્યક્તિએ આવા પડકારોથી ભાગવું, છટકી જવું અથવા છુપાવવું જોઈએ નહીં. આ જીવનમાં પડકારોનો સામનો કરવો અને તેનો સામનો કરવો એ જ સાચી સિદ્ધિ છે અને આ માત્ર આંતરિક શક્તિથી જ થઈ શકે છે. તે મહાકાવ્ય મહાભારતની સરખામણી વ્યક્તિના રોજબરોજના સંઘર્ષો સાથે કરે છે, જે કોઈ પણ કાર્ય કરે તેમાં હિંમત, સ્થિતિસ્થાપકતા, પ્રતિબદ્ધતા અને વફાદારીના મહત્વ પર ભાર મૂકે છે. કોઈની પ્રેરણાને ધ્યાનમાં લીધા વિના, અવિચળ ઊર્જા અને દ્રઢતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. ભગવાન જણાવે છે કે તેણે આપણને માનવ બનાવ્યા છે, પરંતુ માનવ બનવાની જવાબદારીઓ સાથે આવે છે.
Comments
Post a Comment