શીખવું હોય તો સાવજ પાસેથી શીખો

 શીખવું હોય તો સાવજ પાસેથી શીખો


સાડા ચાર થી વધારે વર્ષથી હું સકારાત્મકતા પર લેખો લખું છું અને મેં મારા લેખનના માધ્યમથી અન્યોના જીવનમાં પ્રેરણા મળે એવા પ્રયાસ કર્યા છે. લખવાની આ યાત્રાએ મને મારા અંદર અને મારા આસપાસ એક નવી જગ્યા આપી છે, એક એવી જગ્યા, જે મને અલગ રીતે વિચારવાની તક આપે છે. જીવનને ઊંડાણથી સમજવાની દ્રષ્ટિ આપે છે. પડકારો વગરનું જીવન જીવન ન કહેવાય એમ મારી જીવનમાં પણ પડકારો આવ્યા છે, પણ મેં તેને સકારાત્મકતા સાથે પાર કરવાના પ્રયાસ કર્યો છે.

મને હરવાફરવાનો બહુ શોખ છે અને આ મારી મનગમતી પ્રવૃત્તિ બની ગઈ છે. મને નવી જગ્યાઓ જોવી અને લોકોની વિવિધતા સમજવી ગમે છે. આફ્રિકન સફારીનો અનુભવ એ અનોખો હતો.

આમ તો મને સફારી કરવાનો ખાસ શોખ નહોતો,  પણ મિત્રોના આગ્રહ પર મેં આફ્રિકાની સફર માટે હા પાડી. અને ત્યાં જતાં જ મને એક નવી દુનિયાનો અનુભવ થયો. જેટલી અદભુત રીતે 100થી વધુ પ્રજાતિઓ એક જ જગ્યાએ રહે છે, તે જોઈને આશ્ચર્ય થયું. આ તમામ પ્રાણીઓ પોતાના અવકાશમાં સંપૂર્ણ સ્વતંત્રતા અને નિર્ભયતાથી જીવે છે. કોઈપણ પ્રકારના દબાણ કે અવરોધ વિના કુદરતના સાનિધ્યામાં અને તેના નિયમોને અધિન બિન્ધાસ્ત જીવન જીવી રહ્યા છે. આમાંથી મળતો સૌથી મોટો પાઠ એ છે કે સ્વતંત્ર અવકાશ જીવવા માટે કેટલી અગત્યની બાબત છે.

સફારી દરમિયાન અમે 70થી વધુ સિંહ જોયા. કેટલાક આરામ કરતાં હતા, તો કેટલાક એકબીજાને પ્રેમ કરતા હતા. કેટલાક તેના બચ્ચાને લાડ કરતા હતા તો કેટલાક ખોરાક માટે શોધમાં હતા. એક વાત સ્પષ્ટ હતી – આ સિંહો પોતાનું જીવન પોતાની રીતે જીવી રહ્યા હતા. તેઓ કોઈ માનવપ્રજાતિ કે અન્ય જીવ વિશે વિચારતા નહોતા. તેઓ માત્ર પોતાના કુદરતી અવકાશમાં તન્મયતા અનુભવી રહ્યા હતા. આ અવલોકનથી મનમાં પ્રશ્ન ઉદભવ્યો  આપણે શું શીખી રહ્યા છીએ? સાત દિવસની આ સફરમાં અમે લગભગ 75થી વધુ પ્રજાતિઓ જોઈ. દરેક પ્રજાતિનું વર્તન, સામૂહિક જીવનશૈલી, અનુશાસન અને સહઅસ્તિત્વની ભાવના ખરેખર શીખવા જેવી હતી. પ્રાણીઓ સાથે જીવવું, ખુદ માટે જગ્યા બનાવવી અને સમૂહમાં રહીને એકબીજાની મર્યાદા જાળવવી. આવા ધોરણો આજના માનવ સમાજ માટે પણ ઉપયોગી છે.

અમારા દરેક સફારીની શરૂઆત નવી ઉત્સુકતા સાથે થતી. ભલે દિવસભર ઘણા કિલોમીટર મુસાફરી કરીએ, પણ ક્યારેય થાક લાગતો ન હતો. દરેક વખતની સફરી વધુ રોમાંચક અને શીખવનાર બનતી. હિપ્પો જેવા પ્રાણીઓને જોયા, જે પાણીમાં જીવન જીવે છે અને પોતાના સમુદાય માટે લડે છે. તેમણે પ્રકૃતિમાં ઘણું ઉમેર્યું નથી કદાચ દુર્ગમ અવકાશ ઉભો કર્યો છે. પણ એમાંથી પણ શીખવા જેવું છે, શું આપણને પણ એવું બનવું જોઈએ?

આ પ્રજાતિઓએ મને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ અને બધા જીવ પ્રત્યેના સમભાવની યાદ અપાવી. ભગવદ ગીતાનું એક મૂળમંત્ર છે પ્રેમ. પ્રેમથી દરેક જાતિ ટકી શકે છે. જે પ્રકારે આફ્રિકન પ્રજાતિઓ સુમેળમાં રહે છે, તે આપણને પણ આપણું સ્થાન અને દિશા શોધવા માટે પ્રેરણા આપે છે. આપણે મનુષ્યો તરીકે ક્યારે સંતોષ માનશું? મને એ પણ સમજાયું કે આ પ્રાણીઓ પાસે ઘર નથી. તેમનું ઘર જંગલ છે. તેઓ કુદરતી પરિસ્થિતિઓ સાથે જીવવા શીખી ગયા છે. પોતાનું અને પરિવારનું રક્ષણ કરવું, બચ્ચાઓને હૂંફ આપવી અને જૂથમાં રહેવું એ બધા જીવનમૂલ્યો છે. આ પાઠો ખાસ કરીને આધુનિક સમાજમાં, જ્યાં આપણું અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીની વચ્ચે સંકુંચિત થઈ ગયું છે, ખુબ જ ઉપયોગી છે.

આ સફર મારા માટે માત્ર પ્રવાસ નહોતો તે એક આંતરિક યાત્રા બની. જેટલી જગ્યા મેં આ પ્રજાતિઓને જંગલમાં આપી જોઈ, એટલી જ જગ્યા મેં મારા મનમાં બનાવવાની તૈયારી શરૂ કરી. આશા છે કે તમે પણ આવી પ્રજાતિઓનું અવલોકન કરીને તમારા અંદર સકારાત્મક જગ્યા બનાવી શકશો. કારણ કે જ્યારે મનમાં જગ્યા હોય, ત્યારે દુનિયાને અલગ નજરે જોવું સરળ બની જાય છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...