સત્યની શોધમાં...

 સત્યની શોધમાં...


આજના વૈજ્ઞાનિક યુગમાં જ્યાં તુલના, સ્પર્ધા અને ખોટા આકર્ષણો છવાયેલા છે, ત્યાં સત્યની શોધ દુર્લભ બની ગઈ છે. છતાં, દરેક વ્યક્તિની અંતરાત્મા જાણે છે કે એક જ સત્ય છે  અને એ છે એક ડિવાઈન તત્ત્વનું અસ્તિત્વ એટલે કે ભગવાન છે, કોઈ ગમે તે દાવાઓ કરે પણ અનંતકાળ સુધી આ સત્ય એક જ રહવાનું છે. જે વ્યક્તિ ખરા મનથી સત્યની સેવા કરે છે, એ સુનિશ્ચિત રીતે તેને અનુભવે છે. સત્ય કોઈ વ્યક્તિગત માલિકીની વસ્તુ નથી, એ તો સર્વજનોની સંપત્તિ છે. એને વ્યાખ્યાઓમાં બાંધી શકાય નહિ. એ તો માત્ર અનુભવાય છે.

એક માતા પોતાના બાળકને જે નિશ્રય અને નિસ્વાર્થ પ્રેમ આપે છે એ પણ સત્ય છે. પણ જ્યારે આજના આડંબરયુક્ત સમાજમાં કેટલીક માતાઓ પોતાની છબી કે સોશિયલ જીવનને પ્રથમ સ્થાને મૂકે છે અને તેની અસર બાળકના ઉછેર પર પડે છે. આવા કેસમાં સત્યની વ્યાખ્યા બદલાઈ જાય છે. જે એક અસ્વાભાવિક જીવનદ્રષ્ટિની ઊપજ છે તેનો દેખાડો થાય છે.

આજની ઝડપી યુગમાં શિક્ષણનું મહત્વ સર્વેને અવિભાજ્ય લાગતું થયું છે, છતાં એ દરેક બાળક સુધી પહોંચતું નથી. કોઈ બાળક માતા-પિતાની નિષ્ઠાને લીધે ભણે છે, તો કોઈ પોતાની મહેનતથી આગળ વધીને માતા-પિતાનું નામ રોશન કરે છે. કેટલાક તક મળવા છતાં તેનુ મહત્ત્વ સમજી શકતા નથી. અહીં સત્ય એ છે કે શિક્ષણ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, પણ દરેકનો દૃષ્ટિકોણ એના પરિણામો નક્કી કરે છે.

મારા મિત્ર ગૌરાંગ દાસ પ્રભુ જે વૃંદાવનના સેવાભાવી વ્યક્તિ છે, તેમણે સૌલ ઓફ વ્રજના નામે એક અનોખી ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત તેમણે રસ્તા પર રહેતા અને અત્યંત ગરીબ બાળકો માટે એક પાર્ટટાઈમ સ્કૂલ શરૂ કરી છે. આ સ્કૂલમાં તેમને શાળામાં ભણાવાતું ભણતર નહીં પણ આધ્યાત્મિક જ્ઞાન આપીને જીવનના સત્યને સમજાવવાની પ્રયાસ કરવામાં આવે છે. તેમને આપણી સંસ્કૃતિ અને ભગવદ ગીતા શીખવવામાં આવે છે. આ બાળકો આજે જીવનને નવી દૃષ્ટિએ જુએ છે. અહીં પણ એક સુંદર સત્ય છે. શિક્ષણ માટે બંને પક્ષે સમર્પણ દર્શાવવું આવશ્યક છે.

સત્ય આજે દરેક જગ્યાએ છે, પણ આપણે તેને આપણી અનુકૂળતાને અનુકૂળ જીવીશું કે સાચી ભાવનાથી એ નક્કી કરે છે કે આપણે કેટલી ઊંડાઈથી જીવીએ છીએ. આજની તારીખામાં પણ ઘણા એવા બાળકો છે જેમની પાસે રહેવા માટે ઘર નથી. ફૂટપાથ પર જીવન વિતાવી રહ્યા છે. બે ટંક ભોજનની સાથે સાથે એજ્યુકેશન માટે જઝુમે છે અને જો એ મળી જાય તો તેમની લાઈફને ૩૬૦ ડિગ્રી ચેન્જ કરીને તેમના જેવા બાળકોનો વિકાસ થાય એ માટે મહેનત કરે છે. બીજી બાજુ, કંઈક બાળકો પાસે બધું હોય છતાં અધૂરા રહી જાય છે. આ જ બતાવે છે કે સાચું શિક્ષણ અને યોગ્ય દિશામાં વિચારશક્તિ કેટલા મહત્વની છે.

હમણાંના આધ્યાત્મિક સાહિત્ય મુજબ, સત્ય એ જીવંત, સતત પ્રવાહમાન તત્વ છે. કોઈ પ્રેમથી ભગવાન સુધી પહોંચે છે, કોઈ જ્ઞાનથી, કોઈ સાધનાથી પણ અંતે એ સત્ય સુધીની યાત્રા છે. સત્ય એ સ્થાન છે જ્યાં વિરુદ્ધતાઓ ભળી જાય છે જ્યાં એકતા થતી હોય છે. કુંભમેળો એનો જીવંત દાખલો છે. કહેવામાં આવે છે કે, "માયા કા દાસ હમેશા ઉદાસ, કૃષ્ણ કા દાસ સદા બિંદાસ." અર્થાત્, જે લોકો ભૌતિક સુખમાં ફસાયેલા છે, તેઓ સતત દુઃખી રહે છે. અને જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, તેઓ સ્વતંત્ર અને પ્રેમથી ભરેલું જીવન જીવે છે. એવા લોકો પોતામાં સત્ય જીવે છે. પોતે પણ પ્રકાશ આપે છે અને બીજાને પણ પ્રેરણા આપે છે.

સૂર્ય પ્રકાશ આપે છે, ચંદ્ર અંધારું દૂર કરે છે, તારાઓ રાતે દિશા આપે છે આ કુદરતી નિયમો સત્ય છે. એક પાઈન વૃક્ષ ક્યારેય ઓક થતું નથી આટલો સારો શીખ મળે છે કે આપણે પણ બીજાની તુલનામાં નહીં, પણ પોતાની અંદરની ક્ષમતા પ્રમાણે જ જીવન જીવવું જોઈએ.

સત્ય હંમેશા જીતી જાય છે એ સાબિત થયું છે. ભલે અંધકાર કઈ ક્ષણ માટે હાવી થાય, પણ અંતે પ્રકાશ જ વિજેતા બને છે. જે વ્યક્તિ સત્યને નબળાઈ માને છે, એ જીવંતતાની ઊંડાણમાં જઈ શકતો નથી. જ્યારે આપણે પોતાનાં જીવનમાં સત્યને સ્વીકારીએ છીએ, ત્યારે શાંતિ આવે છે, અને એક સ્પષ્ટતા મળે છે તમે કોણ બનવા માગો છો એ સમજાય છે. મન શાંત થાય છે, અને સત્ય એકાંતમાં પોતાનું સ્વરૂપ બતાવે છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...