સાંભળવું એ પ્રેમનું એક રૂપ જ છે
સાંભળવું એ પ્રેમનું એક રૂપ જ છે
જોશ ફાઉન્ડેશન દ્વારા, અમે મુંબઈમાં શ્રવણશક્તિ ગુમાવનાર બાળકો માટે ૧૬ વિશિષ્ટ શાળાઓને ટેકો આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં, અમારે આ શાળાઓમાં ૨,૦૦૦થી વધુ વંચિત બાળકોને મદદરૂપ બન્યા છીએ. દરેક બાળકને તેમની જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝ્ડ ડિજિટલ શ્રવણયંત્રો આપવામાં આવ્યા છે. ઉપરાંત, વર્ષમાં એકવાર અમે ખાસ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, જ્યાં અમે જાણીએ છીએ કે આ સાધનો દ્વારા બાળકોમાં કેટલી પ્રગતિ થઈ છે. તેમ છતાં, અમને એવું લાગ્યું કે ક્યાંક કંઈક અધૂરું રહી ગયું છે. એવી સમજણ ઉગતી ગઈ કે આ શાળાઓના શિક્ષકો માટે તાલીમ જરૂરી છે. તેથી, અમે તાજેતરમાં શ્રવણશક્તિ ગુમાવનારા બાળકોના શિક્ષકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કર્યું હતું અને તેને ચાર ભાગોમાં વહેંચાયું હતું. પ્રથમ વિભાગમાં, શિક્ષકોને તાજેતરના શ્રવણ નિદાન અને ટેકનોલોજીની વિસ્તૃત સમજ આપવામાં આવી.બીજા વિભાગમાં, ટેકનોલોજીથી પુનર્વસન કાર્યક્રમ કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય, એ અંગે ચર્ચા કરવામાં આવી.
ત્રીજા વિભાગમાં વિદેશી વિશેષજ્ઞે શિક્ષણમાં આવતા પડકારોનું વિશ્લેષણ અને તેના ઉકેલ અંગે માર્ગદર્શન આપ્યું. અને છેલ્લો વિભાગ મનોવિજ્ઞાની દ્વારા સંચાલિત હતો, જેમાં શિક્ષકોના ભાવનાત્મક અને સામાજિક પરિપ્રેક્ષ્યનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ થયું. સત્ર પૂર્ણ થયા બાદ, કેટલાક શિક્ષકોએ તેમના અનુભવ મારા સાથે શેર કર્યા જે મારા માટે અત્યંત હૃદયસ્પર્શી અને આંખ ઉઘાડનાર અનુભવ રહ્યો.
એક શિક્ષકે કહ્યું કે, "છેલ્લા ૧૫ વર્ષથી હું શ્રવણશક્તિ ગુમાવનારા બાળકો સાથે કાર્ય કરી રહ્યો છું, પણ આજ સુધી કોઈએ મારી મહેનતની કદર કરી નહોતી. આજે હું ટેકનોલોજી અને વ્યાવસાયિક ઉપચાર વિશે વધુ સમજી શક્યો. હવે મને લાગે છે કે શિક્ષણની પ્રક્રિયા સરળ બનાવી શકાય છે. મારી અંદર નવી ઊર્જા જન્મી છે. આ સત્રે મને પોતાનું મૂલ્યાંકન કરવા માટે પ્રેરણા આપી છે. આ પ્રેમભર્યું માર્ગદર્શન માટે આપનો ખુબ આભાર."
એ ક્ષણે મને સમજાયું કે માત્ર બાળકો જ નહિ, પણ શિક્ષકો, માતા-પિતા અને અન્ય સહાયક લોકો પણ એ જ ઈચ્છે છે કોઈ એમને ધીરજપૂર્વક સાંભળે. જેમ કહેવાય છે, "કોઈનો ઊંડો પ્રેમ તમારું જીવન અર્થપૂર્ણ બનાવી શકે છે, અને તમે કોઈને ઊંડા પ્રેમથી પ્રેમ કરો તો તમારામાં જીવનને વધુ સારી રીતે જીવવાની હિંમત ઉદ્ભવે છે." આ તાલીમ સત્ર પછી, અમને સમજાયું કે જ્યારે શિક્ષકોને પ્રેમ અને માન આપીએ, ત્યારે તેઓ વધુ આત્મવિશ્વાસથી અને ઉર્જાથી બાળકોને માર્ગદર્શન આપે છે. પ્રેમની અસર એટલી ઊંડી છે કે તે શિક્ષણની વ્યવસ્થાને પણ બદલી શકે છે. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે, હું આ સંદેશ દ્વારા દરેક એવા શિક્ષકને નમન કરું છું, જે સંવેદનશીલતા અને સમર્પણથી રોજે રોજ ખાસ બાળકોના જીવનમાં પ્રકાશ લાવે છે. શિક્ષકો ખરેખર શ્રેષ્ઠ શ્રોતા હોય છે.
જીવનમાં દરેકને એવા કોઈ વ્યક્તિની જરૂર પડે છે જે એમને સાંભળે.તે પછી ભગવાન હોય, માતા-પિતા હોય, બાળક, મિત્ર, નેતા કે કોઈ સાથીકર્મી. ક્યારેક, માત્ર સાંભળવાનું એક કાર્ય પણ જીવનમાં આશાનું દીપક બની શકે છે. આ અનુભવથી મને એ સમજાયું કે માનવતાવાદી કાર્ય એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કે માનવતાવાદી અભિગમ. ફક્ત નાણાંકીય સહાય પૂરતી નથી. ઘણી વખત કોઈની સમસ્યા ધ્યાનથી સાંભળવી એ સૌથી મોટી મદદ સાબિત થાય છે. શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન કૃષ્ણ છે, જેમણે મહાભારતના યુદ્ધમંથન વચ્ચે પણ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને પછી માર્ગદર્શન આપ્યું. એ જ શિખામણ આજે પણ અમને જીવનમાં દિશા આપે છે. અંતે, જો આપણે લોકોના દુઃખ, પડકારો, અને આશાઓને સાંભળી શકીએ, તો આપણે તેમને માત્ર મદદરૂપ જ ન બનીએ, પણ તેમનો આત્મવિશ્વાસ ઊભો કરવા માટે પણ એ એક મોટું પગલું બની શકે છે.
Comments
Post a Comment