જીવન જીવવાની સાચી કળા પ્રેમ આપવામાં છે

 જીવન જીવવાની સાચી કળા પ્રેમ આપવામાં છે

 પ્રેમઆ એક એવો શબ્દ છે જેની કોઈ એક વ્યાખ્યા નથી, પણ એનો અનુભવ અનંત છે. ભગવાન શ્રીકૃષ્ણના આઠમાં અવતારમાં પણ એ જ સંદેશ છુપાયેલો છે કે હૃદયમાં વહેતો પ્રેમ એ વિશ્વના તમામ દુઃખોની સર્વશ્રેષ્ઠ દવા છે. આપણે શારીરિક સ્વાસ્થ્ય માટે કસરત કરીએ છીએ, માનસિક શાંતિ માટે લાગણીઓ વ્યક્ત કરીએ છીએ, પરંતુ જો આત્મામાં પ્રેમનો દીવો ન પ્રગટાવ્યો હોય, તો બાકીના તમામ પ્રયત્નો નિરર્થક છે.

રાધા-કૃષ્ણનો આદર્શ અને આધુનિક યુગ પુરાણોમાં રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નિઃસ્વાર્થ અને પવિત્ર છે. રાધાએ કશું મેળવવા માટે પ્રેમ નથી કર્યો, પણ એમના પ્રેમની સકારાત્મક ઉર્જા આજે પણ યુગો પછી જીવંત છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે ક્યાંક આ જીવંત ઉર્જા ગુમાવી રહ્યા છીએ. આપણે સમજવું પડશે કે પ્રેમ એ માત્ર આપવાની ક્રિયા છે, લેવાની અપેક્ષા નથી.

સંતુલનનો અભાવ અને સંબંધોની કડવાશ જીવનમાં જ્યારે આપણે પ્રેમના વ્યવહારમાં સંતુલન ગુમાવીએ છીએ, ત્યારે સંબંધોમાં તિરાડ પડે છે. તાજેતરમાં મને એક એવી માતા મળી જેનો એક પુત્ર દિવ્યાંગ હતો અને બીજો સંપૂર્ણ સ્વસ્થ. માતાએ અજાણતા જ પોતાનો બધો પ્રેમ દિવ્યાંગ પુત્ર પાછળ રેડી દીધો. પરિણામે, મોટો પુત્ર પ્રેમથી વંચિત રહી ગયો અને આજે તે અલગ થઈ ગયો છે. પ્રેમ વહેંચવામાં સંતુલન હોવું ખૂબ જરૂરી છે.

આવું જ કંઈક લગ્નજીવનમાં પણ જોવા મળે છે. 45 થી 55 વર્ષની ઉંમરે જ્યારે સ્ત્રી 'મેનોપોઝ'ના તબક્કામાંથી પસાર થતી હોય, ત્યારે પુરુષ પોતાની કારકિર્દીના શિખરે હોય છે. જો આ સમયે પતિ પત્નીને પૂરતો સમય અને પ્રેમ ન આપે, તો સંબંધો વણસી શકે છે. જો આપણે એકબીજાના કપરા સમયમાં પડખે રહીએ, તો એ જ 'સિનર્જી' વૃદ્ધાવસ્થામાં પણ આપણને હુંફ આપે છે.

વ્યવસાયમાં પ્રેમનું પરિણામ મારા 33 વર્ષના પ્રોફેશનલ અનુભવમાં મેં જોયું છે કે જ્યારે તમે તમારા કામને પ્રેમ કરો છો, ત્યારે કુદરત તમને આશીર્વાદ આપે છે. સાંભળવાની ખામી ધરાવતા બાળકોને બોલતા અને પગભર થતા જોવા, એ જ મારો સાચો ખજાનો છે. નાથદ્વારામાં મને મળેલા એ બાળકો, જેમણે પોતાની સફળતા ગર્વથી બતાવી, તેમની આંખોમાં રહેલો આદર એ વાતની સાબિતી છે કે પ્રેમથી કરવામાં આવેલું કાર્ય ક્યારેય એળે જતું નથી.

સમર્પણ અને ભક્તિનો માર્ગ ગુરુ વેદવ્યાસ અને ભગવાન ગણપતિનો દાખલો આપણને સમર્પણ શીખવે છે. મહાભારત લખવા માટે ગણપતિની દસ દિવસની એકાગ્રતા અને વેદવ્યાસનું તેમના પ્રત્યેનું ધ્યાન એ પરસ્પરના પ્રેમનું પ્રતીક છે. તેવી જ રીતે, ગણેશજીએ માતા-પિતાની પ્રદક્ષિણા કરી એ સાબિત કર્યું કે સાચું બ્રહ્માંડ તો માતા-પિતાના પ્રેમમાં જ સમાયેલું છે.

નિષ્કર્ષ સોનાને ઓગાળીને દાગીના બને કે બીજમાંથી વૃક્ષ થાય, એ બધું એક પ્રક્રિયા છે. પણ પ્રેમ આ બધી પ્રક્રિયાઓથી પર છે. પ્રેમ રક્ષણ આપે છે, ડર ભગાવે છે અને એકલતા દૂર કરે છે. તાજેતરમાં મારી એક વાચક બહેને અકસ્માત બાદ પોતાની એકલતા અને ડરને માત્ર હકારાત્મક વિચારો અને પ્રેમ થકી હરાવ્યો.તમે જેટલો પ્રેમ વહેંચશો, તેનાથી અનેકગણો પ્રેમ તમને બ્રહ્માંડ પરત કરશે. યાદ રાખો, જ્યાં પ્રેમ છે, ત્યાં જ જીવન છે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...