સાઉન્ડ ઓફ લવ: પ્રેમનો નાદ અને સંવેદનાની ભાષા
સાઉન્ડ ઓફ લવ: પ્રેમનો નાદ અને સંવેદનાની ભાષા
આપણું માનવ મગજ અવાજ સાંભળે છે, તેનું અર્થઘટન કરે છે, તેને સમજે છે અને પછી તેને પોતાની રીતે વ્યક્ત કરે છે. આનો અર્થ એ થયો કે જો દરેક મનુષ્ય પ્રેમનો નાદ સાંભળે, તો દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રેમને અભિવ્યક્ત કરતા શીખી જશે. પ્રેમને કોઈ સીમાઓ નથી હોતી અને તેવી જ રીતે પ્રેમના નાદને પણ કોઈ બંધન નથી હોતું. મને હંમેશા એવું લાગે છે કે અવાજ પ્રત્યેનો પ્રેમ અને પ્રેમનો નાદ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. તાજેતરમાં, મારો સંપર્ક એવા ઘણા પુખ્ત દર્દીઓ સાથે થયો જેઓ ઓછું સાંભળવાની સમસ્યાથી પીડાતા હતા. આ એવા લોકો હતા જેમણે અવાજને સંપૂર્ણ રીતે ક્યારેય અનુભવ્યો જ નહોતો. પરિણામે, તેમની વાણી અસ્પષ્ટ હતી, તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો, તેઓ કામકાજમાં સંઘર્ષ કરી રહ્યા હતા અને બીજાથી અલગ હોવાની નકારાત્મક લાગણી અનુભવતા હતા. જેઓ સામાન્ય લોકોની સરખામણીએ ૯૫% જેટલો અવાજ સાંભળી શકતા નથી, તેઓ જીવનમાં માત્ર અવાજ જ નહીં, પણ બીજા પાસેથી મળતા પ્રેમ અને લાગણીને અનુભવવાની તક પણ ગુમાવી બેસે છે. અવાજ સાંભળવો એ માત્ર વાતચીત માટે જ નહીં, પણ પ્રેમ ફેલાવવા માટે પણ એટલો જ અનિવાર્ય છે. શ્રવણમંદ બાળકો સાથે કામ કરતા આ વર્ષો દરમિયાન મને આ વાત ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાઈ છે.
ભગવાન શ્રીકૃષ્ણની અનેક વાર્તાઓ છે, જેમાં તેઓ પોતાની વાંસળીના મધુર સૂરથી આસપાસના સૌને મંત્રમુગ્ધ કરી દેતા હતા. કૃષ્ણ પાસે છ અલગ-અલગ પ્રકારની વાંસળીઓ હતી, જેની રચના અને હેતુ વિશિષ્ટ હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સાત સૂર (સા, રે, ગા, મા, પ, ધ, ની) હોય છે, જ્યારે આઠમો સૂર એ ઊંચા સપ્તકનો 'સા' છે, જે સ્કેલ પૂર્ણ કરે છે. ભગવાન કૃષ્ણની વાંસળી આ આઠેય સૂરને સમાવી લેતી હતી, જે પૃથ્વી અને આધ્યાત્મિક જગતને જોડતા દૈવી સંગીતનું પ્રતીક છે.
કહેવાય છે કે જ્યારે વાંસળીનો પહેલો સૂર વાગતો ત્યારે બ્રહ્મા અને શિવનું ધ્યાન પણ ભંગ થઈ જતું અને અનંત દેવ શેષનાગ આનંદમાં આવીને ડોલવા લાગતા. બીજા સૂરે યમુના નદીના વહેણ થંભી જતા અને તે ઉલટી દિશામાં વહેવા લાગતી. ત્રીજા સૂરે આકાશમાં ચંદ્ર પણ સ્થિર થઈ જતો જેથી સમગ્ર બ્રહ્માંડ તેની શીતળતા માણી શકે. ચોથો સૂર કૃષ્ણ પોતાની ગાયોને બોલાવવા માટે વગાડતા, જે સાંભળીને ગાયો ચરવાનું છોડીને તરત જ તેમની પાસે દોડી આવતી.
પાંચમો સૂર ગોપીઓના હૃદયમાં ભક્તિ અને પ્રેમ ભરી દેતો. છઠ્ઠા સૂરે પથ્થરો પણ ઓગળવા લાગતા અને વૃંદાવનમાં પાનખરની વચ્ચે પણ વસંત ખીલી ઉઠતી. સાતમો સૂર તમામ ઋતુઓના તેજને પ્રગટ કરતો અને વૃંદાવનને સ્વર્ગ સમાન બનાવી દેતો. જ્યારે આઠમો સૂર માત્ર અને માત્ર રાધારાણી માટે સમર્પિત હતો, જે રાધાને કૃષ્ણ તરફ ખેંચી લાવતો અને તેમને દૈવી આનંદમાં તરબોળ કરી દેતો.
શ્રીકૃષ્ણ પાસે શ્રીમતી રાધારાણી માટે બે વિશેષ વાંસળીઓ પણ હતી. મદનઝંકાર અને સરલા. કૃષ્ણ, જેમને આપણે વેણુગોપાલ કે મુરલીધર કહીએ છીએ, તેમની વાંસળી દ્વારા એક જ સંદેશ આપતા હતા કે - આ સુંદર બ્રહ્માંડમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રેમનો નાદ અત્યંત જરૂરી છે.
કૃષ્ણની કથાઓ આપણને શીખવે છે કે મધુર સંગીત, શ્રદ્ધા અને સમર્પણ જ પ્રેમનો શુદ્ધ નાદ પેદા કરે છે. એક વાર્તા છે એક માંસ વેચનાર ભક્તની, જેણે એક સુંદર શાલિગ્રામ મેળવ્યો હતો. તે ભોળો ભક્ત શાલિગ્રામને પથ્થર સમજીને તેનાથી તોલમાપ કરતો. પણ તેની શ્રદ્ધા એવી હતી કે તે શાલિગ્રામ દરેક વસ્તુ મુજબ પોતાનું વજન બદલી નાખતો. જ્યારે એક ગુરુએ આ જોયું ત્યારે તેમણે ઠપકો આપ્યો કે, આ તો સાક્ષાત્ ભગવાન છે, તેને ત્રાજવામાં ન રખાય. ભક્તે ગુરુના કહેવાથી શાલિગ્રામ બાજુ પર મૂકી દીધો, પણ પછી તેની રોજીરોટી બંધ થઈ ગઈ. અંતે ભગવાને દર્શન આપીને કહ્યું કે, "તારી સાચી શ્રદ્ધા અને સમર્પણ એ જ મારો સાચો નાદ છે. વિધિવિધાન કરતાં તારો નિખાલસ પ્રેમ મને વધુ વહાલો છે.
બાળપણ અને વાલીઓની મથામણ
આજના સમયમાં આપણે ઘણીવાર પ્રેમના સાચા અર્થને ભૂલી જઈએ છીએ. તાજેતરમાં મારી પાસે વિદેશથી એક દંપતી તેમના અઢી વર્ષના બાળકને લઈને આવ્યું. બાળક બોલતું નહોતું. ઇન્ટરનેટ અને ગૂગલના અર્ધકચરા જ્ઞાનને લીધે તેમને ડર હતો કે બાળકને ઓટિઝમ છે. આ ડર અને નકારાત્મકતા એટલી વધી ગઈ હતી કે તેઓ બાળકના બાળપણને માણવાને બદલે તેનામાં ખામીઓ શોધવા લાગ્યા હતા.
મેં જ્યારે બાળકનું નિરીક્ષણ કર્યું ત્યારે સમજાયું કે તેનો જન્મ સમય પહેલાં થયો હોવાથી તેના વિકાસમાં થોડો વિલંબ હતો, જે સામાન્ય થેરાપીથી સુધરી શકે તેમ હતું. મેં માતા-પિતાને સલાહ આપી: બાળકમાં ખામીઓ શોધવાનું બંધ કરો અને તેની સાથે રમવાનું શરૂ કરો. માત્ર 'માતા-પિતા' બનો, ગૂગલના ડૉક્ટર નહીં. જ્યારે તમે તેને પ્રેમથી સ્વીકારશો, ત્યારે તે કુદરતી રીતે જ બોલવાનું શરૂ કરી દેશે.
સાચો પ્રેમ સ્વીકાર, ટેકો અને મુશ્કેલ સમયમાં પણ સાથે રહેવામાં છે. હાલમાં જ એક લેખિકાએ કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે મારું સંતાન કદાચ બહુ મોટું નામ ન કમાય તો ચાલશે, પણ તે એક સકારાત્મક અને નમ્ર માણસ બને, જે બીજાની લાગણીઓનું સન્માન કરે.
Comments
Post a Comment