સંઘર્ષથી સફળતા તરફ: જીવનનો અસલી મંત્ર 'બાઉન્સ બેક'
સંઘર્ષથી સફળતા તરફ: જીવનનો અસલી મંત્ર 'બાઉન્સ બેક'
જીવન એ એક વહેતી નદી જેવું છે, જેમાં ક્યારેક શાંત પ્રવાહ હોય છે તો ક્યારેક તોફાની મોજાં. પણ આ પ્રવાહમાં સૌથી સુંદર વાત એ છે કે, આપણે જે કંઈ કરીએ છીએ તેની બે બાજુઓ હોય છે. એક અંધકારમય અને બીજી પ્રકાશમય. આપણી સફળતાનો આધાર એ વાત પર છે કે આપણે કઈ બાજુ પર આપણી નજર ટકાવીએ છીએ. જો આપણે ઉજળી બાજુએ, આનંદની બાજુએ અને લોકકલ્યાણની બાજુએ ધ્યાન કેન્દ્રિત કરીએ, તો જીવનમાં ગમે તેટલા મોટા આઘાત આવે, આપણે સહેલાઈથી બાઉન્સ બેક કરી શકીએ છીએ.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે સમજાવ્યું છે કે આત્મા અજર-અમર છે. શરીર તો માત્ર એક વસ્ત્ર છે, જે રીતે આપણે જૂના વસ્ત્રો તજીને નવા ધારણ કરીએ છીએ, તેમ આત્મા પણ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે. આ સત્ય સમજાય ત્યારે સમજાય છે કે જીવનમાં આવતા ઉતાર-ચઢાવ એ માત્ર એક પ્રક્રિયા છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા આ કુદરતી ક્રમ છે જેને રોકી શકાતો નથી. ગીતા કહે છે કે જે રીતે આપણે ટાઢ અને તડકાને સહન કરીએ છીએ, તે જ રીતે સુખ અને દુઃખને પણ સમાન ભાવે સ્વીકારતા શીખવું જોઈએ.
જ્યારે આપણે આપણા કાર્યો પાછળ કોઈ ફળની અપેક્ષા રાખ્યા વિના માત્ર આપણી ફરજ બજાવવા પર ધ્યાન આપીએ છીએ, ત્યારે નિષ્ફળતાનો ડર આપોઆપ ઓગળી જાય છે. આ જ 'નિષ્કામ કર્મ'નો સિદ્ધાંત આપણને કોઈપણ આઘાતમાંથી જલ્દી બહાર આવવાની શક્તિ આપે છે.
ઘણીવાર આપણને લાગે છે કે આપણું જીવન ખૂબ સરળ ચાલી રહ્યું છે, પરંતુ અચાનક આવતી સ્વાસ્થ્યની સમસ્યા આપણને હચમચાવી દે છે. મારા વ્યક્તિગત અનુભવની વાત કરું તો, મેં પણ શારીરિક તકલીફોનો સામનો કર્યો છે. પરંતુ તે સમયગાળાએ મને વધુ જાગૃત બનાવી. આજે હું મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ છું. દરેક આઘાત આપણને કઈંક શીખવવા આવે છે. જે લોકો પોતાની ભૂલોમાંથી શીખે છે અને અનુભવોને આત્મસાત કરે છે, તેઓ પહેલા કરતા વધુ સમજદાર અને શક્તિશાળી બનીને બહાર આવે છે.
જીવનની લડાઈ કેવી રીતે લડવી, તેનું સૌથી મોટું ઉદાહરણ મને શ્રવણમંદ બાળકો પાસેથી મળ્યું છે. આ બાળકો કુદરતી રીતે સાંભળવાની ક્ષમતા ધરાવતા નથી, જેને કારણે તેમના જીવનમાં વાતચીત અને સામાજિક વ્યવહારના અનેક અવરોધો આવે છે. પરંતુ શું આ ખામી તેમના જીવનનો અંત છે? બિલકુલ નહીં.
આ બાળકો જે રીતે આધુનિક ટેકનોલોજી અને નવીન પદ્ધતિઓ દ્વારા વાતચીત કરતા શીખે છે, તે તેમની અદમ્ય જીજ્ઞાસા અને લડાયક મિજાજની સાબિતી છે. તેમની મક્કમતા આપણને શીખવે છે કે આપણી મુશ્કેલીઓ આપણી મર્યાદા નથી, પણ આપણી ક્ષમતા વધારવાની તક છે. આ બાળકો ક્યારેય હાર માનતા નથી; તેઓ હરપળ નવી રીતે વિશ્વ સાથે જોડાવા પ્રયત્નશીલ રહે છે. તેમની આ મક્કમતા અને સાતત્યએ જ આપણા માટે સાચો જીવનપાઠ છે.
જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે તેને એક 'અવરોધ' તરીકે જોવાને બદલે એક સીડી તરીકે જોવી જોઈએ. શ્રવણમંદ બાળકોની જેમ આપણે પણ આપણી પરિસ્થિતિને અનુરૂપ થતા શીખવું જોઈએ. જો આપણે એમ માની લઈએ કે આ મુશ્કેલી ક્ષણિક છે અને તેમાંથી મળતો બોધ કાયમી છે, તો આપણે કોઈપણ પરિસ્થિતિમાં ટકી શકીએ છીએ.
સાચી સફળતા એ નથી કે આપણા જીવનમાં ક્યારેય મુશ્કેલી ન આવે, પણ સાચી સફળતા એ છે કે આપણે પડ્યા પછી કેટલી ઝડપથી અને કેટલી મજબૂતીથી ઊભા થઈએ છીએ. જ્યારે આપણે કોઈના માટે કંઈક સારું કરીએ છીએ અથવા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણા પોતાના દુઃખો નાના બની જાય છે.
જીવનમાં સેટબેક એ તો માત્ર એક અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નહીં. આપણો આત્મા એક પ્રવાસી છે જે જ્ઞાન મેળવવા આ પૃથ્વી પર આવ્યો છે. જો આપણે હકારાત્મક રહીશું, આપણી ફરજો પ્રત્યે પ્રમાણિક રહીશું અને શ્રવણમંદ બાળકો જેવી અતૂટ શ્રદ્ધા રાખીશું, તો ચોક્કસપણે દરેક આઘાત પછી એક શાનદાર કમબેક શક્ય છે.
Comments
Post a Comment