વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે

 વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે


આજે સકારાત્મકતા પરના મારા ૨૫૦મા લેખનો પડાવ છે. ક્યારેક વિચાર આવે છે કે આ સફર ક્યારે શરૂ થઈ? કેવી રીતે હું કોઈ પણ અવરોધ વગર સતત ૨૫૦ લેખ લખી શકી? આ લેખો કેટલા લોકોએ વાંચ્યા હશે, કોને તેમાંથી બેઠાં થવાની શક્તિ મળી હશે કે કોણે મારી દ્રષ્ટિને સ્વીકારી હશે, એનો આંકડો કદાચ મારી પાસે નથી. પણ એક વાત ચોક્કસ છે: આ પ્રક્રિયામાં હું પોતે અંદરથી બદલાઈ ગઈ છું. 


મારા જીવનમાં સકારાત્મકતાનો આ રિપલ ઇફેક્ટ એટલે કે તરંગાકાર પ્રભાવ પેદા કરનાર મારા એ વિશિષ્ટ બાળકો છે, જેઓ સાંભળી શકતા નથી. આ બાળકો સાથેનો મારો રોજિંદો સંવાદ મને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવે છે. ઈશ્વરે આ બાળકોને એક અદ્ભુત શક્તિ આપી છે, પડકારો સામે અણનમ રહેવાની અને સ્મિત સાથે જીવવાની શક્તિ. આપણા માટે સુખ હંમેશા ભવિષ્યમાં હોય છે, આવતીકાલે કરીશું, આવતીકાલે સુખી થઈશું. પણ આ બાળકો માટે સકારાત્મકતા એ ભવિષ્યનો વાયદો નથી, પણ જીવવાની રીત છે.


આજે જ્યારે દુનિયામાં માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધી રહ્યા છે, લોકો તણાવ અને નકારાત્મકતાથી ઘેરાયેલા છે, ત્યારે આ બાળકો એક જીવતું-જાગતું ઉદાહરણ છે. શારીરિક મર્યાદાઓ હોવા છતાં, તેઓ પોતાની તમામ શક્તિ લગાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેમની આ જિંદાદિલીએ મારામાં પોઝિટિવિટીનું બીજ રોપ્યું, જે આજે વટવૃક્ષ બનીને ૨૫૦ લેખો સુધી પહોંચ્યું છે. 


જ્યારે જીવનમાં કુદરતી આફતો કે નકારાત્મકતા ઘેરી વળે, ત્યારે મહાકુંભ જેવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે ઈશ્વરનું અસ્તિત્વ આજે પણ છે. જો આપણે સત્કર્મ અને સદાચારના માર્ગે ચાલીએ, તો ઈશ્વર કોઈ ને કોઈ સ્વરૂપે આપણી રક્ષા કરવા જરૂર પ્રગટ થાય છે. 


ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર જ્યારે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો આસ્થાની ડૂબકી લગાવે છે, ત્યારે એ માત્ર શરીરનું સ્નાન નથી હોતું, પણ આત્માનું શુદ્ધિકરણ હોય છે. સંતો-મહંતોના જ્ઞાનનો વિનિમય જ્યારે જનસામાન્ય સુધી પહોંચે છે, ત્યારે એક એવી વૈચારિક ક્રાંતિ સર્જાય છે જે આપણને નકારાત્મકતાના કાદવમાંથી બહાર કાઢીને સકારાત્મકતાના શિખર તરફ લઈ જાય છે.


આટલી વિશાળ જનમેદની હોવા છતાં ત્યાં જોવા મળતી વ્યવસ્થા, શિસ્ત અને સ્વચ્છતા પ્રશંસનીય છે. સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય માનવી સુધીના તમામ લોકો જ્યારે કોઈ પણ ફરિયાદ વગર કલાકો સુધી ચાલે છે કે અગવડો વેઠે છે, ત્યારે પ્રશ્ન થાય છે, આ એકતા અને સહનશીલતા માત્ર આવા પ્રસંગો પૂરતી જ કેમ? કેમ આપણે રોજિંદા જીવનમાં એકબીજાની ભૂલોને જતી કરીને આ જ રીતે સાથે મળીને નથી રહી શકતા?


યુવા પેઢીમાં સંગીતનો જે ક્રેઝ જોવા મળ્યો, તે સકારાત્મકતાનો જ એક પ્રકાર છે. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા, ડિસિપ્લિન જાળવી અને કલાકાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો. જો સંગીતનો એક સૂર લાખો લોકોને જોડી શકતો હોય, તો વિચારો કે જો આપણે સૌ સકારાત્મક વિચારો સાથે જોડાઈએ તો સમાજમાં કેવું પરિવર્તન આવી શકે! સાંભળવાની ક્ષમતા વગરના બાળકોનું ધૈર્ય, મહાકુંભની દિવ્ય ઉર્જા અને સંગીતનો ઉલ્લાસ—આ બધું જ એક વાત તરફ ઈશારો કરે છે: આપણા ભારતીયોમાં એક અદમ્ય કોસ્મિક એનર્જી છે. જરૂર છે તો માત્ર તેને ઓળખવાની. આપણે આપણા મનનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરવાની જરૂર છે. એક પ્રકારનું પોઝિટિવ બ્રેઈનવોશિંગ, જ્યાં આપણે આપણા સબકોન્શિયસ માઈન્ડનેએવું પ્રશિક્ષણ આપીએ કે સકારાત્મકતા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.


પોઝિટિવિટીનો અર્થ એ નથી કે આપણે હંમેશા મહાકુંભમાં જવું પડે કે મોટા મ્યુઝિક કોન્સર્ટમાં જવું પડે. સકારાત્મકતા તો દરરોજ તમારી જાતને ગઈકાલ કરતા થોડી વધુ સારી બનાવવાનો પ્રયત્ન છે. મારા ૨૫૦ લેખોની સફરમાં મેં જે શીખ્યું છે એ છેઃ

૧. સ્વીકારઃ જ્યારે આપણે જીવનમાં જે છે તેનો ખુલ્લા હાથે સ્વીકાર કરીએ છીએ, ત્યારે સમૃદ્ધિ આપોઆપ વહેવા લાગે છે.

૨. ક્ષમતા: ભલે કોઈ એક ઇન્દ્રિય કામ ન કરતી હોય, પણ જો મન મક્કમ હોય તો બાકીની ઇન્દ્રિયો દ્વારા પણ સફળતાનો સ્વાદ ચાખી શકાય છે.

૩. કન્ફર્ટ ઝોન: કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું કદાચ પીડાદાયક હોઈ શકે, પણ વિકાસ માટે તે અનિવાર્ય છે.

૪. સાતત્ય: તમારા વિચારો અને લાગણીઓ જ તમારા જીવનનું ઘડતર કરે છે. જો તમે તમારા પ્રયત્નોમાં સતત રહેશો, તો આ રિપલ ઇફેક્ટ તમારા જીવનમાં અકલ્પનીય પરિવર્તન લાવશે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...