પડકારોથી ભવ્યતા સુધીની સફર, સંઘર્ષના આકાશમાં સફળતાનો સૂર્યોદય
પડકારોથી ભવ્યતા સુધીની સફર, સંઘર્ષના આકાશમાં સફળતાનો સૂર્યોદય
બાગકામ એ માત્ર છોડ ઉછેરવાની પ્રક્રિયા નથી, પણ જીવન જીવવાની એક કળા છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે બાગકામની સાચી મજા અને તેની સાર્થકતા માટીમાં હાથ ખરડાવીને મૂળિયાંને મજબૂત કરવામાં છે. જ્યારે તમે માટીમાં કામ કરો છો, ત્યારે તમારું શરીર ભલે ધરતી સાથે જોડાયેલું હોય, પણ તમારું મસ્તક સૂર્યના કિરણો ઝીલવા માટે આકાશ તરફ હોવું જોઈએ. આ પ્રક્રિયા આપણને શીખવે છે કે એક સુંદર બગીચો ઉછેરવા માટે માત્ર શારીરિક શ્રમ પૂરતો નથી, તેની પાછળ આત્માની માવજત પણ એટલી જ જરૂરી છે. જીવનનું પણ કંઈક આવું જ છે. જો આપણે જીવનના બગીચામાં ભવ્યતાના ફૂલ ખીલવવા હોય, તો પડકારોની માટીમાં હાથ નાખવા જ પડશે.
આજે જ્યારે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે માનવી પૃથ્વીની સીમાઓ વટાવીને અવકાશમાં પોતાના રહેઠાણો બનાવી રહ્યો છે. ૧૯૯૮માં પૃથ્વીથી અંદાજે ૩૫૦ કિલોમીટર ઉપર ભ્રમણકક્ષામાં વિશ્વના સૌથી મોટા અને જટિલ અવકાશ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની શરૂઆત થઈ હતી. ૪૩૦ ટન વજન અને ૧૦૮ મીટરની પહોળાઈ ધરાવતા આ સ્ટેશનનું નિર્માણ એ માનવ ઈતિહાસનું એક અદભૂત શિખર છે. આ સ્ટેશનના નાના-નાના ભાગોને અવકાશમાં પહોંચાડવા માટે ૪૫ જેટલા શટલ લોન્ચ કરવા પડ્યા હતા. આ આંકડાઓ માત્ર વિજ્ઞાનની પ્રગતિ નથી દર્શાવતા, પણ તે માનવ જીદ અને અવિરત પ્રયત્નોની ગાથા છે.
આ જ સીરીઝમાં એક નામ જે આજે દરેક ભારતીયના હૈયે વસેલું છે, તે છે સુનિતા વિલિયમ્સ. ૧૯૯૮માં નાસા દ્વારા પસંદ થયેલા આ પૂર્વ નેવી ઓફિસર આજે સાહસનું બીજું નામ બની ગયા છે. તાજેતરમાં તેઓ તેમના એક મિશન માટે અવકાશમાં ગયા હતા. જે મિશન માત્ર ૮ દિવસનું હતું, તે સંજોગોવશાત ૯ મહિના લાંબું ખેંચાયું. વિચારો, એક બંધ જગ્યામાં, પૃથ્વીથી સેંકડો માઈલ દૂર, શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ૯ મહિના વિતાવવા એ કેટલી મોટી કસોટી છે?
હાડકાં અને સ્નાયુઓની નબળાઈ, રેડિયેશનનું જોખમ અને દ્રષ્ટિની સમસ્યાઓ જેવા શારીરિક પડકારોની સાથે સાથે માનસિક એકલતાનો સામનો તેમણે હસતા મુખે કર્યો છે. સુનિતા વિલિયમ્સની આ ગ્લોરી એટલે કે ભવ્યતા પાછળ વર્ષોનો કઠોર પરિશ્રમ, સમર્પણ અને ગમે તેવા પડકારો સામે લડવાની માનસિક સજ્જતા રહેલી છે. તેઓ આપણને શીખવે છે કે વિજય એ જ મેળવે છે જે અણધાર્યા સંજોગોમાં પણ હારી નથી જતો.
આપણને વૈજ્ઞાનિકોએ આપેલી સુવિધાઓ ભોગવવી બહુ ગમે છે. આપણે સ્માર્ટફોન વાપરીએ છીએ, એસીમાં રહીએ છીએ અને આધુનિક ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈએ છીએ. પરંતુ, વિમાસણ એ વાતની છે કે જે વિજ્ઞાને આપણને આટલી સુવિધાઓ આપી, તે વિજ્ઞાનનો અભિગમ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ આપણે કેળવી શક્યા નથી. આપણે જીવનની નાની એવી મુશ્કેલીમાં માનસિક રીતે ભાંગી પડીએ છીએ. ઈન્ટરનેટ કનેક્શન જતું રહે કે ટ્રાફિકમાં ફસાઈએ તો પણ આપણે તણાવમાં આવી જઈએ છીએ.
જ્યારે આપણે સુનિતા વિલિયમ્સ જેવા વ્યક્તિત્વોને જોઈએ છીએ, ત્યારે પ્રશ્ન થાય છે કે આપણે જીવનના પડકારો સામે લડતા ક્યારે શીખીશું? આજે એક તરફ વિજ્ઞાન મંગળ પર માનવ વસાહતની વાતો કરે છે, અને બીજી તરફ આપણે હજી પણ ધર્મ, જ્ઞાતિ, સંકુચિત રિવાજો અને વાડાબંધીમાં અટવાયેલા છીએ. આપણી આધ્યાત્મિકતા હવે માત્ર બાહ્ય વિધિઓ અને કર્મકાંડો પૂરતી સીમિત થઈ ગઈ છે. તેમાં રહેલી સાચી શ્રદ્ધા અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના ક્યાંક ખોવાઈ ગઈ છે. જો આ બ્રહ્માંડ એક જ પરમ શક્તિનું સર્જન હોય, તો આપણે ભેદભાવના લીટા શા માટે તાણીએ છીએ? પ્રગતિ ત્યારે જ સાર્થક કહેવાશે જ્યારે આપણી માનસિકતા પણ વૈજ્ઞાનિક રીતે વિકસશે.
વીસમી સદીની શરૂઆત યાદ કરો. જ્યારે વિમાની મુસાફરી અને લક્ઝરી ક્રુઝ લાઈનર્સની શરૂઆત થઈ હતી. તે સમયે લોકો દરિયાની વચ્ચે તરતી હોટલો જોવા માટે નાની હોડીઓ દ્વારા જતાં. આજે ૨૧મી સદીમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિશ્વમાં ૧ કરોડથી વધુ લક્ઝરી ક્રુઝ ફ્લોટિંગ હોટેલ્સ તરીકે સમુદ્રમાં ફરે છે, જેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
જો મુસાફરીની પદ્ધતિમાં આટલું ક્રાંતિકારી અને પાયાનું પરિવર્તન આવી શકતું હોય, તો આપણી વિચારધારામાં કેમ નહીં? આપણે આપણા જીવનના કેપ્ટન બનીને નવા પ્રવાહો અને નવા વિચારોને આવકારવા જ પડશે. જો આપણે થોડા ફ્લેક્સિબલ બનીએ અને જીવનને એક સાહસ તરીકે જોઈએ, તો આપણું વ્યક્તિગત પરિવર્તન પણ અચૂક શક્ય છે.
ખરી ભવ્યતા તો પડકારોને હરાવવામાં જ છે, અને આ પાઠ મને પુસ્તકો કરતાં પણ વધારે મારા શ્રવણમંદ બાળકોએ શીખવ્યો છે. તાજેતરમાં જ જોશ ફાઉન્ડેશનમાં એક યુવાન મને મળવા આવ્યો. મને યાદ આવ્યું કે દસ વર્ષ પહેલાં જ્યારે તે એક નાનકડો બાળક હતો અને સ્પેશિયલ સ્કૂલમાં ભણતો હતો, ત્યારે અમે તેને શ્રવણ યંત્ર આપ્યું હતું.
તે ૨૦ વર્ષનો થઈ ગયો હતો. અમારી સંસ્થાનો નિયમ છે કે અમે ૨૦ વર્ષથી ઉપરના પુખ્ત વયના લોકોને મદદ નથી કરી શકતા. પણ તે યુવાન અહીં મદદ લેવા નહીં, પણ પોતાની કમાણીમાંથી નવું શ્રવણ યંત્ર ખરીદવા આવ્યો હતો! તેના ચહેરા પરનો આત્મવિશ્વાસ કોઈ મોટા ઉદ્યોગપતિ કરતાં પણ વધારે તેજસ્વી હતો. તેણે ગર્વથી કહ્યું, મેડમ, હવે હું બહુ સ્પષ્ટ બોલી શકું છું. મને BMCમાં સફાઈ કામદાર તરીકે નોકરી મળી છે. પપ્પા નિવૃત્ત થયા એટલે હવે હું આખા ઘરની જવાબદારી સંભાળું છું. હું ખુશ છું અને હવે મારા લગ્ન માટે છોકરી પણ શોધું છું.
તેની આ વાતો સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. વિચારો, જે બાળક જન્મથી સાંભળી શકતો નહોતો, જેણે સમાજની ઉપેક્ષા અને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો, તે આજે એક જવાબદાર નાગરિક તરીકે ઉભો હતો. બીજી તરફ, એવા કેટલાય લોકો છે જેમને સાંભળવાની તકલીફ હોવા છતાં લોકલાજે મશીન પહેરતા ડરે છે. તેઓ અધૂરું સાંભળીને સંવાદમાં મુશ્કેલી અનુભવે છે પણ પોતાની નબળાઈ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે આ યુવાને પોતાની ખામીને જ પોતાની તાકાત બનાવી દીધી. સાચી ગ્લોરી આનું જ નામ છે, પોતાના પડકારોને સ્વીકારીને તેની ઉપર વિજય મેળવવો.
૨૦૨૫ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ઐતિહાસિક જીત પણ આ પડકારથી ભવ્યતાની સફરનું જીવંત ઉદાહરણ છે. ન્યુઝીલેન્ડ સામેની તે હાઈ-વોલ્ટેજ ફાઈનલ કોણ ભૂલી શકે? ૨૫૨ રનનો પીછો કરતી વખતે જ્યારે શરૂઆતી વિકેટો ઝડપથી પડી ગઈ, ત્યારે આખી ટીમ પર અસહ્ય દબાણ હતું. પણ કેપ્ટન રોહિત શર્માએ જે રીતે ૭૬ રનની ઇનિંગ રમી, તેણે સાબિત કર્યું કે વિજય એ રનનો આંકડો નથી, પણ મેદાન પર ટકી રહેવાની જીદ છે. ટીમ ઇન્ડિયાની એ ૪ વિકેટે મળેલી જીત આપણને એ જ શીખવે છે કે જેઓ સંઘર્ષ સામે ઘૂંટણ નથી ટેકવતા, નસીબ પણ તેમને જ સાથ આપે છે. પછી તે ક્રિકેટનું મેદાન હોય, લેબોરેટરી હોય કે જીવનનો રણસંગ્રામ ધીરજ, હિંમત અને સાતત્ય જ મુશ્કેલીઓને સફળતામાં ફેરવી શકે છે.
Comments
Post a Comment