આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માનવીય અભિગમની જરૂર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માનવીય અભિગમની જરૂર
માનવી પાસે કુદરતની સૌથી અનમોલ ભેટ છે વિચારવાની શક્તિ. આપણું મગજ અબજો જ્ઞાનતંતુઓનું એક એવું જટિલ નેટવર્ક છે જે વિદ્યુત તરંગો અને રાસાયણિક સંકેતો દ્વારા કામ કરે છે. આજે આપણે એક એવી વૈજ્ઞાનિક ક્રાંતિના સાક્ષી બન્યા છીએ જ્યાં ટેકનોલોજી આપણા મગજની કાર્યપ્રણાલીને પડકારી રહી છે. આ ક્રાંતિનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ . જે રીતે આપણું મગજ વિચારે છે, તે જ રીતે કામ કરતા 'ડીપ ન્યુરલ નેટવર્ક્સ' દ્વારા AI આજે અશક્યને શક્ય બનાવી રહ્યું છે. આ કેટલો મોટો બદલાવ છે માનવ મગજમાંથી પેદા થયેલી એક સિસ્ટમ હવે માનવ મગજની જેમ જ પ્રક્રિયા કરી રહી છે!
હું અત્યારે અમેરિકામાં એક કોન્ફરન્સમાં ભાગ લઈ રહી છું, જ્યાં શ્રવણ શક્તિ ના ક્ષેત્રમાં AI દ્વારા આવેલા પરિવર્તનની ચર્ચાઓ થઈ રહી છે. એક સમય હતો જ્યારે સાંભળવા માટે માત્ર સામાન્ય એમ્પ્લીફાયરનો ઉપયોગ થતો, પણ આજે એવા હિયરિંગ એઇડ્સ આવી ગયા છે જે વ્યક્તિના મગજની જરૂરિયાત મુજબ અવાજને ફિલ્ટર કરી શકે છે.
પહેલાં આપણે સૂર્યના કિરણો જોઈને સમયનો અંદાજ લગાવતા, અને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર સમય જ નથી બતાવતું, પણ હવામાનની આગાહી કરે છે, આપણા ઘરનું તાપમાન નિયંત્રિત કરે છે અને સ્માર્ટફોન દ્વારા આપણી જરૂરિયાતોને સમજે છે. પણ પ્રશ્ન એ છે કે ટેકનોલોજી જેટલી ઝડપથી આપણી માનસિકતા બદલાઈ છે ખરી?
વિશ્વના કેટલાય ભાગોમાં આજે પણ બહેરાશ કે સાંભળવાની ખામી ધરાવતા લોકોને સમાજ પર બોજ માનવામાં આવે છે. લોકો પ્રશ્ન કરે છે કે આધુનિક ટેકનોલોજી પાછળ ખર્ચ કરવાની શું જરૂર છે? પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જો યોગ્ય દિશા અને ટેકનોલોજી મળે, તો આ વ્યક્તિઓ સામાન્ય લોકો કરતા પણ વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. જરૂર છે માત્ર તેમને સ્વીકારવાની અને આપણી જૂની વિચારધારા બદલવાની.
ChatGPT અને Gemini જેવા સાધનોના આગમન પછી હવે આપણે માત્ર વિચારવાની જરૂર છે, કામ AI કરી આપે છે. એક સમય એવો આવશે જ્યારે કદાચ માણસે વિચારવાની પણ જરૂર નહીં રહે. પણ અહીં જ એક જોખમ છે. વિજ્ઞાનીઓએ ટેકનોલોજી તો બનાવી દીધી, પણ શું આપણે તેનો ઉપયોગ સમજી-વિચારીને કરીએ છીએ? આપણે ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેના માલિક બનવું પડશે.
કોન્ફરન્સમાં એક વક્તાએ બહુ સચોટ વાત કહી: "જો એલેક્સા મારી વાત સમજી શકતી હોય, તો મારા હિયરિંગ એઇડ્સ કેમ નહીં?" આ વાત ટેકનોલોજીની સફળતા દર્શાવે છે, પણ સાથે એક ગંભીર પ્રશ્ન પણ પૂછે છે કે શું આપણું મન આ ફેરફારો માટે તૈયાર છે? આપણે આપણા સંતાનો, વડીલો અને જરૂરિયાતમંદો સાથેના સંબંધોમાં કેટલી આત્મીયતા જાળવી શકીએ છીએ?
ટેકનોલોજીના યુગમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિ અનિવાર્ય છે. તે હૃદય પર મગજનો વિજય નથી, પરંતુ હૃદય અને મગજ વચ્ચેનો સુમેળભર્યો સંવાદ છે. જો આપણે ઈચ્છીએ છીએ કે AI આપણને ફાયદો કરાવે, તો પહેલા આપણે આપણી જાત પર કામ કરવું પડશે. સ્વ-જાગૃતિ, આત્મ-નિયંત્રણ અને સહાનુભૂતિ કેળવવી પડશે.
આજે એક તરફ આપણે AI ના યુગમાં છીએ, તો બીજી તરફ કુદરતી આપત્તિઓ અને માનસિક તણાવ વધી રહ્યા છે. આપણે મેડિટેશન (ધ્યાન)નો પ્રયાસ કરીએ છીએ પણ એકાગ્રતા મળતી નથી. આ માટે પણ 'માઇન્ડસેટ શિફ્ટ' જરૂરી છે. આપણે શાંતિ, કરુણા અને સકારાત્મકતા તરફ વળવું પડશે. આપણા પ્રિયજનો અને જરૂરિયાતમંદો સાથે ફરીથી મનથી જોડાવું પડશે.
Comments
Post a Comment