આત્માનો ડિજિટલ ડિટોક્સઃ ટેકનોલોજીના ઘોંઘાટમાં ખોવાતો માનવીય સ્પર્શ
આત્માનો ડિજિટલ ડિટોક્સઃ ટેકનોલોજીના ઘોંઘાટમાં ખોવાતો માનવીય સ્પર્શ
આપણા બ્રહ્માંડનો એક શાશ્વત નિયમ છે અહીં એ જ જીવી જાય છે જે પરિવર્તનને સ્વીકારીને પોતાની જાતને અનુકૂળ બનાવી શકે છે. ડાર્વિનનો સિદ્ધાંત પણ કંઈક આવું જ કહે છે કે સૌથી બુદ્ધિશાળી કે સૌથી શક્તિશાળી નહીં, પણ સૌથી વધુ એડેપ્ટેબલ પ્રજાતિ જ ટકી રહે છે. તમે પક્ષીઓ કે પ્રાણીઓને જુઓ, તેઓ કુદરતી ફેરફારો સાથે કેટલી સહજતાથી અનુકૂલન સાધે છે, વાતાવરણ બદલાય એટલે તેઓ સ્થળાંતર કરે, અને જેવું વાતાવરણ ફરી અનુકૂળ બને કે તરત જ તેઓ પોતાના મૂળિયાં તરફ, પોતાના મૂળ આવાસ તરફ પાછા ફરે છે. આ કુદરતી પ્રજાતિઓ હજારો વર્ષોથી કોઈ પણ ટેકનોલોજીકલ ક્રાંતિ વગર જીવી રહી છે.
જ્યારે આપણે મનુષ્યોની વાત કરીએ, ત્યારે આપણને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું વરદાન મળ્યું છે. ટેકનોલોજી સગવડ માટે છે, પણ શું તે સુખ માટે છે? લાગણીઓ અને સંવેદનાઓના સ્તરે તો આપણે આજે પણ આપણા મૂળિયાં તરફ જ પાછા વળવું પડે છે. સાચો આત્મીય સંબંધ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી નથી ટકતો, એના માટે તો રૂબરૂ મુલાકાત, એકબીજાની હાજરીની હૂંફ અને પેલા જીવંત સ્પર્શની જરૂર હોય છે.
આજે સોશિયલ મીડિયાના કારણે સ્પર્ધા, ઈર્ષ્યા અને નકારાત્મકતાનો જુવાળ આવ્યો છે. લોકોમાં ધીરજ ખૂટી રહી છે અને ગુસ્સો વધી રહ્યો છે. તાજેતરમાં જ મને એક યુવતી મળી જેણે એક યુવક દ્વારા યુવતી પર થતા શારીરિક અને માનસિક અત્યાચારની ઘટના જોઈ હતી. દુઃખની વાત એ છે કે ફિલ્મો અને સોશિયલ મીડિયાએ આવા વર્તનને એટલું નોર્મલાઈઝ કરી દીધું છે કે સમાજ તેને મૂંગા મોઢે સ્વીકારી રહ્યો છે. પેલી યુવતીએ મને ખૂબ જ વ્યથા સાથે કહ્યું, મારે લગ્ન જ નથી કરવા. મને હવે કોઈના પર વિશ્વાસ નથી. જો સન્માન જ ન મળવાનું હોય તો લગ્નનો અર્થ શું? એના કરતાં તો હું AI દ્વારા મારો પાર્ટનર બનાવી લઈશ, જે ઓછામાં ઓછું મને ગમતું હોય એવું તો વર્તન કરશે વિચાર કરો, આપણું જગત કઈ દિશામાં જઈ રહ્યું છે?
હું હંમેશા કહેતી આવી છું કે સાંભળવાની ક્ષમતા ન ધરાવતું બાળક જો ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરે, તો તે સામાન્ય જીવન જીવી શકે છે. ડિજિટલ સાધનો તેમને સશક્ત બનાવે છે. પણ બીજી તરફ, આ જ ટેકનોલોજીનો અંધાધૂંધ ઉપયોગ અરાજકતા ફેલાવી રહ્યો છે. આપણે શું સારું છે અને શું ખરાબ, એ પારખવાની શક્તિ ગુમાવી રહ્યા છીએ. ટેકનોલોજી સંવાદ માટે છે, સંબંધ માટે નહીં. પ્રેમ અને લાગણીઓ ડિજિટલ મીન્સથી નથી કેળવાતા, એના માટે તો માનવ હૃદય અને મનનો સીધો સંપર્ક જોઈએ.
મેં આ વિશેષ બાળકો સાથે એક ફેશન શો કર્યો હતો. એ બાળકોએ જ્યારે સોશિયલ મીડિયા પર 'સામાન્ય' લોકોને આવી પ્રવૃત્તિ કરતા જોયા, ત્યારે તેમને પ્રેરણા મળી કે અમે પણ આ કરી શકીએ છીએ. આ ટેકનોલોજીનો સર્જનાત્મક ઉપયોગ છે. પણ જ્યારે બીજી બાજુ લોકો એ જ પ્લેટફોર્મ પર અભદ્રતા અને ગાળાગાળી કરે છે, ત્યારે ઘણું દુઃખ થાય છે. સાચો 'ડિજિટલ ડિટોક્સ' આ વિશેષ બાળકો પાસેથી શીખવા જેવો છે, જેઓ ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદા, વિનય અને હેતુ સાથે કરે છે.
આજે ઘરે-ઘરે એક દ્રશ્ય સામાન્ય છે: માતા બાળકને આઈપેડ કે મોબાઈલ બતાવીને જમાડતી હોય છે. બાળકને ખબર જ નથી હોતી કે તે શું ખાઈ રહ્યું છે. તે માતાના હાથની હૂંફ અને એ ભોજનમાં રહેલા પ્રેમને અનુભવી શકતું નથી. જ્યારે તમે બાળકને શાંત રાખવા ટેકનોલોજીનો સહારો લો છો, ત્યારે તમે તેને તમારાથી દૂર અને મશીનથી નજીક કરી રહ્યા છો.
ડિજિટલ ડિટોક્સનો અર્થ એ નથી કે ટેકનોલોજી છોડી દેવી, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પૌષ્ટિક વાનગી બનાવતા શીખવા માટે જરૂર મોબાઈલ જુઓ, પણ જ્યારે બાળકને ખવડાવો ત્યારે મોબાઈલ બાજુ પર મૂકીને હૃદયથી પીરસો. પ્રેમ કરવા માટે કોઈ સ્ક્રીનની જરૂર નથી.
ભગવાને આ બ્રહ્માંડ બનાવ્યું અને તમામ મનુષ્યોને પ્રેમ, કરુણા અને વિકાસની સમાન ક્ષમતા આપી. પણ આપણે મનુષ્યોએ ધર્મ અને સંપ્રદાયોના વાડા બનાવીને વિભાજન કર્યું, અને આજે ડિજિટલ મીડિયા આ વિભાજનને વધુ વેગ આપી રહ્યું છે. ભગવાન કૃષ્ણએ જ્યારે કુરુક્ષેત્રનું મેદાન પસંદ કર્યું, ત્યારે તે એક શાંત અને વિક્ષેપ વગરની જગ્યા હતી જેથી યોદ્ધાઓ ધ્યાન કેન્દ્રિત કરી શકે. આપણે પણ જીવનના આ રણમેદાનમાં ટેકનોલોજીને હાવી થવા દેવાને બદલે તેને એક સાધન તરીકે વાપરતા શીખવું પડશે.
Comments
Post a Comment