મહિલાઓ પોતાની જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે પોતાના માટે સમય પણ કાઢે
મહિલાઓ પોતાની જવાબદારીઓ નિભાવવાની
સાથે સાથે પોતાના માટે સમય પણ કાઢે
મહિલાઓ સમાજમાં અનેક ભૂમિકાઓ નિભાવે છે અને લાગણીઓનો ભંડાર હોય છે. દીકરી, બહેન, પત્ની અને માતા તથા અન્ય સંબંધોમાં એ પોતાની ભૂમિકા સુપેરે બજાવે છે. આપણે ફક્ત મહિલા દિન પૂરતું નહીં, પરંતુ આખું વર્ષ એમના કાર્યને બિરદાવવાની અને ઊજવવાની જરૂર છે.
રાધા અને મીરાં એ બે પાત્રો આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. એમણે વધારે શિક્ષણ લીધું ન હતું, પરંતુ ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જ એમનો મોટો ગુણ છે. એ બન્ને જણ પ્રેમ અને ભક્તિના દૂત સમાન હતી.
ઝાંસીની રાણી અને અહિલ્યાબાઈ હોળકર વીર યોદ્ધા હતી. આ જ રીતે મધર ટેરેસા કરુણામૂર્તિ હતાં. સામાન્ય માણસો જેમનાથી દૂર ભાગતા એવા રક્તપિતિયા લોકોની એમણે સેવા કરી હતી. આ જ રીતે આ વિશ્વમાં કેટલીય મહિલાઓ છે, જેઓ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સક્રિય છે. દેશ માટે જીવન ન્યોછાવર કરનારા જવાનોની માતાઓ તો દેવતાતુલ્ય છે.
આ માનવજાત મહિલાઓ થકી આગળ વધે છે અને મહિલાઓ જ પરિવર્તન લાવવા સક્ષમ છે. પુરુષોની સાથે મળીને આ વિશ્વને વધુ સુંદર બનાવી શકાય છે.
ઑડિયોલૉજિસ્ટ-સ્પીચ થેરપિસ્ટ તરીકેની મારી ત્રીસ વર્ષની કારકિર્દીમાં મેં સંખ્યાબંધ શ્રવણમંદ બાળકોની સાથે કામ કર્યું છે. દરેક બાળક પાસેથી હું શીખી છું કે જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી પ્રગતિ ચોક્કસ થાય છે. કોઈ પણ પડકારનો સામનો હસતાં હસતાં કરીને આગળ વધવું એવો બોધ મેં એમના જીવનમાંથી મેળવ્યો છે. એમની સારવાર કરતાં કરતાં જ મને સૂત્ર મળ્યું છે અને જેનો હું પ્રસાર કરી રહી છું કે 'શ્રવણમંદતા એ પંગુતા નથી'. જો શ્રવણમંદતાનું વહેલું નિદાન થઈ જાય તો એમને સારામાં સારી સારવાર આપીને સામાન્ય માણસની જેમ જ સાંભળતાં અને બોલતાં કરી શકાય છે.
મધર ટેરેસાએ એક વખત કહ્યું હતું, "હું એકલી આખા જગતમાં પરિવર્તન લાવી શકતી નથી, પરંતુ પાણીમાં પડતા પથ્થરની જેમ હું વલયોનું નિર્માણ કરી શકું છું."
મારો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો એવું હું ફરીવાર ભારપૂર્વક કહેવા માગું છું. મને ઑડિયોલૉજી વિશે જરાપણ ખબર ન હતી, પરંતુ તેનો અભ્યાસ કરીને આજે હું આ મુકામ પર પહોંચી છું, જ્યાં મને વૈશ્વિક આરોગ્ય સંસ્થાને પણ માન આપ્યું છે.
મેં ફક્ત વ્યાવયાસી કામ કર્યું છે એવું નથી. મેં બે દીકરીઓને ઉછેરી છે અને સાથે સાથે અનેક પારિવારિક જવાબદારીઓ પણ નિભાવી છે. મેં મારાથી બનતી સમાજસેવા કરી છે. વ્યાવસાયી જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે મેં લેખન કાર્ય પણ કર્યું છે અને અલગ અલગ ભાષામાં ચાર પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. બીજા બધાની જેમ હું પણ આ જ સમાજનો હિસ્સો છું. મને એક મહિલા તરીકે ઘણું ગૌરવ છે.
મારા વ્યવસાયમાં પણ મને અનેક રીતે સારાં કાર્યો કરનારી મહિલાઓનો પરિચય થયો છે. આજે આપણે બધાએ સ્વીકારવું રહ્યું કે મહિલાઓ અનેક પડકારો હોવા છતાં તમામ કાર્યક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપી રહી છે. સાથે સાથે એ પણ કહેવું ઘટે કે ફક્ત ગૃહિણી તરીકેની જવાબદારી નિભાવતી મહિલાઓ પણ સુપરવુમન છે. તેઓ ઘર-પરિવારનું સંગોપન કરે છે.
અહીં ભારપૂર્વક કહેવાનું કે મહિલાઓએ બધાનું ધ્યાન રાખવાની સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. પોતાના માટે પૂરતો સમય કાઢવો અને મનગમતી પ્રવૃત્તિઓ પણ કરવી.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાએ એક વખત કહ્યું હતું, મહિલા તરીકે આપણે જે હાંસલ કરી શકીએ તેની કોઈ મર્યાદા નથી.
મિશેલની આ જ વાતને યાદ રાખીને આપણે આગળ વધીએ.
Comments
Post a Comment