સમગ્ર દુનિયામાં ચાલી રહ્યો છે ટ્રેન્ડને અનુસરવાનો ટ્રેન્ડ!!!

 સમગ્ર દુનિયામાં ચાલી રહ્યો છે ટ્રેન્ડને અનુસરવાનો ટ્રેન્ડ!!!  


સોશિયલ મીડિયાની હાલની દુનિયામાં "ટ્રેન્ડ" શબ્દ પ્રચલિત છે. આજનો મોટો ટ્રેન્ડ એપલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો અથવા દરેક વસ્તુ માટે ગૂગલને ફોલો કરવાનો અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કે યુટ્યુબની પાછળ દીવાના થવાનો છે. સમગ્ર વિશ્વમાં લોકો કોઈને કોઈ ટ્રેન્ડ અનુસરે છે.  
તાજેતરમાં હું કપડાં સીવડાવવા ગઈ હતી. દરજીએ વાતવાતમાં મારી બ્રાન્ડની પસંદગી વિશે સવાલ કર્યા. મારે એમને કહેવું પડ્યું કે હું સાધારણ વ્યક્તિ છું અને કોઈ ટ્રેન્ડને અનુસરતી નથી.  
આજકાલ ટ્રેન્ડને કારણે આપણી માનસિકતા સાવ બદલાઈ ગઈ છે. આપણે જરૂરિયાત અને સગવડનો વિચાર કરવાને બદલે ટ્રેન્ડની દુનિયામાં વહેતા હોઈએ છીએ. ટીવી પર અને બીજા મીડિયામાં એવી ઘણી બધી જાહેરાતો આવે છે જે બ્રાન્ડને અનુસરવા માટે તમારા મન પર અસર કરે છે. આપણે ઉપરછલ્લી અને દેખાડાની દુનિયામાં જીવીએ છીએ. સમજણશક્તિ કેળવવા માટે આપણે પોતાની વિચારપ્રક્રિયામાં ઊંડા ઉતરતા નથી.  
સેલિબ્રિટીઓ, રાજકારણીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને મોટી-મોટી કંપનીઓને ફોલો કરવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. જો કે, આ પરિસ્થિતિમાં સૈનિકો અને એમના જેવા બીજા ખરા નાયકો વિસરાઈ રહ્યા છે. આપણે વ્યક્તિઓની સાચી ગુણવત્તાની કદર કરવાનું ક્યારે શરૂ કરીશું? મિત્રોની જેમ વિદેશમાં ભણવા જવાનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં મનોવિજ્ઞાન એટલું સંકુચિત અને સ્પર્ધાત્મક બની ગયું છે કે એમાં ધીરજનું મહત્ત્વ ઘટી ગયું છે. આજના યુવાનો ઝડપથી બધું પ્રાપ્ત કરવા માગે છે. પરિણામે, તેઓ જરૂરી પ્રયત્નો કરવા તૈયાર નથી. બધું સહેલાઈથી અને ઝડપથી પ્રાપ્ત કરી લેવાનો ટ્રેન્ડ એમનામાં ચાલી રહ્યો છે. લોકો ટ્રેન્ડ અને વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનો ભેદ ભૂલી ગયા છે.  
ભગવાન કૃષ્ણે આપણને પ્રેમ અને કુટુંબ માટે બલિદાન આપવાનું શીખવ્યું છે. ભગવાન રામે પણ આપણને કુટુંબ માટે બલિદાન આપવાનો બોધ આપ્યો છે. આજની સેલ્ફીની દુનિયામાં બ્રાન્ડ્સની હરીફાઈને જોઈને વિચાર આવે છે કે તે આપણને ક્યાં લઈ જશે. માનવતા ત્યારે જ ટકી શકે જ્યારે પ્રેમ, કરુણા, એકબીજાની જરૂરિયાતો પ્રત્યેની સમજદારી, વફાદારી, પોતાની ક્ષમતાની ઓળખ, આધ્યાત્મિકતા, વગેરે બધાનું મહત્ત્વ ટકી રહેશે.  
અમારા વ્યવસાયમાં અમે શ્રવણયંત્ર સાધન અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સાથે કામ કરીએ છીએ. અમે ઘણી કંપનીઓ સાથે પણ સહયોગ કરીએ છીએ જે શ્રવણયંત્રો અને કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઉત્પાદન કરે છે. જો કે, સાંભળવામાં તકલીફ હોય તેવા લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે તેવી ટેક્નોલોજી વિશે બહુ ઓછી જાગૃતિ છે. જેઓ ટેક્નોલોજી વિશે જાણકાર છે તેઓ ઘણીવાર સારી ગુણવત્તા અથવા વિશ્વસનીય સેવાઓને પ્રાથમિકતા આપતા નથી. તેના બદલે, તેઓ તાજેતરના ટ્રેન્ડને અનુસરવાનું વલણ ધરાવે છે. એને લીધે ગુણવત્તા ધરાવતી વસ્તુનું મહત્ત્વ ક્યારેક ઘટી જાય છે.  
ટ્રેન્ડ અને વાસ્તવિક જરૂરિયાત એ બન્ને વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. આજે ભલે ફેશનનો અને જલદીથી પૈસા કમાઈ લેવાનો અને કરોડોનો ધુમાડો કરીને ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ હોય, પરંતુ દેશને જરૂર છે ચંદ્રયાન જેવાં સાહસોની.  
 
 
 
અપ-ટૂ-ડેટ રહેવામાં અને નવી વસ્તુઓનો આનંદ માણવામાં કંઈ ખોટું નથી, છતાં આપણા જીવનમાં જે ખરેખર મહત્ત્વનું છે તેના વિશે વિચાર કરવો આવશ્યક છે. આજનો ટ્રેન્ડ ભલે ગમે એ હોય, વાસ્તવમાં, પ્રેમ, કરુણા અને પરિશ્રમ એ કાલાતીત સિદ્ધાંતો છે, જે આખરે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...