રિલ અને રિયાલિટી વચ્ચે સત્ય ખોવાઈ રહ્યું છે

 રિલ અને રિયાલિટી વચ્ચે સત્ય ખોવાઈ રહ્યું છે


સવાર પડે ને ઇન્સ્ટાગ્રામની સ્ક્રીન પર આંગળીઓ ફરવા લાગે છે. કોઈ વેકેશનના ફોટા મૂકે છે, કોઈ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ પ્રમોટ કરે છે, તો કોઈક જ્ઞાનની વાતો વહેંચે છે. આ આર્ટિફિશિયલ દુનિયા, આંધળી સ્પર્ધા અને સતત ચાલતી સરખામણીઓની વચ્ચે ક્યારેક રાત્રે આંખ બંધ કરીએ ત્યારે એક સવાલ અંદરથી ચોક્કસ ઊઠે આ બધામાં સત્ય કેટલું?

આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બધું જ બટન દબાવતા મળી જાય છે, પણ જે નથી મળતું એ છે આત્મિક શાંતિ અને પરમ સત્ય. ખરેખર તો, આ પૃથ્વી પર જીવતા દરેક મનુષ્યને આંતરિક રીતે ખબર જ છે કે અંતિમ સત્ય માત્ર એક જ છે– એ દિવ્ય શક્તિ, એ પરમાત્મા, જેને આપણે ભગવાન કહીએ છીએ. આપણે છીએ કારણ કે એ શક્તિ અસ્તિત્વમાં છે. આ ગ્લોબલ ટ્રુથ છે, આ કોઈ વ્યક્તિગત મિલકત નથી. સત્યની કોઈ ફિક્સ વ્યાખ્યા નથી હોતી, એને શબ્દોમાં કેદ નથી કરી શકાતું, એને બસ જીવવું પડે છે, અનુભવવું પડે છે.

માતા પોતાના બાળકને ગર્ભમાં રાખે ત્યારથી લઈને તેને મોટું કરે ત્યાં સુધી નિઃસ્વાર્થ પ્રેમ આપે, એ સનાતન સત્ય છે. પણ આજે આ મોર્ડન, આર્ટિફિશિયલ દુનિયામાં કેટલીક માતાઓ પોતાના સોશિયલ સ્ટેટસ, લુક્સ કે પાર્ટીઝને બાળકના ઉછેર કરતાં વધુ મહત્વ આપવા લાગી છે. હવે આ પણ એક સત્ય છે, પણ એ કેવું સત્ય? એ એમના વિચારો અને અકુદરતી પ્રાથમિકતાઓમાંથી જન્મેલું અનુકૂળતાનું સત્ય છે.

આજે આપણે સત્યને આપણી સગવડતા મુજબ તોડી-મરોડી રહ્યા છીએ. સોશિયલ મીડિયાના જમાનામાં દુનિયા નાની અને ફાસ્ટ થઈ ગઈ છે. શિક્ષણનું મહત્વ બધા જાણે છે. પણ વાસ્તવિકતા જુઓ કેટલાય એવા બાળકો છે જે મા-બાપના સમર્પણ કે પોતાની ધગશથી ભણી જાય છે, કેટલાક ગરીબીને કારણે તક ગુમાવી બેસે છે, તો વળી કેટલાક સુખી ઘરના નબીરાઓ બધી જ સગવડો હોવા છતાં આળસ અને અજ્ઞાનતામાં એ તક વેડફી નાખે છે. અહીં શિક્ષણ મહત્વનું છે એ સત્ય છે, પણ દરેકનો એને જીવવાનો અભિગમ જુદો છે. પરિણામે, કોઈ જિંદગીની રેસ જીતી જાય છે તો કોઈ બધું હોવા છતાં હારી જાય છે.

તાજેતરમાં જ જ્યારે હું વૃંદાવનમાં હતી, ત્યારે મારા મિત્ર ગૌરાંગ દાસ પ્રભુ સાથે મારે આ વિષય પર લાંબી ચર્ચા થઈ. તેમણે મને એક એવી વાત કહી જે સીધી હૃદયને સ્પર્શી ગઈ. તેમણે જણાવ્યું કે, આ વર્ષે તેમણે વૃંદાવનની શેરીઓમાં ભટકતા, નાની-મોટી વસ્તુઓ વેચીને પેટ ગુજારતા કે અનાથ બાળકો માટે એક પાર્ટ-ટાઇમ સ્કૂલ શરૂ કરી છે. આ સુંદર પહેલનું નામ છે સોલ ઓફ વ્રજ.

અહીં આ બાળકોને માત્ર અક્ષરજ્ઞાન નથી અપાતું, પણ આપણી સંસ્કૃતિ, દેવી-દેવતાઓની વાર્તાઓ અને ખાસ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે છે. ગૌરાંગ દાસજીએ ઉત્સાહભેર કહ્યું, તમે માનશો નહીં, પણ આ બાળકો એટલી અદ્ભુત પ્રગતિ કરી રહ્યા છે, તેઓ જે શુદ્ધતાથી શ્લોકોનું ગાન કરે છે અને જીવનને જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા છે, એ ચમત્કારથી ઓછું નથી.

આ ઘટના આપણને એક મોટું સત્ય સમજાવે છે: જીવનમાં કંઈપણ શ્રેષ્ઠ કરવું હોય તો ‘આપનાર’ અને ‘લેનાર’ બંને પક્ષે એક સરખું સમર્પણ હોવું જરૂરી છે.

આજે સમાજમાં બે ચિત્રો સ્પષ્ટ દેખાય છે. એક તરફ એવા પરિવારો છે જે રોજબરોજના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે, પણ તેમના બાળકો સખત મહેનત કરીને, સાચા સપોર્ટથી આઈએપીએસ કે સીએ જેવી મોટી પદવીઓ હાંસલ કરે છે. બીજી તરફ, એવા બાળકો છે જેમને જન્મતાની સાથે જ બધી સગવડો, એક્સપોઝર અને મોંઘી શાળાઓ મળી જાય છે, છતાં તેમનું મન સંકુચિત થતું જાય છે. તેઓ બહારના સુખો, ડ્રગ્સ, પાર્ટીઓ કે સોશિયલ મીડિયાની ફેક વેલ્યુઝ પાછળ દોડીને ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થની સમસ્યાઓનો શિકાર બને છે.

આપણે ક્યારે સમજીશું કે મનનો સાચો ઉપયોગ સાચી દિશાના શિક્ષણ માટે જ થવો જોઈએ? આપણા પૂર્વજો અને શાસ્ત્રો કહે છે કે, સત્ય એ જ છે જે જીવંત હોય, ગતિશીલ હોય અને જે દર સેકન્ડે આપણને એ પરમ તત્વ તરફ લઈ જાય. ઈશ્વર સુધી પહોંચવાના ઘણા રસ્તા છે કોઈ પ્રેમથી પહોંચે, કોઈ સત્તા કે ચેતનાથી, તો કોઈ સત્યથી. જે સત્યને ઓળખે છે, એ જ સાચી ચેતના, સાચી શક્તિ અને સાચા પ્રેમને પામી શકે છે. એવા બૌદ્ધિક લોકો માટે સત્ય એ બિંદુ છે જ્યાં દુનિયાના તમામ વિરોધાભાસો ઓગળી જાય છે અને એકતા જન્મે છે. આપણો કુંભ મેળો એ આ જ સામૂહિક સત્ય અને શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે.

મેં ક્યાંક એક બહુ સુંદર પંક્તિ વાંચી હતી, "માયા કા દાસ હંમેશા ઉદાસ, કૃષ્ણ કા દાસ સદા બિન્દાસ." જે લોકો ભૌતિક જગતના ખોટા આડંબર, બ્રાન્ડેડ વસ્તુઓ અને સુખ-સુવિધાઓની માયાજાળમાં ફસાયેલા છે, તેઓ ઈશ્વરીય સત્યથી બહુ દૂર છે. પરિણામે, અંદરખાને તેઓ હંમેશા ચિંતા, તણાવ અને નકારાત્મકતાથી ઘેરાયેલા રહે છે. જ્યારે બીજી તરફ, જેઓ ઈશ્વરના અસ્તિત્વ પર અતૂટ ભરોસો રાખે છે, તેઓ કોઈપણ પરિસ્થિતિમાં મુક્ત, હળવા-ફૂલ અને આનંદિત રહે છે. તેમના હૃદયમાં પરમાત્મા અને સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણા વહેતી હોય છે. તેઓ જ સાચા અર્થમાં સત્યના વાહક છે.

કુદરતનો એક અફર નિયમ છે. સૂર્ય દિવસને પ્રકાશિત કરવા આવે છે, ચંદ્ર રાતના અંધકારને હરવા અને તારાઓ મુસાફરોને દિશા બતાવવા ચમકે છે. આમાંથી કોઈનું સ્થાન બીજું કોઈ લઈ ન શકે. ગમે તેટલી વૈજ્ઞાનિક ક્રાંતિ થાય, ગમે તેટલા મોડિફાઈડ ફોર્મ્યુલા વપરાય, પણ પાઈનનું ઝાડ ક્યારેય ઓક નથી બની શકતું અને પામનું ઝાડ ક્યારેય ઘઉં નથી પેદા કરી શકતું.

આ એટલું સ્પષ્ટ હોવા છતાં આપણે મનુષ્યો કેમ નથી સમજતા? આપણે સતત આપણી સરખામણી પાડોશી, મિત્રો કે સહકર્મચારીઓ સાથે કરીને દુઃખી થઈએ છીએ. તમારા જીવનનું સત્ય તદ્દન તમારું જ છે. તમારી ક્ષમતા, તમારું જ્ઞાન અને તમારી સફર અજોડ છે. જો તમે તમારી આ યુનિકનેસને સ્વીકારશો, તો તમારી પ્રગતિ અસીમ બનશે, નહીં તો સરખામણીના ચક્કરમાં સીમિત રહી જશો.

ઈતિહાસ સાક્ષી છે કે ગમે તેટલું ઘનઘોર અંધારું હોય, એ સૂરજના એક કિરણને રોકી શકતું નથી. અસત્ય ગમે તેટલું શક્તિશાળી લાગે, આખરે વિજય તો સત્યનો જ થાય છે. જ્યારે સત્ય તમારી બાજુ હોય, ત્યારે દુનિયાની કોઈ તાકાત તમારા આત્માને ઈજા પહોંચાડી શકતી નથી. જે લોકો સત્યને નબળાઈ કે દંભ સમજે છે, તેમનું વિઝન બહુ નાનું છે.

જ્યારે તમે માત્ર સત્યના વિચારો કરવાને બદલે વાસ્તવિક જીવનમાં પોઝિટિવિટી અને સાચો માર્ગ પસંદ કરો છો, ત્યારે તમે સાચા અર્થમાં સજાગ બનો છો. મન બિલકુલ શાંત થઈ જાય છે અને એ પવિત્ર મૌન (Silence)ની અંદર જ સત્યનો અવાજ સ્પષ્ટ સંભળાય છે.

બહારની આ આર્ટિફિશિયલ દુનિયામાંથી થોડીક વાર બ્રેક લો. તમારી અંદર ઝાંકો અને પોતાના જીવનના સાચા સત્યની શોધ શરૂ કરો. જે દિવસે તમને એ જડી જશે, એ દિવસથી તમને તમારી જિંદગી સાથે પ્રેમ થઈ જશે.

Comments

Popular posts from this blog

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર