જ્યાં લક્ષ્ય ત્યાં લક્ષ્મી અને જ્યાં ફોકસ ત્યાં એનર્જી શું આપણે ખરેખર ‘નોર્મલ’ છીએ?
જ્યાં લક્ષ્ય ત્યાં લક્ષ્મી અને જ્યાં ફોકસ ત્યાં એનર્જીશું આપણે ખરેખર ‘નોર્મલ’ છીએ?
જ્યાં તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે, ત્યાં તમારી ઉર્જા વહેવા લાગે છે. આ માત્ર કોઈ પુસ્તકનું વાક્ય નથી, પણ મારા જીવનનો જીવંત અનુભવ છે. જ્યારે ૨૦૨૦માં કોવિડની મહામારી આવી, ત્યારે ચારેય તરફ માત્ર ડર, અજંપો અને અનિશ્ચિતતાનો માહોલ હતો. દુનિયા આખી આ આફતથી ધ્રૂજી રહી હતી અને હું પણ એ ગભરાટથી અલિપ્ત નહોતી. ઓફિસો બંધ થઈ અને અમે વર્ક ફ્રોમ હોમના મોડમાં આવી ગયા. એ જ ગાળામાં મેં સાંભળવાની ખામી ધરાવતા બાળકોને ઓનલાઇન ભણાવવાનું અને તેમની થેરાપી આપવાનું શરૂ કર્યું.
સ્ક્રીનની સામે બેસીને એ માસૂમ બાળકોને શીખવા માટે જે સંઘર્ષ કરવો પડતો હતો, તે મેં મારી આંખે જોયો. મને સમજાયું કે આ તો એમની રોજની જિંદગીની વાસ્તવિકતા છે. બાળપણથી જ તેઓ આ સાંભળતી દુનિયા સાથે કમ્યુનિકેટ કરવા માટે ઝઝૂમે છે. પરંતુ અચરજની વાત એ હતી કે, આટલા સંઘર્ષ છતાં તેમના ચહેરા પરની સ્માઇલ ક્યારેય ગાયબ નહોતી થતી. તેઓ અત્યંત ઉત્સાહી હતા, શીખવા માટે આતુર હતા અને દરેક પડકારને હસીને સ્વીકારવા તૈયાર હતા. તેઓ દરરોજ આ નોર્મલ દુનિયામાં ભળી જવા માટે લોઢાના ચણા ચાવતા હતા.
એક દિવસ સવારે મને વિચાર આવ્યો કે, જો આ બાળકો આટલી મર્યાદાઓ વચ્ચે પણ આટલા પોઝિટિવ રહી શકતા હોય, તો હું કેમ નહીં? મેં એમના ફોકસ અને સકારાત્મકતાને મારા જીવનમાં ઉતારવાનું નક્કી કર્યું. મેં લખવાનું શરૂ કર્યું એક એવું લેખન જે સમાજમાં પોઝિટિવિટી ફેલાવે. આજે આ વાતને પાંચ વર્ષ વીતી ચૂક્યા છે અને હું ૨૬૦થી વધુ આર્ટિકલ્સ લખી ચૂકી છું. મુસાફરીના થોડા દિવસો બાદ કરતાં, મેં અઠવાડિયામાં એક વાર નિયમિતપણે સકારાત્મકતાની થીમ પર આર્ટિકલ પબ્લિશ કર્યો છે. આજે મારી કાયા, માયા અને આત્મામાં એ જ પોઝિટિવ એનર્જી વહી રહી છે. મારા આ અદભુત પરિવર્તનનો શ્રેય મારા એ વહાલા શ્રવણમંદ બાળકોને જાય છે, જેમણે મને શીખવ્યું કે જીવનમાં સાચું ફોકસ કોને કહેવાય.
મેં ક્યાંક વાંચ્યું હતું કે આપણું શરીર બે રીતે કામ કરે છે. ઓર્ગેનિક અને ફંક્શનલ. આપણું શરીર નસો, સ્નાયુઓ અને હાડકાંનું બનેલું છે. જ્યારે શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ થઈ જાય, ત્યારે તેને ઓર્ગેનિક ડિસઇક્વિલિબ્રિયમ એટલે કે અંગોની અસમતુલા કહેવાય છે. લોકો કહે છે કે આ બાળકો પાસે કાનનું ઓર્ગન બરાબર કામ નથી કરતું, પણ તેમની વિલપાવર ઈચ્છાશક્તિ તેમની બાકીની ઇન્દ્રિયોને એટલી શક્તિશાળી બનાવી દે છે કે તેઓ બધું જ સમજી શકે છે.
બીજી તરફ, જો તમારા બધા જ અંગો સલામત હોય, રિપોર્ટ પણ નોર્મલ હોય, છતાં તમને પેટમાં દુખાવો થાય કે બેચેની રહે, તો તેને ફંક્શનલ ડિસઇક્વિલિબ્રિયમ કહેવાય છે. આપણે બધા જેઓ પોતાને નોર્મલ માનીએ છીએ, તો પછી આપણી જિંદગીની સફરમાં લોચો ક્યાં થાય છે? આપણું ફોકસ ક્યાં ગાયબ થઈ જાય છે? આપણી વિલપાવર ક્યાં ઓગળી જાય છે? બધું જ હોવા છતાં, આપણી ઉર્જા શંકા, ઈર્ષ્યા, નકારાત્મકતા અને સરખામણી પાછળ વેડફાય છે, જે આપણને માનસિક બીમારીઓ તરફ ધકેલે છે. જરા શાંતિથી વિચારો, ખરેખર વિકલાંગ કોણ છે? એ બાળકો જેમના અંગોમાં ખામી છે, કે આપણે જેઓ બધું હોવા છતાં મનથી અપંગ બનીને બેઠા છીએ?
આપણા શરીરમાં મગજ, ફેફસાં, હૃદય, પેટ, લિવર આ બધા અંગો જો એક પાકા મિત્રોની જેમ પરસ્પર તાલમેલથી કામ કરે, તો જિંદગીનું સંગીત મધુર બને છે. જો દરેક ઓર્ગન યોગ્ય સમયે, યોગ્ય ગતિએ પોતાનું કામ કરે, તો આખું શરીર એક સુમેળમાં ધબકે છે. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે આપણી જાત સાથે ભારે અન્યાય કરીએ છીએ. આપણને પોઝિટિવિટી અને અખૂટ ઉર્જા જોઈએ છે, પણ આપણે આપણા શરીરના અંદરના તંત્રને જ વેરવિખેર કરી નાખ્યું છે.
જ્યારે કોઈ નાની વાતમાં આપણને ગુસ્સો આવે છે, ત્યારે ધબકારા વધી જાય છે. એ સમયે આખા શરીરની સિસ્ટમ બગડી જાય છે. આવી સ્થિતિમાં લાંબા અને ઊંડા શ્વાસ લો. તમારા ફેફસાંને હૃદયને શાંત પાડવા દો. શ્વાસની આ પ્રક્રિયા જ તમારી ઉર્જાને સાચી દિશામાં વાળશે. આ જ કારણે યોગ અને મેડિટેશન (ધ્યાન) આખી દુનિયામાં સ્વીકારાયા છે. તે તમારા કોષોને ઓક્સિજન આપે છે, શ્રદ્ધા મજબૂત કરે છે અને જીવનમાં સરળતા, આનંદ અને વૈભવ લાવે છે.
આપણે માત્ર અંદરથી જ નહીં, પણ બહારની દુનિયામાંથી પણ વાઇબ્રેશન્સ મેળવતા હોઈએ છીએ. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે બહુ સુંદર વાત કહી છે કે, તમે દુનિયાને શ્રદ્ધા અને પોઝિટિવિટી સાથે જે આપશો, તે જ તમારી પાસે હજારો ગણું થઈને પાછું આવશે. જો તમારું ફોકસ સત્કર્મો અને આધ્યાત્મિકતા પર હશે, તો તમે અજાણતા જ અન્ય લોકો માટે પ્રેરણાનું ઝરણું બની જશો.
તાજેતરમાં જ મને મળવા એક ભાઈ આવ્યા. તેમણે ગદ્ગદ થઈને કહ્યું, મેડમ, જ્યારે હું તમારો આર્ટિકલ વાંચું છું ને, ત્યારે મને એમ થાય છે કે આ માત્ર મારા માટે જ લખાયો છે. એ વાંચીને મને જીવનમાં કંઈક સારું એક્શન લેવાની પ્રેરણા મળે છે.. એક લેખક તરીકે મારા માટે આનાથી મોટો કોઈ એવોર્ડ ન હોઈ શકે. મેં તેમને હસીને કહ્યું કે, આ કમાલ મારી નથી, મારા એ શ્રવણમંદ બાળકોની પ્રેરણાની છે.
એ જ વખતે ત્યાં બેઠેલા એક બાળકના માતાએ બહુ હૃદયસ્પર્શી વાત કહી, સાચી વાત છે મેડમ, મારે ત્રણ દીકરીઓ છે, જેમાં આ સાંભળી ન શકતી દીકરી સૌથી વધુ પ્રેમાળ છે. એ ઘરમાં બધાને જમાડ્યા પછી જ પોતે જમે છે. એ જે કંઈ કરે છે, પૂરા સમર્પણ અને પ્રેમથી કરે છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. એ જ દીકરીના લગ્ન એના જેવા જ એક સ્પેશિયલ ચાઇલ્ડ સાથે થયા. બંને વચ્ચે અદભુત અંડરસ્ટેન્ડિંગ હતી. પણ કમનસીબે, પરિવાર તરફથી જે સપોર્ટ અને હૂંફ મળવી જોઈએ તે ન મળી. પરિવારના સભ્યોનું ફોકસ નકારાત્મકતા પર હતું, પરિણામે એ સુંદર સંબંધ તૂટી ગયો અને ડિવોર્સ થઈ ગયા. જેમ શરીરમાં બધા અંગોનો સાથ જરૂરી છે, તેમ પરિવારમાં પણ બધા સભ્યોનો સુમેળ એટલો જ જરૂરી છે. જો એક પણ સભ્ય નકારાત્મક બને, તો આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે.
જીવનમાં સફળતા કોઈ શોર્ટકટથી નથી મળતી, તે માગે છે અવિરત ફોકસ અને ક્યારેય ન હાર માનવાની જીદ. આનું બેસ્ટ ઉદાહરણ તાજેતરમાં આઈપીએલ (IPL)માં જોવા મળ્યું, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ૧૮ વર્ષની લાંબી પ્રતીક્ષા અને સંઘર્ષ પછી આખરે ટ્રોફી જીતી! ૧૮ વર્ષ સુધી સતત ટ્રોલિંગ, હાર અને નિરાશા મળવા છતાં તેમનું ફોકસ ડગ્યું નહીં.
અને વિરાટ કોહલી? એ તો આખી ટીમનો ધબકારો છે. દરેક ઉતાર-ચઢાવમાં, દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં એ ટીમ સાથે અડગ ઊભો રહ્યો. એની એ વફાદારી, કમિટમેન્ટ અને પોતાની પ્રોસેસ પરનો ભરોસો જ એને વિજેતા બનાવે છે. વિરાટ માત્ર એક ક્રિકેટર નથી, પણ પેશન અને લોયલ્ટીનું જીવંત પ્રતીક છે.
મારા એ બહાદુર બાળકો અને વિરાટ કોહલી જેવા અનેક પ્રેરણારૂપ કિસ્સાઓ આપણને એક જ વાત શીખવે છે: જ્યારે આપણી ઉર્જા સાચી દિશામાં, અડગ વિશ્વાસ સાથે કેન્દ્રિત થાય છે ને, ત્યારે જિંદગીમાં ચમત્કારો સર્જાય છે. જીંદગીમાં ચમત્કારો સર્જાય છે.
Comments
Post a Comment