માઇન્ડફુલનેસ અને પોઝિટિવિટી અંતરની શાંતિનું પરમ સંગમસ્થાન છે

 માઇન્ડફુલનેસ અને પોઝિટિવિટી અંતરની શાંતિનું

પરમ સંગમસ્થાન છે


જ્યારે આપણે માઇન્ડફુલનેસ એટલે કે સજાગતાની વાત કરીએ છીએ, ત્યારે તેનો અર્થ એ છે કે આપણી દરેક ક્ષણ, આપણા વિચારો, લાગણીઓ અને શારીરિક પ્રતિક્રિયાઓ પ્રત્યે જાગ્રત રહેવું. કુદરત અને આપણી આસપાસના વાતાવરણને આત્માના શુદ્ધ ચશ્માથી જોવું અને તેમાંથી શીખવું. તાજેતરમાં જ મને એક એવા અલૌકિક ઉત્સવની સાક્ષી બનવાનું સદ્ભાગ્ય મળ્યું, જે આપણા દેશમાં દર ૧૪૪ વર્ષે એક જ વાર આવે છે મહાકુંભ. ત્રિવેણી સંગમ એટલે કે ગંગા, યમુના અને પવિત્ર સરસ્વતી નદીના મિલન સ્થળે આસ્થાની ડૂબકી લગાવવાનો મારો અનુભવ એટલો અકલ્પનીય અને અદ્ભુત હતો કે જેને શબ્દોમાં બાંધવો મુશ્કેલ છે.

કહેવાય છે કે આસ્થા આપણને બધું જ આપી શકે છે, છતાં આપણે ઘણીવાર તેના પર પૂરો ભરોસો નથી મૂકી શકતા. જરા વિચારો, હજુ થોડા સમય પહેલાં જ આપણે કોરોના જેવી વૈશ્વિક મહામારીનો સામનો કર્યો હતો, જેણે આપણને એકબીજાથી દૂર કરી દીધા હતા. વિજ્ઞાનની પ્રગતિએ ભલે દુનિયાને નજીક લાવી દીધી હોય, પણ એ વાયરસે આપણને જીવવા માટે એકબીજાથી અંતર રાખવા મજબૂર કર્યા હતા. અને આજે, આપણા પૂર્વજો દ્વારા વારસામાં મળેલી આસ્થા અને અતૂટ વિશ્વાસની તાકાત જુઓ! એ જ માનવ મહેરામણ આજે મહાકુંભના પાવન અવસરે ફરી એકબીજા સાથે હૃદયથી જોડાઈ ગયો છે. ઈશ્વર ખરેખર મહાન છે, જેમણે આપણા ભય અને આકુલ વ્યાકુલતાના દિવસોને પરમ શાંતિની તકમાં બદલી નાખ્યા.

મહાકુંભમાં મેં લાખો કરોડો લોકોને પોતાના કામધંધા, ખાવા પીવાની ચિંતા કે રજાઓની પરવા કર્યા વગર, પગપાળા કે વાહનો દ્વારા આવતા જોયા, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. કોઈને કોઈની પાસે અપેક્ષા નહોતી, કોઈ આંચકા ખેંચ નહોતી, કોઈ કચરો ફેંકવાની ઉતાવળ નહોતી કે આગળ પાછળ નીકળી જવાની કોઈ ફરિયાદ નહોતી. દરેકના મનમાં બસ એક જ સંકલ્પ હતો પવિત્ર નદીમાં એક આસ્થાની ડૂબકી! આટલી પ્રચંડ ભીડ હોવા છતાં, લોકોના ચહેરા પર સ્મિત અને સંતોષ હતો. સદીઓ બદલાઈ, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો, વિજ્ઞાન આગળ વધ્યું, છતાં આપણી ધરોહર, આપણા ભારતીય સંસ્કારોના મૂળ આજે પણ કેટલા મજબૂત છે, તેની પ્રતીતિ મને ત્યાં થઈ.

આ ગણતરી સામાન્ય નથી! આટલા વિરાટ આયોજનને સફળ બનાવવા પાછળ જે વહીવટી કુશળતા છે, તેને સલામ કરવાનું મન થાય. ૫૦,૦૦૦થી વધુ સફાઈ કર્મચારીઓ અને ૮૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો દિવસ રાત લોકોની સુરક્ષા અને માર્ગદર્શન માટે તૈનાત હતા. ગરીબો માટે અવિરત ચાલતા ભંડારા, મધ્યમ વર્ગ માટે અસંખ્ય ફૂડ સ્ટોલ્સ અને વી.આઈ.પી. તેમજ વિદેશી મહેમાનો માટેની વિશેષ વ્યવસ્થાઓ પૂર્વ આયોજિત હતી. સ્વચ્છતા માટે શૌચાલયોની પૂરતી વ્યવસ્થા અને નદીની પવિત્રતા જાળવવા માટે આખો દિવસ ફરતી બોટ્સ દ્વારા થતી સફાઈ કાબિલે તારીફ હતી.

ત્યાં મને મળેલા એક પત્રકારે સચોટ કહ્યું હતું કે મેં ૨૦૧૩ના કુંભમેળાની મુલાકાત લીધી હતી, પણ ૨૦૨૫ ૨૬નો આ મહાકુંભ તેના કરતાં ૧૦,૦૦૦ ગણો મોટો અને ભવ્ય છે. કદાચ કોઈ નાસ્તિક વ્યક્તિ આ આયોજન પાછળના તર્ક પર સવાલ ઉઠાવી શકે, પણ સત્ય એ છે કે અહીં લોકોના હૃદયમાં પૂર્વજોએ રોપેલા સંસ્કારોનું પ્રતિબિંબ દેખાય છે.

જેમ વહેતું ઝરણું પથ્થરો અને મુશ્કેલીઓને પાર કરીને નદી બને છે અને અંતે સમુદ્રમાં ભળી જાય છે, તેમ જ આ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ પોતાના શરીર અને મનની નકારાત્મકતાને નદીના વહેણમાં વહાવીને પવિત્ર થઈ રહ્યા હતા. બીજી તરફ, પૂજ્ય સંતો અને આધ્યાત્મિક ગુરુઓની સકારાત્મક ઉર્જા આખા વાતાવરણને દિવ્ય બનાવી રહી હતી.

અન્ય શ્રદ્ધાળુઓની જેમ, હું પણ મારા પરિવાર અને મિત્રો માટે એક લીટર પવિત્ર ગંગાજળ ઘરે લાવી છું. આશ્ચર્યની વાત એ છે કે ૫૦ કરોડ લોકોએ જેમાં ડૂબકી લગાવી, તે જળ આજે પણ કાચ જેવું સાફ અને શુદ્ધ છે! આ પ્રકૃતિ અને આધ્યાત્મની અસીમ શક્તિ જ છે. જો એક અંદાજ લગાવીએ તો, આશરે ૧૨ કરોડ પરિવારો પોતાના ઘરે આ પવિત્ર જળ લઈ ગયા છે. આપણા શાસ્ત્રોમાં માનયતા છે કે અંતિમ સમયે મુખમાં પવિત્ર જળ મૂકવાથી આત્માને પરમ શાંતિ મળે છે. કલ્પના કરો, આ પાવન જળથી કરોડો આત્માઓ તૃપ્ત થશે.

આપણે અવારનવાર જ્ઞાતિ જાતિ, ધર્મ, ભાષા અને અધિકારોની લડાઈ લડતા રહીએ છીએ. પરંતુ, આ વિરાટ મેળામાં આપણા પૂર્વજોએ આપણને એક અદભુત મૂલ્ય શીખવ્યું છે પિતૃઓનું તર્પણ અને વડીલો પ્રત્યે આદર. વેદ અને શાસ્ત્રો કહે છે કે માતા પિતા એ જીવનનો સૌથી મોટો ખજાનો છે. જો આપણે તેમના આશીર્વાદ શુદ્ધ હૃદયથી મેળવીએ, તો ગમે તેવી મુશ્કેલીનો સામેલ કરવાની શક્તિ મળી જાય છે. અહીં કોઈ ભેદભાવ નથી, કોઈ જ્ઞાતિવાદ નથી, અહીં માત્ર પિતૃઓ માટેની પ્રાર્થના અને આધ્યાત્મિક એકતા છે. પવિત્ર નદીઓ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌને વહાલથી પાવન કરે છે.

મહાકુંભ એ માત્ર એક ધાર્મિક મેળાવડો નથી, પરંતુ તે આસ્થા, સંસ્કૃતિ અને એકતાની જીવંત મિસાલ છે. ભૌતિકવાદ અને આધુનિકતાની આ આંધળી દોટમાં મહાકુંભ આપણને આપણા મૂળ તરફ પાછા વાળે છે. આ પવિત્ર જળમાં માત્ર શરીર શુદ્ધ નથી થતું, પરંતુ આપણા આત્માની જાગૃતિ થાય છે.

Comments

Popular posts from this blog

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર